લાડકી બહેન યોજના હેઠળ વિતરિત નાણાં કોઈ પાસેથી પાછા લેવામાં આવશે નહીં: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે એવી ખાતરી આપી હતી કે ‘મુખ્યમંત્રી માઝી લડકી બહિણ યોજના’ યોજના હેઠળ વિતરિત કરી નાખવામાં આવેલા ભંડોળની કોઈ વસૂલાત કરવામાં આવશે નહીં.
2024ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી લાડકી બહેન યોજના આર્થિક રીતે વંચિત વર્ગની પાત્ર મહિલાઓને માસિક 1,500 રૂપિયાનું ભથ્થું આપે છે. મહારાષ્ટ્રમાં આના 2.43 કરોડથી વધુ લાભાર્થીઓ છે, જેનાથી રાજ્યના તિજોરી પર દર મહિને આશરે 3,700 કરોડ રૂપિયાનો બોજ પડે છે.
પવારનું આ વચન વિપક્ષના એવા દાવા વચ્ચે આવ્યું છે કે સરકાર લાભાર્થીઓની યાદી કાપી નાખશે, અપાત્ર વ્યક્તિઓને વિતરિત કરવામાં આવેલા નાણાં પાછા લેવામાં આવશે અને આખરે યોજના બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: મહાનગરપાલિકાઓની ચૂંટણી પછી લાડકી બહેન યોજના બંધ થઈ જશે: આદિત્ય ઠાકરે
‘ગયા વખતે સંભવિત લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી માટે અમારી પાસે મર્યાદિત સમય હતો. અમે દરેક લાભાર્થીના આધારને યોજના સાથે લિંક કરવા માગતા હતા, પરંતુ તેમ કરી શક્યા નહીં. જોકે, આપેલા પૈસાની કોઈ ફેર વસૂલાત થશે નહીં,’ એમ પવારે કહ્યું હતું.
લાડકી બહેન યોજનાના માસિક ભથ્થા માટે મહિલાઓએ મહાયુતિને મત આપ્યા હતા.
એનસીપીના વડા પુણેમાં વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા જ્યાં તેમણે એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે મંચ શેર કર્યો હતો.
લાડકી બહેન કાર્યક્રમને ગયા વર્ષે રાજ્યની ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત માટે એક મુખ્ય કારણ તરીકે શ્રેય આપવામાં આવ્યું હતું.
શરદ પવાર સાથેની તેમની ચર્ચાઓ વિશે પૂછવામાં આવતા, એનસીપીના વડાએ કહ્યું, ‘અમે ખાંડ સંબંધિત બાબતો વિશે વાત કરી હતી. સહકાર, એક્સાઇઝ, કૃષિ અને ઊર્જા વિભાગો ખાંડના વ્યવસાય સાથે જોડાયેલા છે. અમે વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.’
આ પણ વાંચો: લાડકી બહેનનો બોજ: રાહતો પર ખર્ચ ઘટાડવા માટે પેનલની રચના
અજિત પવારે કહ્યું હતું કે તેમણે કૃષિ વિભાગની કામગીરીની સમીક્ષા કરી છે અને સરકારી યોજનાઓના સંભવિત દુરુપયોગ પર પ્રકાશ પાડ્યો છે.
‘જ્યારે સરકાર લોકોના લાભ માટેની યોજનાઓ રજૂ કરે છે, ત્યારે હંમેશા કેટલાક અનૈતિક તત્વો અનુચિત લાભ લેવાનો પ્રયાસ કરે છે. એક રૂપિયાની પાક વીમા યોજના સાથે પણ આવા જ કિસ્સાઓ બન્યા હોય તેવું લાગે છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પહેલા, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેએ કહ્યું હતું કે ખેડૂતો માટેની એક રૂપિયાની પાક વીમા યોજનાના અમલમાં અનિયમિતતાઓ જોવા મળી હતી અને લાભો મેળવવા માટે પૂજા સ્થળોને પણ ખેતીલાયક જમીન તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
જિલ્લાના પાલક પ્રધાનોને લઈને શિવસેના અને એનસીપી વચ્ચે થયેલા ઘર્ષણ અંગે પવારે કહ્યું હતું કે, ‘જિલ્લાના પાલક પ્રધાનોની જવાબદારી તેમના કેબિનેટ સાથીદારોને સોંપવી એ મુખ્ય પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ)નો વિશેષાધિકાર છે. તેઓ દાવોસથી પાછા ફર્યા પછી નિર્ણય લેશે.’