માતા સાથે કચ્છ ફરવા આવેલા પુનાના યુવકનું ભુજમાં નિધન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: બે દિવસ અગાઉ ભાતીગળ પ્રદેશ કચ્છને જોવા-માણવા બે દિવસ અગાઉ માતા સાથે આવેલા મહારાષ્ટ્રના પુનાના ૩૪ વર્ષીય વિનીત નીતિન દેશપાંડેનું સંભવિત હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી, બીજી તરફ ગાંધીધામ શહેરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સેક્ટર-પાંચ વિસ્તારમાં કિરીટ ખીમજી જોશી (ઉ.વ. ૫૬)એ એસિડ પી લઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૯ જાન્યુઆરીના રોજ માતા સાથે કચ્છના પ્રવાસે આવેલો પુનાનો વિનીત ભુજના રેલવે સ્ટેશનની સામે આવેલી ડેઝ ઓફ સ્ટુડિયો નામની હોટલમાં રોકાયા હતા. આ દરમ્યાન સવારના આઠ વાગ્યાના અરસામાં આ યુવક હોટેલ રૂમના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ભુજ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તજવીજ હાથ ધરી છે. દરમ્યાન, મૃતક વિનીત જન્મથી હૃદય સંબંધિત તકલીફ અને હાઈ બ્લડપ્રેશરની દવા લેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તેમ તપાસકર્તા પી.એસ.આઈ મયૂરભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતીઓના હૃદય પડી રહ્યા છે નબળા, દરરોજ હાર્ટ એટેક લે છે આટલા લોકોનો ભોગ
બીજો અપમૃત્યુનો કરુણ બનાવ પંચરંગી ગાંધીધામ શહેર ખાતે બનવા પામ્યો હતો. જેમાં સેક્ટર પાંચ-ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારના મકાન નંબર-એલ.૩૬માં રહેનાર કિરીટ જોશી નામના આધેડ પોતાના ઘરે હતા ત્યારે અગમ્ય કારણોસર એસિડ પી લેતાં પ્રથમ તેમને આદિપુરની રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના પાછળના કારણો જાણવા પોલીસે છાનબીન હાથ ધરી હતી.



