મહારાષ્ટ્ર

બારામતીમાં ડીજીસીએના ચાર સભ્યની ટીમે વિમાન દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી

પુણે: ડીજીસીએના વરિષ્ઠ અધિકારીઓની ચાર સભ્યની ટીમે પુણે જિલ્લામાં બારામતી નજીક વિમાન દુર્ઘટનાના સ્થળની બુધવારે મુલાકાત લીધી હતી. ગયા મહિને બનેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય ચારનાં મોત થયાં હતાં.

બુધવારે દુર્ઘટના સ્થળની મુલાકાત દરમિયાન તેમણે 28 જાન્યુઆરીની ઘટના સાથે કડી ધરાવતા સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા વીડિયોની સમીક્ષા કરી હતી.

પુણે જિલ્લાના બારામતી એરપોર્ટ નજીક લિયરજેટ વિમાન ક્રૅશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત કેપ્ટન સુમિત કપૂર, કો-પાઇલટ કેપ્ટન સંભવી પાઠક, પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) વિદિપ જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માળીનાં મોત થયાં હતાં.

વિમાન દુર્ઘટનામાં પવાર તથા અન્ય ચાર જણનાં મોત બાદ નાગરી ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર બારામતીમાં ‘અનિયંત્રિત એરફિલ્ડ’ (એક સમર્પિત ઍર ટ્રાફિક ક્ધટ્રોલ વિનાનું) અને ટ્રાફિક માહિતી સ્થાનિક ઉડ્ડયન તાલીમ સંસ્થાઓના પ્રશિક્ષકો/પાયલટો દ્વારા પૂરી પાડવામાં આવે છે.

કેન્દ્રીય નાગરી ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટનાની તપાસ સમયબદ્ધ રીતે પૂરી કરાશે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઇબી) અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા દુર્ઘટનાના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું.

એક અધિકારીએ 30 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે (સીઆઇડી) વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button