મહારાષ્ટ્ર

અજિત પવારે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જીતી

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવાર રવિવારે સતત ચોથી મુદત માટે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન (એમઓએ)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

મહાયુતિના સાથી પક્ષ એનસીપી અને ભાજપ વચ્ચે થયેલી સમજૂતીને પગલે આ પરિણામ આવ્યું હતું. જેમાં એસોસિએશનની અંદર કેટલાક મુખ્ય પદો ભાજપના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળની પેનલ દ્વારા સમર્થિત સભ્યોને મળશે.

આ વ્યવસ્થાથી પવારની બિનહરીફ ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો, તેમનો કાર્યકાળ વધુ બે વર્ષ માટે લંબાયો છે, એમ પવારની સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું. પવાર અને મોહોળ બંનેએ એમઓએના પ્રમુખ પદ માટે નોમિનેશન દાખલ કર્યા હોવાથી બંને પક્ષ વચ્ચે આ મુદ્દે જંગ થવાના એંધાણ જોવા મળ્યા હતા.

આપણ વાચો: અજિત પવાર: ‘કાયમી નાયબ મુખ્યમંત્રી’ એ મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાન મજબૂત કર્યું

પવારની પેનલને 31 સભ્ય રમતગમત સંઘોમાંથી 22માંથી ટેકો મળ્યો હતો, જે રાજ્યના રમતગમત વહીવટમાં તેમના સતત પ્રભાવને પ્રતિબિંબિત કરે છે, એમ પણ માહિતી આપવામાં આવી હતી. વરિષ્ઠ રમતગમત વહીવટકર્તાઓ આદિલ સુમારીવાલા, પ્રદીપ ગાંધી અને પ્રશાંત દેશપાંડે ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

આ પહેલાં શાસક મહાયુતિમાં સંકલન સાધવા માટે પવાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે વચ્ચે ચર્ચા થઈ હતી. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે એસોસિએશનમાં કેટલાક મુખ્ય હોદ્દા મોહોળની પેનલ દ્વારા સમર્થિત સભ્યોને જશે તે અંગે સંમતિ સધાઈ હતી.

પવાર પાયાના સ્તરની રમતગમતને મજબૂત બનાવવા, માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને એમઓએના કાર્યમાં પારદર્શકતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી અપેક્ષા છે. (પીટીઆઈ)

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button