મહારાષ્ટ્ર

ધનંજય મુંડેના રાજીનામા બાદ હવે જયકુમાર ગોરેના રાજીનામાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાના બીજા દિવસે હવે વિપક્ષી પાર્ટીઓએ ભાજપના પ્રધાન જયકુમાર ગોરેના રાજીનામાની માગણી કરી છે. તેમના પર મહિલાની સતામણી કરવાની અને તેમને અભદ્ર ફોટો મોકલવાનો આરોપ છે.

કૉંગ્રેસના વિધાનસભ્ય વિજય વિડ્ડટીવારે એવો દાવો કર્યો હતો કે પ્રધાને ફરી એક વખત મહિલાને ધમકીઓ આપી છે. તેમણે કોઈનું નામ લીધું ન હોવા છતાં તેમણે એવી માગણી કરી હતી કે પ્રધાનનું કેબિનેટમાંથી રાજીનામું લેવામાં આવે. તેમણે વધુમાં એવો આરોપ કર્યો હતો કે ગોરેએ આ પ્રકરણે પહેલાં કોર્ટમાં માફી માગી હતી અને હવે પ્રધાન બન્યા બાદ ફરી એક વખત મહિલાની સતામણી ચાલુ કરી દીધી છે.

આ પણ વાંચો: Big Breaking: ધનંજય મુંડેનું રાજીનામું, પોતે ન આવ્યા પણ…

તેમના આરોપોનો જવાબ આપતાં ગોરેએ કહ્યું હતું કે મને કોર્ટ દ્વારા મુક્તિ આપવામાં આવી છે અને મારા પર આરોપ કરનારા લોકો સામે બદનક્ષીનો દાવો કરીશ.

શિવસેના (યુબીટી)એ ગોરેનું નામ લઈને આક્ષેપ કર્યા હતા અને કેબિનેટમાંથી બરતરફ કરવાની માગણી કરી હતી. સંજય રાઉતે કહ્યું હતું કે સ્વારગેટ કેસ પ્રકાશમાં આવી રહ્યો છે. સ્વારગેટમાં જે થયું તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસના લાડકા પ્રધાન જયકુમાર ગોરેની બાબતે થઈ રહ્યું છે. એવી માહિતી મળી રહી છે કે કેવી રીતે ગોરેએ મહિલાનો વિનયભંગ અને અત્યાચાર કર્યો હતો. લાચાર મહિલા વિધાનભવનની સામે ભૂખ હડતાળ પર બેસવાની છે.

આ પણ વાંચો: ધનંજય મુંડે મળ્યા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને: શું ચર્ચા થઈ તે રહસ્ય…

ગોરેએ કહ્યું હતું કે આ કેસ 2017માં દાખલ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 2019માં નિર્દોષ જાહેર કર્યો હતો. આપણે લોકશાહીમાં રહીએ છીએ. છ વર્ષ પહેલાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. આ મુદ્દો ફરી ઉખેળવામાં આવી રહ્યો છે. રાજકીય નેતાઓએ સંયમ રાખવો. વિપક્ષ અત્યંત હીન કક્ષાનું રાજકારણ કરી રહ્યું છે. જે લોકો ખોટા આરોપો કરી રહ્યા છે, તેમની સામે વિશેષાધિકાર ભંગ અને બદનક્ષીનો દાવો માંડીશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button