માલેગાંવમાં ભૂતપૂર્વ મેયર અબ્દુલ શેખ પર ગોળીબાર: બે આરોપી પકડાયા

નાશિક: માલેગાંવના ભૂતપૂર્વ મેયર અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પદાધિકારી અબ્દુલ મલિક યુનુસ ઇસા શેખ પર ગોળીબારના કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જમીનના સોદાને લઇ ઑલ્ડ આગ્રા રોડ પર રવિવારે મધરાતે 1.15 વાગ્યે આ ઘટના બની હતી. અબ્દુલ શેખ બિલ્ડિંગ મટીરિયલ્સની દુકાન બહાર ઊભો હતો ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરે તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં શેખ ઘવાયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મંગળવારે આરોપી ફારુક પટેલ અને તેના સાથીદારની ધરપકડ કરી હતી, જેમણે અબ્દુલ શેખ પર ગોળીબાર કર્યો હતો, એમ એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અનિકેત ભારતીએ કહ્યું હતું.
પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે મ્હાલ્દે શિવાર ખાતે જમીનના સોદાને લઇ આ હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપીઓએ ગુનામાં વાપરેલી પિસ્તોલ, બે કારતૂસ તથા મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ઑલ્ડ આગ્રા રોડ પર શેખ પર ગોળીબારની ઘટના બાદ માલેગાંવમાં તંગદિલીભર્યું વાતાવરણ થઇ ગયું હતું, જેને પગલે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. (પીટીઆઇ)
Also Read –