મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ફરી મોટો અકસ્માત
બસ અને કન્ટેનરની ટક્કરમાં 12 લોકોના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર એક ઝડપી મિની બસે કન્ટેનરને ટક્કર મારતાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે અને 23થી વધુ લોકો ઘાયલ થયા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી બસમાં 35 મુસાફરો હતા. તેમણે કહ્યું કે આ અકસ્માત જિલ્લાના એક્સપ્રેસ વેના વૈજાપુર વિસ્તારમાં થયો હતો. આ સ્થળ મુંબઈથી લગભગ 350 કિલોમીટર દૂર છે. આ ઘટના સવારે લગભગ 1.15 વાગ્યે બની હતી. પેસેન્જર બસ બુલઢાણાથી નાસિક થઈને છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) યાત્રા પછી જઈ રહી હતી. અધિકારીએ કહ્યું, ‘ટ્રક બુલઢાણાથી છત્રપતિ સંભાજીનગર તરફ આવી રહી હતી અને હાઈવેની બાજુમાં થોડીવાર રોકાઈ ગઈ હતી.
અચાનક બસે તેને પાછળથી ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ પુરૂષ, છ મહિલાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. ઘાયલોને વૈજાપુર અને સંભાજીનગરની વેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ગંભીર કેસોને નાશિક અને પુણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સ્ટેટ હાઇવે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022 થી એપ્રિલ 2023 સુધીમાં આ હાઇવે પર 358 અકસ્માતો થયા છે જેમાં 40 લોકોના મોત થયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે.
મુંબઈ નાગપુરને જોડતા સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના નાગપુર અને શીરડી વચ્ચેના પ્રથમ તબક્કાનું ઉદઘાટન ગયા વર્ષે 11 ડિસેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્સપ્રેસ-વે નો મુખ્ય ઉદ્દેશ નાગપુરથી મુંબઈનું અંતર ઘટાડવાનો છે સત્તાવાર રીતે 700થી વધુ કિમી. લાંબા આ એક્સપ્રેસવેનું નામ હિન્દુ હૃદયસમ્રાટ બાળા સાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ રાખવામાં આવ્યું છે.