બાળકની હત્યા કર્યા બાદ મૃતદેહને ગૂણીમાં ભરીજંગલમાં ફેંક્યો: સાવકા પિતા સહિત બે પકડાયા

અકોલા: નવ વર્ષના બાળકની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ગૂણીમાં ભરી જંગલમાં ફેંકવામાં આવ્યો હોવાની ઘટના અકોલા જિલ્લામાં બની હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી બાળકના સાવકા પિતા સહિત બે જણની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે વહેલી સવારે આ ઘટના બની હતી અને પોલીસને કલાકો બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બાદમાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડ્યા હતા. બંને આરોપીની ઓળખ આકાશ કાન્હેરકર (38) અને તેના મિત્ર ગૌરવ ગાયગોલે (36) તરીકે થઇ હતી.
આ પણ વાંચો: કાંદિવલીમાં ચાર વર્ષના બાળકની હત્યા: આરોપી સુરતમાં પકડાયો…
નવ વર્ષનો બાળક દર્શન પલાસકર તેની માતા અને સાવકા પિતા આકાશ કાન્હેરકર સાથે રહેતો હતો. બુધવારે સવારે 8.30 વાગ્યે દર્શનની માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને દર્શનના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન દર્શનની શોધ ચલાવનારી પોલીસ ટીમે દર્શનના ઘરની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં દર્શન તેના સાવકા પિતા આકાશ સાથે જતો નજરે પડ્યો હતો. આથી પોલીસે આકાશને કસ્ટડીમાં લઇને આકરી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી, એમ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અનમોલ મિત્તલે કહ્યું હતું.
આ પણ વાંચો: વલસાડમાં સગીરે પ્રેમિકાના ચાર મહિનાના બાળકની હત્યા કરીઃ આરોપીએ કોર્ટમાં શું કહ્યું જાણો?
આકાશે પોલીસને જણાવ્યું હતું કે તે મિત્ર સાથે દર્શનને ટૂ-વ્હીલર જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો અને ત્યાં ગળું દબાવીને તેની હત્યા કરી હતી. આકાશની કબૂલાત બાદ પોલીસ જંગલ વિસ્તારમાં પહોંચી હતી અને અંજનગાવ તાલુકાના ચિંચોના ગામ નજીક ગૂણીમાંથી તેમને દર્શનનો મૃતદેહ મળી આવ્યો હતો.
સર્ચ ઓપરેશનમાં 16 પોલીસ કર્મચારી અને સાત અધિકારી સામેલ હતા. દર્શનનો મૃતદેહ મળ્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે અકોલાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, એમ અનમોલ મિત્તલે જણાવ્યું હતું.
(પીટીઆઇ)