Assembly Session: બીડ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓના સરકારે આપ્યા ચોંકાવનારા આંકડા
પાંચ વર્ષમાં 275 હત્યા અને 766 હત્યાના પ્રયાસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં બીડ જિલ્લામાં હત્યાનો આંકડો કહ્યા બાદ સોપો પડી ગયો હતો. ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન 36 હત્યાના કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લાં પાંચ વર્ષની વાત કરીએ તો 275 હત્યા અને 766 હત્યાના પ્રયાસના કેસ નોંધાયા હતા.
ગૃહ વિભાગ પણ ધરાવતા દેવેન્દ્ર ફડણવીસે નીચલા ગૃહને ઉક્ત આંકડા અંગેની માહિતી લેખિતમાં આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરપંચ સંતોષ દેશમુખની હત્યા બાદ બીડ જિલ્લો ચર્ચામાં રહ્યો છે.
આ કેસોમાં સંડોવાયેલી 260 જેટલા વ્યક્તિઓ પાસે હથિયારોનાં લાઇસન્સ હતાં અને મૃતકો સહિત પરમિટધારકોનાં 199 લાઇસન્સ કેસ નોંધાયા પછી સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવ્યાં હતાં. મુખ્ય પ્રધાને સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસ વિશે પણ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અંતે તેમણે હતું કહ્યું કે અન્ય એક આરોપી કૃષ્ણા અંધલે ફરાર છે, જ્યારે કૈજ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર રાજેશ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ધનંજય મુંડેએ રાજીનામું આપ્યા પછી આપ્યું નિવેદન
બીડ જિલ્લાના મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાને મામલે ઉગ્ર વિરોધનો સામનો કરી રહેલા એનસીપીના નેતા ધનંજય મુંડેએ આખરે મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મેં મારા અંતરાત્માની વાત સાંભળીને તેમ જ મારી નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં લઇને પ્રધાનપદેથી રાજીનામું આપ્યું છે.
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર કરેલી પોસ્ટમાં મુંડેએ એમ પણ કહ્યું હતું કે સરપંચ સંતોષ દેશમુખની ભયાનક હત્યા સાથેના સંબંધિત ફોટોગ્રાફ્સ જોઇને તેઓ ખૂબ જ દુખી થયા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના લાતુરમાં હાઇ-વે પર એસટી બસ પલટીઃ 38 જણ ઘાયલ
ગયા વર્ષે 9મી ડિસેમ્બરે જિલ્લામાં એક ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણી ઉઘરાવવાના પ્રયાસ બદલ દેશમુખનું અપહરણ, ત્રાસ અને હત્યા કરવામાં આવી હતી. દેશમુખ હત્યા કેસ અને તેનાથી સંબંધિત બે કેસોમાં ગુના તપાસ વિભાગ (સીઆઈડી) દ્વારા દાખલ કરાયેલા આરોપનામામાં, મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને આરોપી નંબર વન તરીકે નામ આપવામાં આવ્યું છે.
મુંડેએ પ્રધાનમંડળમાંથી તેમને દૂર કરવાની વિપક્ષની જોરદાર માંગણી બાદ રાજીનામું આપ્યું. ફડણવીસે સોમવારે નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવાર સાથે, મુંડે સહિત એનસીપીના વરિષ્ઠ નેતાઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે મોડી રાત્રે બેઠક યોજી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમુખની હત્યા સંબંધિત લોહિયાળ ફોટા અને કોર્ટમાં રજૂ કરાયેલા આરોપનામાની વિગતો સામે આવ્યા બાદ હત્યા પહેલાં કરવામાં આવેલી ક્રૂરતાનો ખુલાસો થયા બાદ મુંડેના રાજીનામાની વિપક્ષની માંગ વધુ તીવ્ર બની હતી.