મહારાષ્ટ્ર

17 લોકોનો ભોગ લેનારી ઇમારત હોનારત: વસઇ-વિરારપાલિકાના આસિસ્ટન્ટ કમિશનરની ધરપકડ…

સ્ટ્રકચર ઑડિટમાં ઇમારત અનધિકૃત અને જોખમી જાહેર કરાઇ હોવા છતાં ગિલ્સન ગોન્ઝાલ્વીસે એમઆરટીપી એક્ટ હેઠળ કાર્યવાહી ન કરી

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં ઑગસ્ટમાં 17 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઇમારત હોનારત પ્રકરણે ક્રાઇમ બ્રાન્ચે વસઇ-વિરાર મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગિલ્સન ગોન્ઝાલ્વીસની ગુરુવારે રાતે ધરપકડ કરી હતી. સ્ટ્રક્ચરલ ઑડિટમાં ઇમારત અનધિકૃતે અને જોખમી જાહેર કરાઇ હોવા છતાં પાલિકાના સી વોર્ડના ઇન્ચાર્જ ગોન્ઝાલ્વીસે એમઆરટીપી એક્ટ હેઠળ કાર્યવાહી કરી નહોતી, એવો તેમના પર ઠપકો મૂકવામાં આવ્યો છે.

વિરાર પૂર્વના વિજયનગરમાં આવેલી રમાબાઇ એપાર્ટમેન્ટ નામની ચાર માળની અનધિકૃત ઇમારત 26 ઑગસ્ટે, 2025ના રોજ ધરાશાયી થઇ હતી, જેમાં બે બાળકો સહિત 17 જણનાં મોત થયાં હતાં, જ્યારે નવ લોકો ઘવાયા હતા. આ ઇમારતમાં પચાસ ફ્લેટ હતા, પણ માત્ર થોડાં વર્ષમાં આ ઇમારતન દુર્દશા થઇ ગઇ હતી. બિલ્ડરે ઇમારતના રહેવાસીઓની દિશાભૂલ કરીને ઇમારત અધિકૃત હોવાનું જણાવ્યું હતું. ઇમારત પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યા બાદ પોલીસે ડેવલપર નિતલ સાને, જગ્યાના માલિક તથા અન્યો સામે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન પોલીસ કમિશનરે આ પ્રકરણની તપાસ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ને સોંપી હતી. પોલીસે ડેવલપર સહિત પાંચની ધરપકડ કરી હતી. ઇમારત જેના પર બાંધવામાં આવી હતી, જે જગ્યાની માલકણ બે મહિલા અને રહેવાસીઓ પાસેથી ભાડાં વસૂલી કરનારા તેમના પતિઓનો આરોપીમાં સમાવેશ થાય છે. ડેવલપર હજી પણ કસ્ટડીમાં છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા મુજબ ઇમારત હોનારત મામલે ગુરુવારે રાતે મહાપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગોન્ઝાલ્વીસની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટ્રકચરલ ઑડિટમાં ઇમારતને અનધિકૃત અને જોખમી જાહેર કરવામાં આવી હોવા છતાં ગિલ્સન ગોન્ઝાલ્વીસ મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ, 1966 હેઠળ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા હતા. બિલ્ડિંગ કોન્ટ્રેક્ટર સાથે સાઠગાંઠ કરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ઇમારત 2012માં બાંધવામાં આવી હતી અને મહાપાલિકા અનુસાર તે અનધિકૃત હતી. જમીનના માલિક અને ડેવલપરે ટેક્નિકલ સલાહ વિના ઇમારત હલકી ગુણવત્તાના મટિરિયલ સાથે નિર્માણ કરી હતી, જેને કારણે તે તૂટી પડી હતી.

આ પણ વાંચો…વિરારની ઈમારત દુર્ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ: વધુ ચારની ધરપકડ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button