કોર્ટ પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધો...
મહારાષ્ટ્ર

કોર્ટ પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધો…

જુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો

છત્રપતિ સંભાજીનગર: જિલ્લાની વડવાની કોર્ટના પરિસરમાં સરકારી વકીલે ગળાફાંસો ખાધા બાદ શુક્રવારે કોર્ટના જુડિશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

એડવોકેટ વિનાયક ચાંદેલે (47) આત્મહત્યા કરતાં પહેલા લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (જેએમએફસી) રફિક શેખ બધાની સામે મને અપમાનિત કરતા હતા અને મારી વાત સાંભળતા નહોતા.

બીજી તરફ સમન્સ જારી કરનારો તાયડે નામનો ર્ક્લક પણ મારી સાથે સહયોગ કરતો નહોતો. આથી મારી પાસે આત્મહત્યા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો નહોતો. વિનાયક ચાંદેલે વડવાની ખાતે કોર્ટમાં રસ્સીથી ગળાફાંસો ખાધો હતો.

કોર્ટનો સ્ટાફ બુધવારે સવારે 10.45 વાગ્યે કોર્ટમાં આવ્યો ત્યારે ચાંદેલ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે પોલીસને જાણ કરાઇ હતી.

પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં ચાંદેલે જેએમએફસી રફિક શેખ અને તાયડે નામના ક્લર્ક પર આરોપ લગાવ્યો હતો. ચાંદેલના પુત્રએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના પિતા જાન્યુઆરી, 2025થી વડવાની કોર્ટમાં સરકારી વકીલ તરીકે કામ કરતા હતા.

ચાંદેલ છેલ્લા કેટલાંક સપ્તાહથી તાણ હેઠળ હતો અને તેણે પરિવારજનોને કહ્યું હતું કે તાજેતરમાં કાર્યભાર સંભાળનારા જજ રફિક શેખ કોઇ પણ કારણ વગર તેને અપમાનિત કરતા હતા અને ત્રાસ આપતા હતા. તાયડેએ પણ તેના માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

ચાંદેલના પુત્રની ફરિયાદને આધારે શુક્રવારે જજ રફિક શેખ અને તાયડે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…છત્રપતિ સંભાજીનગરમાં કારે અડફેટમાં લેતાં વૃદ્ધનું મોત: ચાર ઘાયલ

સંબંધિત લેખો

Back to top button