અકોલામાં હુમલામાં ઘવાયેલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષનું મૃત્યુ: આરોપીની ધરપકડ…

અકોલા: અકોલા જિલ્લામાં મસ્જિદ ખાતે ચાકુથી કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ હિદાયતુલ્લા પટેલનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ હુમલાખોરને ઓળખી કાઢ્યો હતો અને મંગળવારે રાતે તેની ધરપકડ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જિલ્લાના અકોટ તાલુકામાં મોહાલા ગામની મસ્જિદમાં મંગળવારે બપોરના નમાજ અદા કર્યા બાદ હિદાયતુલ્લા પટેલ (66) પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જૂની અદાવતને લઇ આરોપીએ પટેલ પર હુમલો કર્યો હતો.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પટેલને સારવાર માટે અકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
અમુક વીડિયોમાં મસ્જિદમાંથી બહાર નીકળતા પટેલનાં કપડાં લોહીથી લથબથ નજરે પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા.મંગળવારે બપોરની નમાજ માટે પટેલ મોહાલાની જામા મસ્જિદમાં ગયા હતા. તેઓ બપોરે 1.30 વાગ્યે બહાર નીકળ્યા ત્યારે તેમના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ બનાવ બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવા એકઠા કર્યા હતા. દરમિયાન આરોપીને પકડવા માટે પોલીસની છ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને પોલીસ આરોપીને ઉબેદ ખાન કાલુ ખાન ઉર્ફે રઝિક ખાન પટેલ (22) તરીકે ઓળખી કાડ્યો હતો, જેને મંગળવારે રાતે અકોલ તાલુકાના પનાજ ગામથી તાબામાં લેવામાં આવ્યો હતો, એમ એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રકાંત રેડ્ડીએ કહ્યું હતું. (પીટીઆઇ)



