બારામતીમાં વિમાન દુર્ઘટના: સીઆઇડીએ તપાસ શરૂ કરી

મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય ચાર લોકોના મૃત્યુ માટે કારણભૂત બારામતી વિમાન દુર્ઘટનાની તપાસ મહારાષ્ટ્ર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પુણે જિલ્લાના બારામતીમાં 28 જાન્યુઆરીએ બનેલી વિમાન દુર્ઘટના પ્રકરણે એક્સિડેન્ટલ ડૅથ રિપોર્ટ દાખલ કરાયા બાદ રાજ્ય પોલીસે સીઆઇડી તપાસનો આદેશ આપ્યો હતો.
પુણે ગ્રામીણ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 194 હેઠળ એક્સિડેન્ટલ ડૅથ રિપોર્ટ (એડીઆર) દાખલ કર્યો હતો અને હવે તે સીઆઇડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાચો : અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રમાં બજેટનું ‘સંકટ’: કોણ બનશે નવા નાણા પ્રધાન?
66 વર્ષના અજિત પવાર અને અન્ય ચાર જણ લિયરજેટ 45 વિમાનમાં મુંબઈથી બેઠા હતા અને બારામતીમાં ટેબલટોપ હવાઇપટ્ટીના ખૂણેથી 200 મીટર દૂર વિમાન તૂટી પડ્યું હતું.
વિમાન દુર્ઘટનામાં અજિત પવાર ઉપરાંત મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરને વિમાન ઉડાવવાનો 15,000 કલાકનો, તો કો-પાઇલટ કેપ્ટન શુભાંગી પાઠકને વિમાન ઉડાવવાનો 1,500 કલાકનો અનુભવ હતો. પવારનો અંગત સલામતી અધિકારી વિદિપ જાધવ અને પાઇલટ એટેન્ડેન્ટ પિંકી માળીનાં પણ દુર્ઘટનામાં મોત થયાં હતાં.
આ પણ વાચો : સુનેત્રા પવાર બનશે અજિત પવારના સ્થાને નાયબ મુખ્ય પ્રધાન?
સીઆઇડીના અધિકારીઓની ટીમે તેમનું કામ શરૂ કરી દીધું છે અને પુણે ગ્રામીણ પોલીસ પાસેથી સંબંધિત દસ્તાવેજો ભેગા કર્યા છે. ટીમ બારામતી હવાઇપટ્ટી નજીક દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



