અર્નાળામાં પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા, બહેનપર હુમલો કરી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી

પાલઘર: વિરાર નજીક અર્નાળા ગામમાં મળસકે પ્રોફેસરનાં વૃદ્ધ માતા-પિતા અને બહેન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ અર્નાળા ગામમાં સોમવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. લૂંટારું ટોળકી મળસકે ઘરમાં ઘૂસી હતી અને તેમણે વૃદ્ધ દંપતી સહિત ત્રણ પર શસ્ત્રથી હુમલો કર્યો હતો.
લૂંટારુઓએ ઘરમાં સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો અને બાદમાં કીમતી મતા લૂંટી તેઓ ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કરેલા હુમલામાં વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી.
આપણ વાંચો:અમદાવાદના વિરાટ નગરમાં છરી વડે બિલ્ડર પર હુમલો કરીને હત્યારા થયા ફરાર, સારવાર દરમિયાન નિપજ્યું મોત
દરમિયાન બનાવની જાણ થતાં અર્નાળા અને વિરાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હુમલામાં ઘવાયેલા ત્રણેય જણને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. ત્રણેયની હાલત ગંભીર છે.
પોલીસના જણાવ્યા અનુસાર લૂંટારુઓએ જે ઘરમાં લૂંટ ચલાવી હતી, તે પ્રોફેસર સચિન ગવારીનું છે. સચિન ગવારી વિરારમાં ખાનગી કોચિંગ ક્લાસીસ ચલાવે છે અને પત્ની-સંતાન સાથે અગાશી વિસ્તારમાં રહે છે, જ્યારે તેમનાં વૃદ્ધ માતા-પિતા અને બહેન અર્નાળા ગામના ઘરમાં રહે છે.
લૂંટની આ ઘટના બાદ પોલીસે એ વિસ્તારને કોર્ડન કરી દીધા બાદ તપાસ આદરી હતી. પોલીસે આરોપીઓને ઓળખી કાઢવા નજીકના ઘરો તથા આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહ્યા છે. (પીટીઆઇ)