અનિલ દેશમુખ પર પથ્થરથી હુમલાનો કેસ ખોટો: પોલીસે તપાસ બંધ કરી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

અનિલ દેશમુખ પર પથ્થરથી હુમલાનો કેસ ખોટો: પોલીસે તપાસ બંધ કરી

નાગપુર: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગયા વર્ષે પથ્થરથી હુમલાના કેસની તપાસ પોલીસે બંધ કરી દીધી છે. સ્થાનિક કોર્ટમાં પોલીસે દાખલ કરેલા ‘બી સમરી’ રિપોર્ટ દ્વારા આ કેસને ખોટો જાહેર કર્યો છે.

જોકે અનિલ દેશમુખે દાવો કર્યો છે કે પોલીસે દબાણ હેઠળ હતી અને આ ઘટનાના રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. પોલીસ આ કેસમાં કસૂરવારને શોધી શકી નથી. આથી વાસ્તવમાં તેમણે ‘એ સમરી’ રિપોર્ટ દાખલ કરવો જોઇતો હતો, એમ તેમણે કહ્યું હતું.

નોંધનીય છે કે આરોપી સામે કોઇ પુરાવા અથવા પ્રથમદર્શી કેસ નહીં બને ત્યારે ફોજદારી કેસમાં પોલીસ દ્વારા ‘બી સમરી’ રિપોર્ટ દાખલ કરવામાં આવે છે, જ્યારે કેસ સાચો છે, પણ ઉકેલ આવતો ન હોવાથી ‘એ સમરી’ રિપોર્ટ દાખલ કરાય છે.
નાગપુર ગ્રામીણ પોલીસ દ્વારા કટોલની કોર્ટમાં ‘બી સમરી’ રિપોર્ટ ગયા સપ્તાહે દાખલ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક તારણો અને તપાસમાં દાવાઓને સમર્થન ન મળતાં આ પગલું લેવાયું છે. આ કેસમાં ફરિયાદી સામે કાર્યવાહી કરવા માટે પોલીસે કોર્ટની પરવાનગી પણ માગી છે. દેશમુખના પર્સનલ આસિસ્ટન્ટ ઉજ્જવલ ભોયર ફરિયાદી છે.

આ પણ વાંચો: બે જૂથોના વિલીનીકરણ અંગે એનસીપી (એસપી)માં કોઈ ચર્ચા નથી: અનિલ દેશમુખ

ફરિયાદ અનુસાર 18 ઑગસ્ટ, 2024ના રોજ નાગપુર જિલ્લાના નાખેડ ગામમાં ચૂંટણી પ્રચાર સભા પૂરી કરીને દેશમુખ કટોલમાં પાછા જતા હતા ત્યારે પથ્થરમારો કરાયો હતો. ચાર અજાણ્યા શખસે કરેલા પથ્થરમારામાં એક પથ્થર દેશમુખના માથામાં વાગતાં રક્તસ્રાવ થયો હતો. વાહનની અંદર કાચના ટુકડા મળી આવ્યા હતા. દેશમુખ કટોલ મતવિસ્તારમાં વિધાનસભામાં ઊભેલા તેમના પુત્ર સલીલ દેશમુખનો પ્રચાર કરવા ઊભા હતા. જોકે ફોરેન્સિક લેબોરેટરીએ વિગતવાર પરીક્ષણ બાદ આવો કોઇ પથ્થરમારો થયો ન હોવાનું તારણ કાઢ્યું હતું.

નિષ્ણાતો મુજબ એક પથ્થરથી કારનો કાચ તૂટી નહીં શકે. દેશમુખની ઇજા કાચ તૂટીને લાગવાથી થઇ હોવાનું જણાયું નહોતું અને વિંડશિલ્ડ પર તડ કથિત ઘટના સાથે સુમેળ સાધતી નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આથી મહત્ત્વપૂર્ણ એ છે કે કાચના ટુકડા જખમમાં ઘૂસેલા જોવા મળ્યા નહોતા. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો કે નજરે જોનાર સાક્ષીદાર પણ મળ્યા નહોતા. આથી આરોપ ખોટા હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button