માવઠાના કારણે 27 વીઘાના પાક નિષ્ફળ ગયો પણ ખેડૂતને મળ્યું ફક્ત ૨ રૂપિયાનું વળતર!

પાલઘર: દેશના અનેક રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. મહારાષ્ટ્રના પણ અનેક જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ દરમિયાન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ખેડૂતે દાવો કર્યો છે કે કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાન માટે સરકારે માત્ર 2.30 રૂપિયાનું વળતર આપ્યું છે.
મળતી વિગતો અનુસાર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વાડા તાલુકાના શીલોતર ગામના ખેડૂત મધુકર બાબૂરાવ પાટિલે કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન માટે સરકાર સમક્ષ વળતર માટે અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ સિઝન દરમિયાન વરસાદને કારણે ખેતીપાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ખેતી પાકો પાણીના ડૂબી ગયા છે અને સડી ગયા છે. ઘાસચારો પણ કાળો પડી ગયો છે અને તેના કારણે પશુઓ માટે ચારાનું સંકટ ઊભું થયું છે.
ખેડૂતે વ કહ્યું હતું કે, આટલા મોટા નુકસાન બાદ પણ મને તો એ જોઈને આશ્ચર્ય થયું કે મારા ખાતામાં માત્ર 2.30 રૂપિયા જ જમા થયા હતા. ઉલ્લેખનીય છે કે પાટીલ, તેમની પત્ની અને પુત્રીઓ સાથે ૧૧ એકર જમીન ધરાવે છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા આજે મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પણ પાટીલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઠાકરેએ કહ્યું, “પાલઘરના ખેડૂતોને પાક વીમા વળતર તરીકે માત્ર ૨ રૂપિયા અને થોડા પૈસા મળ્યા તે મજાક છે.”
ઠાકરેએ કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનને કેન્દ્રીય સહાય માટે પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું, પરંતુ મને નથી લાગતું કે આવી કોઈ દરખાસ્ત મોકલવામાં આવી છે. પાલઘરના ખેડૂતોને પાક વીમા વળતર તરીકે ફક્ત બે રૂપિયા અને થોડા પૈસા મળ્યા તે મજાક છે. રાજ્ય સરકારે તાત્કાલિક લોન માફીની જાહેરાત કરવી જોઈએ અને અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવી જોઈએ.”
આ પણ વાંચો…કચ્છમાં કમોસમી માવઠાને લીધે ખુલ્લામા રહેલો પાક ધોવાઈ ગયો, ખેડૂતો તારાજ
 


