ઠાકરે જૂથની મુશ્કેલીમાં વધારો, પૂર્વ સાંસદના PA હવે ઇડીના સકંજામાં
મુંબઈ: લોકસભાની ચૂંટણી (LokSabha Election 2024) પૂર્વે મહાવિકાસ આઘાડીના કદાવર નેતાઓ એક પછી એક એક્ઝિટ લઇને ભાજપના ખેમામાં સામેલ થઇ રહ્યા છે, ત્યારે મહાવિકાસ આઘાડી (MVA)ના પ્રમુખ પક્ષોમાંના એક એવા ઉદ્ધવ ઠાકરેની શિવસેના વધુ એક મુશ્કેલીમાં સપડાઇ છે.
ઉદ્ધવ ઠાકરે જૂથના ભૂતપૂર્વ સાંસદ અનિલ દેસાઇના પીએ (પર્સનલ આસિસ્ટન્ટ) ઉપર ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો સકંજો કસાયો છે. મની લૉન્ડરિંગના મામલામાં ઇડીએ તેના વિરુદ્ધ કેસ નોંધતા તેઓ સમસ્યામાં મુકાયા છે.
અનિલ દેસાઇના પીએ દિનેશ બોભાટે વિરુદ્ધ થોડા દિવસ પહેલા જ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા ભ્રષ્ટાચારનો મામલો નોંધવામાં આવ્યો હતો. એ જ આધારે ઇડીએ પણ હવે તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
બોભાટે વિરુદ્ધ તપાસ એજન્સી પોતાની કાર્યવાહી કરી રહી છે ત્યારે અનિલ દેસાઇની મુશ્કેલીઓ પણ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના રવિન્દ્ર વાયકર, વૈભવ નાઇક, અનિલ પરબ અને રાજન સાળવી બાદ હવે અનિલ દેસાઇ પણ તપાસ એજન્સીની નજરમાં આવતા ઉદ્ધવ ઠાકરે જૂથની સમસ્યા વધે એવી શક્યતા છે.
2.60 કરોડ રૂપિયાની રકમ પચાવી પાડવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 17 જાન્યુઆરીએ ઇડીની મુંબઈ ઓફિસમાં આ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિનેશ બોભાટે 2013થી 2023 દરમિયાન એક વીમા કંપનીમાં આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટના પદે કાર્યરત હતા. તેમણે વીમા કંપનીમાં નોકરી કરતા વખતે 36 ટકા બિનહિસાબી સંપત્તિ ભેગી કરી હોવાનો આરોપ છે.
જોકે વિપક્ષ દ્વારા સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસના નેતા નાના પટોળેએ અજિત પવાર પર શા માટે કાર્યવાહી નથી કરવામાં આવી એવો સવાલ પૂછ્યો હતો. તેમણે આદર્શ ગોટાળાનો ઉલ્લેખ કરી અશોક ચવ્હાણ ઉપર પણ નિશાન સાધ્યું હતું.