અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસમાં શ્રીમંત કોણ?
અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની પત્નીઓ એટલે કે સુનેત્રા પવાર અને અમૃતા ફડણવીસ પર લક્ષ્મીની કૃપા વધારે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના બંને નાયબ મુખ્ય પ્રધાનો એટલે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારમાં વધુ સંપત્તિ કોની પાસે છે એવું જાણવાની ઈચ્છા બધા જ વાચકોને થઈ રહી હશે અને તેની સરખામણી આજે રજૂ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી માટે બંનેએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. બંનેએ અરજી રજૂ કરતી વખતે સાથે પોતાની સંપત્તિની વિગતો આપતી એફિડેવિટ પણ રજૂ કરી છે. આ એફિડેવિટ પર નજર કરીએ તો ખબર પડે છે કે બંનેની પત્નીઓ એટલે કે સુનેત્રા પવાર અને અમૃતા ફડણવીસ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ કરતાં પણ વધુ શ્રીમંત છે.
અજિત પવારની સંપત્તિ
અજિત પવારની રોકડ રકમ 7 લાખ 20 હજાર રૂપિયા છે. સુનેત્રા પવારની રોકડ રકમ 6 લાખ 65 હજાર રૂપિયા છે. અજીત પવાર પાસે બે ટ્રેલર, એક ટ્રેક્ટર અને બે કાર છે. સુનેત્રા પવાર પાસે પણ એક ટ્રેક્ટર અને બે ટ્રેલર છે. અજિત પવાર પાસે કુલ 8 કરોડ 22 લાખ રૂપિયાની જંગમ સંપત્તિ છે. સુનેત્રા પવારની કુલ જંગમ સંપત્તિ 14 કરોડ 57 લાખ છે. અજિત પવારની કુલ સ્થાવર મિલકત 37 કરોડ 15 લાખ છે સુનેત્રા પવારની સ્થાવર મિલકત 58 કરોડ 39 લાખ છે. અજિત પવારનું શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 24 લાખ 79 હજાર રૂપિયા છે. આમાં સુનેત્રા પવારનું રોકાણ 14 લાખ 99 હજાર રૂપિયા છે. અજિત પવારે કોઈને લોન આપી નથી સુનેત્રા પવારે શરદ પવારની પત્ની પ્રતિભા પવારને 50 લાખ રૂપિયા અને નણંદ સુપ્રિયા સુળેને 35 લાખ રૂપિયાની લોન આપી છે. અજિત પવારના ટ્રેક્ટર, ટ્રેલર, કારની કિંમત 75 લાખ 72 હજાર રૂપિયા છે. સુનેત્રા પવાર પાસે 10 લાખ 70 હજાર રૂપિયાની કાર છે.
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ પાસે એકપણ વાહન નથી, પણ છે આટલા બધા કરોડના માલિક
દેવેન્દ્ર ફડણવીસ સંપત્તિ
દેવેન્દ્ર ફડણવીસના હાથમાં રોકડ 23 હજાર 500 રૂપિયા છે. અમૃતા ફડણવીસ પાસે કેશ ઇન હેન્ડ 10 હજાર રૂપિયા છે. દેવેન્દ્ર ફડણવીસ પાસે સવા પાંચ કરોડની મિલકત છે જ્યારે ફડણવીસ દંપતીની કુલ સંપત્તિ 13.27 કરોડ રૂપિયા છે. દંપતિ પાસે કોઈ વાહન નથી. દેવેન્દ્ર ફડણવીસના નામ પર 56 લાખ રૂપિયાની જંગમ અને 4.6 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે. અમૃતા ફડણવીસ પાસે 6.9 કરોડ રૂપિયાની જંગમ અને 95 લાખ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે.