અહિલ્યાનગરમાં યુવકની બેરહેમીથી મારપીટ બાદ તેના પર પેશાબ કર્યો: 11 વિરુદ્ધ ગુનો…

મુંબઈ: અહિલ્યાનગર જિલ્લામાં 11 જણના જૂથે 22 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ બેરહેમીથી તેની મારપીટ કરી હતી. તેેમણે યુવક પર પેશાબ કર્યો હતો અને તેને જાતિવાચક ગાળો પણ ભાંડી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
નેવાસા તહેસીલના સોનાઇ ગામમાં 19 ઑક્ટોબરે સાંજના આ ઘટના બની હતી અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ પ્રકરણે મુખ્ય આરોપી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.
19 ઑક્ટોબરે સાંજના યુવક તેના મિત્ર સાથે હોસ્પિટલ નજીક ઊભો હતો ત્યારે મુખ્ય આરોપી સંભાજી લાંડે તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. યુવક અને સંભાજી વચ્ચે જૂની દુશ્મનાવટ હોવાથી સંભાજી અને તેના મિત્રોએ યુવકની મારપીટ કરવાનું શરૂ કર્યું હતું, તેમણે યુવકને લાઠીથી ફટકાર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
યુવકનો મિત્ર તેને બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. યુવકનું બાદમાં કાળા રંગની સ્કોર્પિયોમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને નિર્જન સ્થળે લઇ જવાયો હતો, જ્યાં ફરી તેની બેરહેમીથી મારપીટ કરાઇ હતી. આરોપીઓએ યુવક પર પેશાબ કર્યો હતો અને તેને જાતિવાચક ગાળો ભાંડી હતી.
એક કલાક સુધી મારપીટ કર્યા બાદ યુવકને કોલેજ ગ્રાઉન્ડ નજીક કારમાંથી બહાર ફેંકી આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. યુવકના પરિવારજનો તેને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા અને બાદમાં તેને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને એસસી/એસસી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમાંથી લાંડે સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હોઇ અન્યોની શોધ ચલાવવામાં આવી રહી છે.
વંચિત આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે આરોપીઓ સામે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. (પીટીઆઇ)



