હાઇવે પર બાઇકસવારની પત્નીને કચડી ભાગી ગયેલો ટ્રક ડ્રાઇવર એઆઇની મદદથી પકડાયો

નાગપુર: નાગપુરમાં હાઇવે પર અકસ્માત બાદ મદદ માટે કોઇ સામે ન આવતાં પત્નીના મૃતદેહને બાઇકની સીટ પર બાંધીને બાઇકસવાર ઘર તરફ જતો હોવાનો વીડિયો વાયરલ થયાના સપ્તાહ બાદ પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફરાર ટ્રક ડ્રાઇવરને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી, જેણે બાઇકસવારની પત્નીને ટ્રક નીચે કચડી હતી.
બાઇકસવાર અમિત યાદવે દાવો કર્યો હતો કે નાગપુર-જબલપુર નેશનલ હાઇવે પર 9 ઑગસ્ટે અકસ્માત થયા બાદ મદદ માટે કોઇ ન આવતાં પત્નીના મૃતદેહને બાઇકની સીટ પર બાંધીને લઇ જવા પડ્યો હતો.
દેવલાપર પોલીસ પાસે ટ્રક ડ્રાઇવર વિશે કોઇ જાણકારી નહોતી. પોલીસે ગુનેગારી રોકવા અને તપાસમાં મદદ માટે તૈયાર કરાયેલા એઆઇ-માર્વેલનો ઉપયોગ કરીને વિવિધ સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
આ પણ વાંચો: ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર: મહિલાનું મોત
દરમિયાન ટ્રક ડ્રાઇવરની ઓળખ સત્યપાલ રાજેન્દ્ર (28) તરીકે થઇ હતી, જે ઉત્તર પ્રદેશના ફારુખાબાદનો રહેવાસી છે. 16 ઑગસ્ટે ટ્રક જપ્ત કરવામાં આવી હતી અને ડ્રાઇવરની ધરપકડ કરાઇ હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના સિયોની જિલ્લામાં રહેનારો અમિત યાદવ તેની પત્ની ગ્યારસી સાથે બાઇક પર નાગપુરના લોણારથી પડોશી રાજ્યમાં આવેલા વતન કરનપુર જઇ રહ્યો હતો. એ સમયે પૂરપાટ વેગે આવેલી ટ્રકે યાદવની બાઇકને ટક્કર મારી હતી. અકસ્મતાને કારણે ગ્યારસી જમીન પર પટકાઇ હતી. ગ્યારસી પર ટ્રક ફરી વળતાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: ગઢચિરોલી હાઈવે પર બેકાબૂ ટ્રકે છ સગીરને કચડ્યા: ચારનાં મોત
અકસ્માત બાદ યાદવે હાઇવે પરથી પસાર થનારા વાહનોને રોકીને મદદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઇએ મદદ માટે વાહન રોક્યું નહોતું. આખરે કોઇ માર્ગ ન બચતાં યાદવે પત્નીનો મૃતદેહ બાઇકની સીટ પર બાંધી બાઇક ઘર તરફ હંકારી મૂકી હતી.
પોલીસે યાદવની બાઇકને માર્ગમાં આંતરી હતી અને બાદમાં ગ્યારસીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં લઇ જવાયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યાદવ તેની પત્નીના મૃતદેહને બાઇક પર બાંધીને લઇ જતો નજરે પડે છે.
(પીટીઆઇ)