પુણેના મુંઢવામાં જમીનનો સોદો: પાર્થ પવારની કંપનીએ વેચાણ કરાર રદ કરવા સિવિલ સ્યુટ દાખલ કરી

પુણે: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની સહ-ભાગીદારીવાળી કંપની અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપી દ્વારા વેચાણ કરાર રદ કરવા માટે મુંંઢવાની જમીનની પાવર ઓફ એટર્ની ધારક શીતલ તેજવાની વિરુદ્ધ સિવિલ સ્યુટ દાખલ કરાઇ છે.
કંપનીના ભાગીદાર દિગ્વિજય પાટીલે પુણેની કોર્ટમાં સ્પેસિફિક રિલીફ એક્ટ, 1963ની કલમ 31 (લેખિત દસ્તાવેજ રદ કરવો, જેમ કે સેલ ડીડ અથવા કોન્ટ્રેક્ટ) હેઠળ સ્યુટ દાખલ કરી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર આ મામલો 15 જાન્યુઆરી, 2026ના રોજ સુનાવણીમાં આવશે.
પુણેના મુંઢવા વિસ્તારમાંની 40 એકર જમીન અમેડિયા એન્ટરપ્રાઇઝીસને 300 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. આ જમીન સરકારી હોવાથી તેને વેચી શકાય એમ નહોતી. આમ છતાં સોદો કરાયો હતો. ઉપરાંત કંપનીએ તેના પર 21 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી હતી.
જમીનના 272 ‘મૂળ વતનદાર’ માટે પાવર ઓફ એટર્ની ધરાવતી તેજવાનીએ વેચાણ કરાર કર્યા હતા અને જમીન સરકારી હોવાથી તેને વેચી શકાય એમ નહીં હોવા છતાં અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચી હતી.
સબ-રજિસ્ટ્રાર રવીન્દ્ર તરુએ વેચાણ કરાર માટે માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ અંગે હોબાળો મચ્યા બાદ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (આઇજીઆર)ના અધિકારીએ દિગ્વિજય પાટીલ, તેજવાની અને રવીન્દ્ર તરુ વિરુદ્ધ સ્ટેમ્પ ડ્યૂટી ચોરી માટે એફઆઇઆર દાખલ કરાવ્યો હતો. જોકે કંપનીના મુખ્ય ભાગીદાર પાર્થ પવારનું નામ એફઆઇઆરમાં નથી.
સંબંધિત મામલામાં જિલ્લા વહીવટીતંત્રએ પાટીલ, તેજવાની અને વેચાણ કરારનો અમલ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા તહેસીલદાર સૂર્યકાંત યેવલે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કર્યો હતો. ખડક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાયો હતો અને હાલ આ કેસની તપાસ પુણે પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા કરવામાં આવી રહી છે. આર્થિક ગુના શાખાએ ગયા મહિને તેજવાનીની ધરપકડ કરી હતી અને તે હાલ બાવધન પોલીસની કસ્ટડીમાં છે. બાવધન પોલીસે રવીન્દ્ર તરુની ધરપકડ કરી હતી.
(પીટીઆઇ)



