11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયા માટે અરજીની નોંધ 26 મેથી શરૂ થશે

મુંબઈ: 11મા ધોરણની પ્રવેશ પ્રક્રિયાની વેબસાઇટ પર ટેકનિકલ મુશ્કેલીઓને પગલે શિક્ષણ નિયામકમંડળે જાહેરાત કરી હતી કે અરજી નોંધણી અને પસંદગી ક્રમ ભરવાની પ્રક્રિયા હવે 26 મેના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. 21 મેના રોજ પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ, શિક્ષણ નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં સુધારેલ સમયપત્રક જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દસમા ધોરણનું પરિણામ જાહેરઃ આ વખતે પણ છોકરીઓએ બાજી મારી
ધોરણ 10ના પરિણામો પછી શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા 21 મેના રોજ શરૂ થઈ હતી. 21 મેથી 13 જૂન દરમિયાન યોજાનાર પ્રથમ રાઉન્ડ માટે અરજી નોંધણી, પસંદગી ક્રમ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી વગેરે માટેની તારીખો જાહેર કરવામાં આવી હતી. જોકે, 21 મે, 2025ના રોજ ટેકનિકલ કારણોસર સવારથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની વેબસાઇટ ડાઉન હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુરુવારે સાંજે શિક્ષણ નિયામકમંડળે જાહેરાત કરી કે 11મા પ્રવેશના પ્રથમ રાઉન્ડ માટે વિદ્યાર્થી નોંધણી અને પસંદગી ભરવાની સુવિધા 26 મે, 2025ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે.