દારૂની પાર્ટી વખતે IT Companyના આસિસ્ટંટ મેનેજરને તેના સાથીદારે મોતને ઘાટ ઉતાર્યો | મુંબઈ સમાચાર

દારૂની પાર્ટી વખતે IT Companyના આસિસ્ટંટ મેનેજરને તેના સાથીદારે મોતને ઘાટ ઉતાર્યો

નાગપુર: શહેરમાં જાણીતી આઇટી કંપની (IT Company)ના આસિસ્ટન્ટ મેનેજરની તેના જ બે કલિગ દ્વારા ચાકુ મારીને ક્રૂર રીતે હત્યા કરી નાખવાની ચોંકાવનારી ઘટના બની હતી. આઇટી કંપનીના ત્રણ લોકો એક ફ્લેટમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન બે વ્યક્તિએ આસિસ્ટન્ટ મેનેજરની ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બંને આરોપીઓની અટક કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

છેલ્લા 10 મહિનાથી નાગપુરની એક આઇટી કંપનીમાં એલ દેવનાથન એનઆર લક્ષ્મીનરસિમ્હન (21 વર્ષ) આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત હતો. દેવનાથન તેના બે મિત્રો/કલિગ ગૌરવ ભીમસિંહ ચંદેલ અને પવન અનિલ ગુપ્તા સાથે એક ફ્લેટમાં દારૂ પાર્ટી કરી રહ્યો હતો.

આ દરમિયાન તેમની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતાં ગૌરવ અને પવને દેવનાથન પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં દેવનાથન ગંભીર રીતે જખમી થતાં બંને જણે દેવનાથનને એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું, એમ ડોક્ટરે જણાવ્યું હતું.

આ ઘટના અંગે પીડિતના ભાઈએ પોલીસમાં ફરિયાદ કરવી હતી. પોલીસ જ્યાં દેવનાથન પર હુમલો કરવામાં આવ્યો હતો તે ફ્લેટ પર પહોંચી ત્યારે ત્યાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા અને તપાસ કરતાં બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. આ બંને આરોપીઓને અદાલતે 27 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ જાહેર કર્યો હતો.

Back to top button