મહારાષ્ટ્ર

પુણેમાં એરફોર્સ અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરનારો ગઠિયો પકડાયો, જાસૂસીની શંકા

પુણેઃ ફેક ઓફિસર્સ માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ અસલી જિંદગીમાં પણ આવા ઠગ જોવા મળે છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદાની ફિલ્મ ‘રાજા બાબુ’ જેવો નકલી યુનિફોર્મ પહેરીને ભારતીય વાયુસેનાના અધિકારી હોવાનો દાવો કરીને લોકો સાથે છેતરપિંડી કરતા એક ઠગની રંગેહાથે ધરપકડ કરવામાં આવી છે.

પુણે સધર્ન કમાન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ખરાડી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. પૂછપરછ બાદ નકલી ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાયબર ક્રાઇમ પર પોલીસનો સકંજો: 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે સાંજે આ ઘટના અંગે મિલિટરી ઇન્ટેલિજન્સ એટલે કે ગુપ્તચર એજન્સીએ પુણે પોલીસને વિગતો આપી હતી. આ પછી ગૌરવ દિનેશ કુમાર નામના શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. છેતરપિંડીની માહિતીના આધારે પોલીસે ફરિયાદ નોંધ્યા પછી તેની ધરપકડ કરી છે .

આ કેસમાં 25 વર્ષીય ઠગ ગૌરવની રવિવારે સાંજે ખરાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તે પુણેમાં ભારતીય વાયુસેનાનો અધિકારી હોવાનો દાવો કરીને લોકોને છેતરતો હતો.

આ પણ વાંચો: થાણેના ઉદ્યોગપતિ સાથે જીએસટી ફ્રોડમાં 4.5 કરોડની છેતરપિંડી

ડીસીપી રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું કે,પૂછપરછ દરમિયાન, લશ્કરી ગુપ્તચર અધિકારીઓએ તેના ઘરની તપાસ કરી હતી. ત્યાંથી તેમને ભારતીય વાયુસેનાના ટી-શર્ટ, પેન્ટ અને શૂઝ મળ્યા હતા. ટીમે ગૌરવનું નકલી આઈડી કાર્ડ પણ જપ્ત કર્યું છે.

પોલીસને શંકા છે કે ગૌરવ પાકિસ્તાની જાસૂસ પણ હોઈ શકે છે. ભારતીય વાયુસેનાને લગતી આ બધી સામગ્રી તેને ક્યાંથી મળી? આ સિવાય આ છેતરપિંડીની ઘટનામાં ગૌરવ સાથે બીજું કોણ સંડોવાયું છે? પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button