પાર્થ પર કાર્યવાહી કરવામાં ફડણવીસની લાચારી?

અજિત પવારે સરકારમાંથી નીકળી જવાની ચીમકી આપતાં ફડણવીસ ઠંડા પડી ગયા: વિપક્ષી નેતા અંબાદાસ દાનવેનો ગંભીર આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારના પુત્ર પાર્થ પવારના પુણે ખાતેના કથિત જમીન કૌભાંડના આટલા બધા પુરાવા સામે આવ્યા હોવાછતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેના માટે ફડણવીસની લાચારી જવાબદાર છે એવો ગંભીર આરોપ શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના ભૂતપૂર્વ વિપક્ષીનેતા અંબાદાસ દાનવેએ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે આવા જ જમીન ખરીદીના કથિત કૌભાંડના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસે પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું.
અંબાદાસ દાનવેએ આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નાયબ પાર્થને બચાવવાનો આરોપ લગાવ્યો, જે હવે રદ કરાયેલા 300 કરોડ રૂપિયાના વિવાદાસ્પદ પુણે જમીન સોદાના કેસના કેન્દ્રમાં છે.
આ પણ વાંચો : પુત્ર સામે જમીન સોદામાં ગેરરીતિના આરોપો લાગ્યાના બીજા દિવસે અજિત પવાર મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા
તેમણે કહ્યું હતું કે કે, સરકાર આ કેસમાં પવાર પિતા-પુત્રની જોડીને બચાવવા માટે કોઈ કસર છોડી રહી નથી અને એવી માગણી કરી હતી કે પાર્થ પ્રત્યે કોઈ ઉદારતા દાખવવામાં ન આવે અને તેમની સામે કેસ નોંધવામાં આવે.
દાનવેએ એવો પણ દાવો કર્યો હતો કે તેમની જાણકારી મુજબ, જમીન સોદાના કેસ વિવાદમાં આવ્યા પછી એનસીપીના વડા અજિત પવારે ગુસ્સામાં સરકારમાંથી બહાર નીકળવાની ઓફર કરી હતી.
‘મેં સાંભળ્યું છે કે ‘વર્ષા’ (મુંબઈમાં મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન) ખાતે યોજાયેલી એક બેઠક દરમિયાન, અજિત પવારે ગુસ્સે થઈને સરકારમાંથી બહાર નીકળવાની અને બહારથી ટેકો આપવાની ઓફર કરી હતી,’એવો દાવો દાનવેએ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જ કારણસર ફડણવીસ પાર્થને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઘણા લોકો દેવેન્દ્ર ફડણવીસની ખુરશી પ્રત્યે વક્ર દ્રષ્ટિ ધરાવે છે: ઉદ્ધવ ઠાકરે
અજિત પવારે ગયા અઠવાડિયે એવી જાહેરાત કરી હતી કે પાર્થની કંપની દ્વારા કરવામાં આવેલ વેચાણ દસ્તાવેજ રદ કરવામાં આવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાર્થને ખબર નહોતી કે તેમની કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારી છે. દાનવેએ છત્રપતિ સંભાજીનગરમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકાર આ કેસમાં અજિત પવાર અને પાર્થને બચાવવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી છે.
‘સરકાર તેમને બચાવવા માટે કોઈ કસર છોડી રહી નથી,’ એવો તેમણે આરોપ લગાવ્યો હતો, ‘પરંતુ પાર્થ પવાર સાથે ઉદારતાથી વર્તવું જોઈએ નહીં. તેમની સાથે નાના બાળક જેવો વ્યવહાર ન કરવો જોઈએ. તેમણે અગાઉ લોકસભા ચૂંટણી લડી છે. તેમને ગુનેગાર તરીકે ગણવા જોઈએ. તેમની સામે ગુનો નોંધવો જોઈએ,’ એમ પણ રાજ્ય વિધાનસભા પરિષદના ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : નવા ક્રિમિનલ કાયદા લાગુ કરવામાં મહારાષ્ટ્ર મોખરે હોવું જોઈએ: ફડણવીસ
સેના (યુબીટી) નેતાએ આરોપ લગાવ્યો કે ફડણવીસ પાર્થને બચાવવા માટે આ મામલામાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યા છે. ‘આ કેસમાં સીએમના સીધા હસ્તક્ષેપ વિના પાર્થ પવારને બચાવી શકાય નહીં,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે આ કેસની તપાસમાં કલેક્ટર અને મહેસૂલ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવાની પણ માગણી કરી હતી.



