…તો બારામતીથી અજિત પવાર નહીં લડે ઈલેક્શન, જાણો શું કહ્યું હવે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (એમવીએ)ના નેતાઓમાં ખેંચાખેંચી છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાનું ચૂકી રહ્યા નથી ત્યારે તાજેતમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા અજિત પવારે સંકેતો આપ્યા છે કે તેમના નાના દીકરા જય પવારને બારામતી વિધાનસભાની બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જય પવારની ઉમેદવારી અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અજિત પારે કહ્યું કે પાર્લામેન્ટરી બોર્ડ અને એ વિસ્તારના લોકો જે માગ કરશે તેના માટે અમે તૈયાર છીએ.
આ પણ વાંચો : CM પદનો ચહેરો બનવાનું ઉદ્ધવનું સપનું રોળાયું, આ નેતાએ ચર્ચા પર મૂક્યું પૂર્ણવિરામ?
અજિત પવારને પૂછવામાં આવ્યું હતું કે યુવાનોને આગળ લાવવાની વાત કહેવામાં આવી રહી છે. યુવાનોની માગ છે તો શું જય પવારને બારામતીની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડાવી શકાય છે આ મુદ્દે અજિત પવારે કહ્યું કે લોકતંત્ર છે. મને તો આ વખતે બહુ રસ નથી. હું ત્યાંથી સાતથી આઠ વખત ચૂંટણી લડ્યો છું. જો આ વખતે જનતા ઈચ્છે અને કાર્યકર્તાઓની માગણી હશે તો પાર્લામેન્ટરી બોર્ડમાં આ મુદ્દે જરુર વિચાર કરવામાં આવશે.
કહેવાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ શરદ પવારે એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. શરદ પવારે બારામતી વિધાનસભાની સીટ પરથી યુગેન્દ્ર પવારને ટિકિટ આપવાની વેતરણમાં છે. અજિત પવારને તેમના નાના ભાઈના દીકરા યાને પોતાના ભત્રીજા યુગેન્દ્ર પવારને ઉતારવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે અત્યારે અજિત પવારે અચાનક આ બેઠક પરથી ચૂંટણી નહીં લડવાની વાત કરીને સૌને ચોંકાવ્યા છે. હવે યુગેન્દ્ર પવારની સામે અજિત પવાર પોતાના દીકરાને વિધાનસભાની સીટ પરથી મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં. બારામતીની બેઠક પરથી પત્નીને ઉતારીને અજિત પવારે ભૂલ સ્વીકાર્યા પછી હવે આ બેઠક પરથી દીકરાને ઉતારે કે નહીં એ જોવાનું રહેશે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.