અજિત પવારે બીડમાં પાર્ટીના કાર્યકરોને ખંડણી રેકેટમાં સંડોવણી બાબતે ચેતવણી આપી

છત્રપતિ સંભાજીનગર: સરપંચની હત્યાના રાજકીય વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે બીડ જિલ્લાના એનસીપીના કાર્યકરોને વિકાસ પ્રોજેક્ટ્સને લક્ષ્ય બનાવીને ખંડણીના પ્રયાસોમાં સામેલ થવા સામે ચેતવણી આપતાં પોતાના પક્ષના કાર્યકરોને ‘સ્વચ્છ ચારિત્ર્ય’ જાળવવા જણાવ્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં.
પવાર ગુરુવારે સવારે બીડમાં પહોંચ્યા હતા, જિલ્લાના પાલક પ્રધાન બન્યા પછી આ તેમની પહેલી મુલાકાત હતી.
એનસીપીના કાર્યકરોના મેળાવડાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ ચારિત્ર્ય જાળવી રાખો. દરેક વ્યક્તિએ ખોટા લોકો સાથે ભળવાનું ટાળવું જોઈએ. અહીં (બીડમાં) લોકોની વચ્ચે આપણી છબી સારી હોવી જોઈએ. વહીવટી કાર્યોમાં કોઈ રાજકીય હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં અને વિકાસ કાર્યોમાં કોઈએ ખંડણી માગવી જોઈએ નહીં, એમ પવારે કહ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે જો તેમને આવી પ્રવૃત્તિઓ વિશે ખબર પડશે, તો તેઓ કોઈને પણ છોડશે નહીં અને દોષીઓ સામે કડક મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (એમસીઓસીએ) લાગુ કરશે.
આ પણ વાંચો : છત્રપતિ સંભાજીનગરમાં એસટી ભાડા વધારા સામે શિવસેના (યુબીટી)નું વિરોધ પ્રદર્શન
‘હું કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી શકું છું. મેં (મુખ્યમંત્રી) દેવેન્દ્ર ફડણવીસને પહેલેથી જ કહ્યું છે કે જ્યારે હું આ જવાબદારી (બીડના પાલક પ્રધાન તરીકેની) લઈ રહ્યો છું, ત્યારે બધાએ મારી સાથે સહયોગ કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
પવારે જાહેરમાં બંદૂક લહેરાવનારાઓને પણ ચેતવણી આપી હતી.
હું (પોલીસ) વિભાગને પણ કહેવા જઈ રહ્યો છું કે જો કોઈ રિવોલ્વર બતાવતો કે હવામાં ગોળીબાર કરતો જોવા મળે, તો તેમના લાઇસન્સ રદ કરવા જોઈએ. હું હથિયારો સાથે રીલ્સ (સોશિયલ મીડિયા પર ટૂંકા વિડીયો) સહન કરીશ નહીં. કાયદો બધા માટે સમાન રહેશે, કારણ કે પરિવર્તન થવું જોઈએ અને લોકોને પરિવર્તનનો અનુભવ થવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
એનસીપી નેતાએ વધુમાં કહ્યું કે તેઓ વિપક્ષમાં રહેલા લોકો સહિત દરેકને મદદ કરશે.