મને ટાલ પડી ગઈ, પણ લોકો મને હજુ પણ શીખવે છે: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને સોમવારે પ્રચારના છેલ્લા દિવસે. બધા નેતાઓ દોડાદોડ કરી રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે પુણે જિલ્લાના રાજગુરુનગરમાં જાહેર સભામાં એવું નિવેદન કર્યું હતું જેને કારણે સભામાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
રાજગુરુનગરમાં સભા ચાલી રહી હતી ત્યારે, બાબા રક્ષે અજિત પવાર પાસેના મંચ પર ગયા અને તેમને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે પછી અજિત પવારે વિચિત્ર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, ‘હા, હા, બાબા. હવે તમે મને શીખવવાનો પ્રયાસ કરો છો, હવે આ કહો, હવે તે કહો. મારા માથે ટાલ પડી ગઈ છે, ખરું ને? છતાં, લોકો મને શીખવી રહ્યા છે. હવે બાબાએ શું કરવું જોઈએ? બાબા લોકો આવા જ હોય છે. તમારે બાબા લોકોનું બધું સાંભળવું પડશે. હવે વિચારો કે તમારે કયા બાબાનું સાંભળવું છે,’ એમ અજિત પવારે કહ્યું હતું.
મારા પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, પણ હું કોઈનો પાંચ પૈસાનો ઓશિયાળો નથી: અજિત પવાર
મારા પર ઘણા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યો છે, પણ હું કોઈનો પાંચ પૈસાનો ઓશિયાળો નથી. મારી સામે બેઠેલા લોકોએ મને કહેવું જોઈએ કે શું અજિત પવારે ક્યારેય કોઈ કામ કરવા માટે પૈસા લીધા છે? નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આવું નિવેદન પુણેમાં એક પ્રચાર સભામાં આપ્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે, જો તમે સત્તામાં હોવ, તો તમે તમારા મતવિસ્તાર, વિસ્તાર, જિલ્લાનો વિકાસ કરી શકો છો.
અજિત પવારે કહ્યું હતું કે, મારા પર ભ્રષ્ટાચારના આરોપ છે, 70,000 કરોડ રૂપિયાના કૌભાંડનો. જોકે, હું કોઈનો પાંચ પૈસાનો ઓશિયાળો નથી. દિલીપ મોહિતે-પાટિલ અહીં બેઠા છે, કૈલાસ, કિરણ, અરુણ અને અન્ય ઘણા સાથીઓ બેઠા છે. મારી પ્રિય બહેનો મોટી સંખ્યામાં હાજર છે. હું આટલા વર્ષોથી રાજકારણમાં છું અને સામાજિક જીવનમાં કામ કરી રહ્યો છું. અહીં કોઈ વ્યક્તિએ ઉભા થઈને કહેવું જોઈએ કે અજિત પવારે કોઈ કામ કરતી વખતે થોડી ‘ચિરીમીરી’ લીધી હતી અથવા કોઈ કામ માટે ‘થોડી ચિરીમીરી આપવી’ પડી હતી અને પછી કામ થયું હતું.
અગાઉ, માલેગાંવ નગર પંચાયતની પ્રચારની સમાપન સભામાં અજિત પવારે શ્રોતાઓને સંબોધિત કરતાં એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે માલેગાંવના વિકાસ માટે આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારોને માલેગાંવના લોકોનો ટેકો મળશે.



