દાવોસમાં સહી થયેલા 29 કરારમાંથી ફક્ત એક જ કંપની ભારત બહારની: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઈએફ)માં હસ્તાક્ષર કરાયેલા 29 રોકાણના એમઓયુમાંથી ફક્ત એક જ કંપની ભારતની બહારની છે.
20 જાન્યુઆરીથી સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ડબ્લ્યુઈએફની વાર્ષિક પાંચ દિવસની બેઠક ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ફડણવીસના નેતૃત્વ હેઠળ રાજ્યનું પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં હાજરી આપી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, ઠાકરેએ એવો આરોપ લગાવ્યો હતો કે મુખ્ય પ્રધાન ફડણવીસનો દાવોસ પ્રવાસ તેમના કાર્યાલય દ્વારા ‘સંપૂર્ણપણે ખોટી રીતે ગોઠવાયેલો’ હોય તેવું લાગે છે.
આ પણ વાંચો: દાવોસમાં મહારાષ્ટ્રમાં રોકાણ માટે 15.70 લાખ કરોડના એમઓયુ
‘29 કંપનીઓ સાથે હસ્તાક્ષર કરાયેલા પ્રસ્તાવિત રોકાણ માટેના એમઓયુમાંથી ફક્ત એક ભારતની બહારની છે. બાકીના બધા ભારતીય છે અથવા ભારતમાં મુખ્ય મથક/બેઝ ધરાવે છે,’ એમ તેમણે કહ્યું હતું.
‘29 કંપનીઓમાંથી 20 કંપનીઓ મહારાષ્ટ્રમાં આવેલી છે, જેમાંથી 15 કંપનીઓ મુંબઈમાં છે જ્યાં મુખ્ય પ્રધાનનું કાર્યાલય આવેલું છે,’ એમ મુંબઈના વરલી વિસ્તારના વિધાનસભ્યે કહ્યું હતું.
મહાયુતિ સરકારે કહ્યું હતું કે બુધવાર સુધીમાં દાવોસમાં 15.70 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે લગભગ 53 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનું દાવોસ ઈકોનોમિક ફોરમમાં 7 લાખ કરોડ રૂપિયાના સમજૂતીના કરારનું લક્ષ્ય…
નગર વિકાસ વિભાગ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરતા, ઠાકરેએ કહ્યું કે દાવોસમાં પ્રતિનિધિમંડળનો ભાગ બનતા સમગ્ર વિભાગ અને તે મંત્રાલયના અધિકારીઓને જોવું ખૂબ જ રમુજી હતું, જ્યારે પ્રધાન પોતે જ ‘બીજા પ્રધાનની તરફેણમાં’ (ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતનો સ્પષ્ટ ઉલ્લેખ) તેમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું કે દાવોસ એક રાજ્ય માટે વૈશ્ર્વિક સંબંધો બનાવવા માટેનું સૌથી અદ્ભુત સ્થળ છે, જ્યાં ઘણા બધા અદ્ભુત પ્રતિભાશાળી વ્યક્તિઓ અને સંગઠનો એક સાથે આવે છે.
ખરેખર પ્રશ્ર્ન એ છે કે, આ બધી 28 કંપનીઓને દાવોસમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવાનું કહેવાનો શું અર્થ છે, જ્યારે દાવોસમાં મુખ્ય પ્રધાન ફડણવીસ દ્વારા અન્ય મુલાકાતી મહાનુભાવો, કંપનીઓ, ઉદ્યોગ-સાહસિકો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો માટે વધુ સારી રીતે ઉપયોગ કરી શકાયો હોત, એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
‘જ્યારે મુખ્ય પ્રધાન વિશ્ર્વ સુધી મહારાષ્ટ્રની પહોંચ બનાવી શકે છે ત્યારે આપણી અંદર વ્યસ્ત રહેવાનો શું અર્થ છે?’ એમ પણ ઠાકરેએ કહ્યું હતું.
તેમણે એવો પ્રશ્ર્ન કર્યો હતો કે ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર’ (રોકાણ સમિટ) કેમ ન યોજાઈ શકે, જેમ કે 2022ના મધ્યભાગથી તે યોજાઈ નથી, અને આ બધી કંપનીઓ રાજ્યમાં જ એમઓયુ પર હસ્તાક્ષર કરી શકે છે.
‘હું નમ્રતાપૂર્વક મુખ્ય પ્રધાનને વિનંતી કરું છું કે આ બધા મહત્ત્વપૂર્ણ એમઓયુ આપણા દેશની અંદર મહારાષ્ટ્રમાં જ કરે, વિશ્ર્વને આમંત્રણ આપે, ત્યાં તે કરવાને બદલે અને વિશ્ર્વને મળવાને બદલે, એમ તેમણે કહ્યું હતું.