બદલાપુરમાં બબાલઃ બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર નરાધમ છે કોણ?
મુંબઈ: બદલાપુર બાળ યૌન શોષણ મામલે અક્ષય શિંદે નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ચાર વર્ષની બાળકીઓ પર અત્યાચાર કરવાના આરોપસર નરાધમની ચારેકોર ટીકા થઈ રહી છે. એટલું જ નહીં, આ કેસમાં કેસ નોંધવામાં મોડું થવાને કારણે મંગળવારે બદલાપુરમાં વિરોધ ફાટી નીકળતા લગભગ 11 કલાક સુધી લોકલ ટ્રેન સર્વિસ ખોરવાઈ ગઈ હતી.
આરોપી 24 વર્ષનો અક્ષય શિંદે સફાઈ કર્મચારી તરીકે પહેલી ઓગસ્ટે રોજ સફાઈ કંપની દ્વારા કોન્ટ્રેક્ટ પર શાળામાં જોડાયો હતો. નવા નવા નોકરી પર આવેલા અક્ષયને વિદ્યાર્થીનીઓના શૌચાલયમાં જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું કહેવાય છે. એનો લાભ લઈ તેણે બાળકીઓ સાથે કુકર્મ કર્યું હતું.
13 ઓગસ્ટે બનેલી આ ઘટના સંદર્ભે 16 ઓગસ્ટની રાત્રે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. કલ્યાણ જિલ્લાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેને ૨૬ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: બદલાપુર સ્કૂલની ઘટના મુદ્દે પૂર્વ ગૃહ પ્રધાને સરકારને કરી આ માંગ
13 ઓગસ્ટના રોજ સવારે 9થી 12 વાગ્યાની વચ્ચે બદલાપુરની આદર્શ વિદ્યામંદિર સ્કૂલની બે બાળકીઓ સાથે દુષ્કર્મ થયું હતું. બાળકીઓએ પીડા થતી હોવાની જાણ કરતા માતા-પિતાએ તાત્કાલિક તબીબી તપાસ કરાવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
મહારાષ્ટ્ર રાજ્ય બાળ અધિકાર સમિતિના અધ્યક્ષ સુશી બહેન શાહે જણાવ્યું હતું કે ‘મેં શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી. સખી સાવિત્રી સમિતિ પણ નથી. પુરુષ સફાઇ કામદારોને મહિલા શૌચાલયોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કોન્ટ્રેક્ટ પર રાખવામાં આવેલા આરોપીની પાર્શ્વભૂમિ જાણવાની તકેદારી નથી રાખવામાં આવી. એનો ગુનાહિત રેકોર્ડ છે કે નહીં એ પણ ચકાસવામાં નથી આવ્યું.’
જોકે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દેખાવકારો પાસે છાપેલા પોસ્ટર હતા અને કેટલીક અન્ય વસ્તુઓ સાથે લાવવામાં આવી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે યોગ્ય આયોજન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાડકી બહેન યોજના સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા એના પરથી આ આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાનું કહેવાય છે.