
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત વિવાદમાં રહેતા કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેનો વિધાનસભામાં કથિત રીતે રમી રમતો વીડિયો વાઈરલ થયા બાદ વિપક્ષ સતત તેમને નિશાન બનાવી રહ્યું છે. આ બધા વચ્ચે હવે નાયબ મુખ્ય પ્રધાન અને કોકાટેની પાર્ટીના નેતા અજિત પવારે હવે પોતાનું મૌન તોડ્યું છે તેથી હવે કોકાટે સામે કાર્યવાહી થઈ શકે છે એવા સંકેત મળી રહ્યા છે.
માણિકરાવ કોકાટેએ વાઈરલ વિડીયો અંગે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ રમી રમતા નહોતા, પરંતુ જાહેરાતો સ્કિપ કરી રહ્યા હતા. જોકે, સ્પષ્ટતા કરતી વખતે એક પ્રશ્ર્નનો જવાબ આપતી વખતે સરકાર ભિખારી છે એવા પોતાના વિવાદાસ્પદ નિવેદનનું પુનરાવર્તન કર્યું. તેમના નિવેદન પછી, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પહેલી વખત મોં ખોલ્યું છે.
આ પણ વાંચો: વિધાનસભા સચિવાલય કરે છે કોકાટે ‘રમી’ વીડિયો એપિસોડની તપાસ
એવું માનવામાં આવે છે કે અજિત પવાર હવે માણિકરાવ કોકાટેના પ્રધાનપદ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. અજિત પવારે ગુરુવારે પ્રધાનોને પત્રકારો સાથે વાત કરતી વખતે થોડી સાવધાની રાખવાની સલાહ આપી હતી.
‘મને મળેલી માહિતી મુજબ, ગૃહની અંદર આ ઘટના બની હતી. મને એ પણ ખબર છે. વિધાનસભાનો પરિસર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને વિધાનસભા પરિષદના અધ્યક્ષ રામ શિંદેના અધિકારક્ષેત્રમાં આવે છે. મને ખબર છે કે તેમણે પણ આ મામલાની તપાસનો આદેશ આપ્યો છે. ત્યાં શું થયું તે જાણવા માટે તપાસ કરવામાં આવશે,’ એમ અજિત પવારે વાઈરલ વિડીયો અંગે બોલતાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: માણિક કોકાટેના રમી કેસ પછી, પુણેની ગ્રામ પંચાયતે કેસિનો ક્લબ ખોલવાની પરવાનગી માગી
‘માણિકરાવ કોકાટે હજુ સુધી મને મળ્યા નથી. હું બુધવારે બપોરે મુંબઈ આવ્યો હતો. બપોર પછી, હું મારા ‘દેવગિરી’ નિવાસસ્થાને મારી બેઠકો કરી રહ્યો હતો, પરંતુ આજે હું સવારથી અહીં છું. આજે, વાસ્તવમાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો. મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મુખ્ય પ્રધાન બુધવારે પંઢરપુરના કાર્યક્રમ પછી સીધા દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. રાત્રે મેં તેમની સાથે વાત કરી હતી, મેં ઘણી બેઠકોનું આયોજન કર્યું છે. તે કાર્યક્રમ પણ મહત્વપૂર્ણ છે અને આ બેઠકો પણ મહત્વપૂર્ણ છે. બે નેતાઓ ત્યાં હોવાથી, હું તે કાર્યક્રમમાં જવાને બદલે અહીં રહીને બેઠકો કરી રહ્યો છું,’ એમ અજિત પવારે જણાવ્યું હતું.
તેમને જ્યારે માણિકરાવ કોકાટેના વિવાદાસ્પદ નિવેદન અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હું અને તેઓ આ બાબતે મળ્યા નથી. હવે, મોટા ભાગે, તેઓ અને હું સોમવારે મળીશું. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર આવ્યા પછી, અમે બધા પ્રધાનોને કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ બોલતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને મેં પણ મારા લોકોને આવી કડક સૂચનાઓ આપી હતી,’ એમ અજિત પવારે કહ્યું હતું.
આ પણ વાંચો: કોકાટેનો વીડિયો વિવાદઃ બદનામી કરનારા વિપક્ષી નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરશે
‘જો માણિકરાવ દોષી ઠરે છે, તો હું અને મુખ્ય પ્રધાન તેના પર નિર્ણય લઈશું. જ્યારે મહાયુતિ સરકારમાં સાથે મળીને કામ કરતાં હોઈએ, ત્યારે કોઈએ એવું નિવેદન ન આપવું જોઈએ જેનાથી મહાયુતિનું પતન થાય,’ એમ અજિત પવારે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું.
‘રાજ્યના મુખ્ય પ્રધાન ગમે તે હોય, તે (પ્રધાનોની નિયુક્તિ અને રાજીનામું) મુખ્ય પ્રધાનનો અધિકાર છે. વર્તમાન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હોય કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવો જોઈએ. આખરે, આ ત્રણેય પક્ષો છે. કેટલાક અન્ય પક્ષો પણ છે. જો એનસીપીના પ્રધાનો અંગે આવી ઘટનાઓ બને છે, તો એનસીપીની વધુ જવાબદારી છે. અલબત્ત, રાજ્યના વડા તરીકે, દેવેન્દ્ર ફડણવીસ તેના પર નિર્ણય લઈ જ શકે છે. એકનાથ શિંદે અને ભાજપ અંગે પણ આવું જ છે,’ એમ પણ અજિત પવારે કહ્યું હતું.