મહારાષ્ટ્ર

મહિલા સાથે ‘ગેરવર્તન’ બદલ બૅંક કર્મચારીઓ પર હુમલો: ધુળેમાં શિવસેનાના બે પદાધિકારીની ધરપકડ

મુંબઈ: ધુળે જિલ્લામાં મરાઠીમાં બોલવાને મુદ્દે ‘ગેરવર્તન’ કરાયું હોવાનો મહિલા પ્રોફેસરે દાવો કર્યા બાદ સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના કર્મચારીઓ પર હુમલો કરવા બદલ શિવસેનાના બે પદાધિકારીની પોલીસે ધરપકડ કરી હતી.
મહિલાના જણાવ્યા અનુસાર તે 4 જૂને રૂપિયા જમા કરાવવા માટે એસબીઆઇની દેવપુર બ્રાન્ચમાં કામકાજના કલાકો પૂરા થયા બાદ ગઇ હતી, જેને કારણે બૅંક મેનેજર અને અન્ય કર્મચારીઓ સાથે તેની બોલાચાલી થઇ હતી.

મહિલા ત્યાર બાદ દેવપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી, પણ એ સમયે તેણે બૅંકના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે બૅંકના કર્મચારીઓએ મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: મરાઠીમાં બોલવાને બદલે ‘એક્સક્યુઝ મી’ કહેનારી બે મહિલાની ટોળાએ કરી મારપીટ

મહિલા પ્રોફેસરે બાદમાં શિવસેનાના કાર્યકરોનો સંપર્ક સાધ્યો હતો અને મરાઠી બોલવાને મુદ્દે તેને જે ત્રાસ સહન કરવો પડ્યો તેની જાણ કાર્યકરોને કરી હતી.

7 જૂને શિવસૈનિકો જૂથ મહિલાના સમર્થનમાં બૅંકમાં પહોંચી ગયું હતું. મહિલા સાથે કથિત ગેરવર્તન કરનારો મેનેજર એ સમયે કોઇ ટ્રેનિંગ માટે બહાર ગયો હતો. જોકે શિવસૈનિકોએ બૅંકમાં હાજર અન્યો સાથે દલીલ કરી હતી અને એક કર્મચારીને લાફો મારી દીધો હતો.

આ પણ વાંચો: કમર્શિયલ વાહનો પર હવે ફક્ત મરાઠીમાં જ સોશિયલ મેસેજ લખવામાં આવશે: જાણો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

આ ઘટના બાદ બૅંકના કર્મચારીઓએ શિવસૈનિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે નરેન્દ્ર પરદેશી અને ધીરજ પાટીલની ધરપકડ કરી હતી. બંનેને બાદમાં સ્થાનિક અદાલતમાં હાજર કરાયા હતા, જ્યાં તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

દરમિયાન મહિલા પ્રોફેસરની ફરિયાદને આધારે બૅંકના અધિકારી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 11/7 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button