નવા વર્ષની પાર્ટીમાં સંગીતને લઇ થયેલા વિવાદમાં મહિલાની મારપીટ: સાત સામે ગુનો…

થાણે: નવા વર્ષની ઉજવણી દરમિયાન મોટા અવાજે સંગીત વગાડવાને મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલાના ઘરમાં ઘૂસીને તેની અને તેના સંબંધીની મારપીટ કરવા બદલ પોલીસે એક પરિવારના સાત સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
થાણે જિલ્લાના અંબરનાથમાં વાંદ્રાપાડા ખાતે રહેતી બાવન વર્ષની મહિલાનો 31 ડિસેમ્બરે રાતના નવા વર્ષની ઉજવણી દરમિયાન મોટા અવાજે સંગીત વગાડવાને મુદ્દે આરોપીઓ સાથે વિવાદ થયો હતો. દરમિયાન શુક્રવારે મધરાતે 12.30 વાગ્યાની આસપાસ આરોપીઓ મહિલાના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેની અને તેના પરિવારના સભ્યોની મારપીટ કરી હતી, એમ અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
મારપીટમાં ઘાયલ થયેલી મહિલા અને તેના પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે શુક્રવારે સાત જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ આદરી હતી. (પીટીઆઇ)



