મહારાષ્ટ્ર

મંત્રાલયમાં પાણીની અછત!!

મુંબઈ મનપા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણથી પુરવઠો કરવામાં આવતો હોવાથી નિર્માણ થઈ સમસ્યા: ત્રણ દિવસથી પાણીની તકલીફ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય વિધાનસભાના તાજેતરમાં જ પૂર્ણ થયેલા બજેટ સત્રાં રાજ્યમાં પાણીની અછત પર ગંભીર ચર્ચા થઈ હતી, પરંતુ રાજ્ય સરકારનું સંચાલન જ્યાંથી થઈ રહ્યું છે તે મંત્રાલયમાં જ ત્રણ દિવસથી પાણીની અછત હોવાનું જાણવા મળ્યું છે. અપૂરતા અને ઓછા દબાણથી આવતા પાણીને કારણે હવે મંત્રાલયને પાણીના ટેન્કર પર આધાર રાખવાનો આરો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર મંત્રાલયમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની અછત વર્તાઈ રહી છે. પીવાના પાણીની સાથે મંત્રાલયની કેન્ટિન અને સ્વચ્છતાગૃહોમાં પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પીવાના પાણીની અછતને ધ્યાનમાં રાખીને મંત્રાલયના કર્મચારીઓએ બહારથી બાટલીબંધ પાણી મગાવવાની ફરજ પડી રહી છે.

આપણ વાંચો: શું વાત છે! બેન્ગલૂરુમાં આરસીબીએ પાણીની અછત દૂર કરી આપી, જાણો કેવી રીતે

મંત્રાલયના અનેક સ્વચ્છતાગૃહો પર પાણી નથી એવું લખવાનો વારો આવ્યો હતો અને આવી સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી હોવાનું કેટલાક કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. જોકે, પાણીની આ અછત કેમ નિર્માણ થઈ છે તેનો જવાબ કોઈની પાસે નહોતો.

બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મંત્રાલયનો પાણીપુરવઠો ગુરુવારે સાંજથી સામાન્ય કરી નાખવામાં આવ્યો છે, તેમ છતાં પાણીની અછત જોવા મળી રહી હતી. ગુરુવારે મંત્રાલયમાં ત્રણ ટેન્કર દ્વારા પુરવઠો કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button