મોદીની કમલમમા બેઠક, ક્ષત્રિયોની આણંદમા સભા
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધશે. આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગર. ક્ષત્રિય સમાજના આંદોલન અને મતદાનના દિવસે કેવી પરિસ્થિતિ રહેશે અથવા કેવું આયોજન કરવું તે પર વડાપ્રધાન મોદીએ સાબરકાંઠાથી આવીને ગાંધીનગરના કોબા કમલમમા તત્કાલ બેઠક બોલાવી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા.
વડાપ્રધાન મોદીએ કહેવાય છે કે, પ્રખર ગરમી અને એથી વધુ ક્ષત્રિય આંદોલનથી ધધકતા સૌરાષ્ટ્ર અંગે ઝીણવટપૂર્વકની માહિતી લીધી. વડાપ્રધાન મોદીની આ બેઠક ચાલી રહી હતી ત્યારે જ ચરોતરના આણંદમા ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન ચાલી રહ્યું છે. હકડેઠઠ જનમેદની એકત્રિત કરતુ ક્ષત્રિય સમાજનું આ સંમેલન બરાબર ત્યારે જ યોજાઈ રહ્યું છે જ્યારે,ગુરુવારની પહેલી જનસભા આણંદમા છે. ક્ષત્રીય સેનાના આ સંમેલનમાં કહેવાયું કે, ગુજરાતમાં ભલે ચાલીસ ડિગ્રી ગરમી હોય,પણ ક્ષત્રિય સંમેલનથી આણંદમા ગરમીનો પારો 80 ડિગ્રી છે. આ ક્ષત્રિયોની ગરમી છે.
ક્ષત્રિય રાજવીઓની બેઠક
બીજી તરફ, ક્ષત્રિય સમુદાય તરફથી રાજ્યભરમાં ભાજપને થનારા સંભવિત નુકસાનને કેવી રીતે ખાળવું તેના મનોમંથન માટે ગુરુવારે સવારે રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાજકોટના રાજવી માધાંતા સિંહે બેઠક બોલાવી છે,જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના રાજવી પરિવારના સદસ્યો જોડાશે. આ બેઠકનો ઉદ્દેશ રાષ્ટ્ર પ્રથમ છે. ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ સામે પડકાર ફેંકી રહ્યું છે અને તેમાં ડેમેજ કંટ્રોલના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે તે સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજવીઓની બેઠક મહત્વની બની રહેશે.
ધોળકા પછી ક્ષત્રિય સંમેલન જામનગરમાં
ગુરુવારના ધોળકામાં ક્ષત્રિય સંમેલન બાદ શુક્રવારે જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન થશે.
લાગલગાટ,બારડોલી,પેથાપૂર ગાંધીનગર, આણંદ,ધોળકા અને ત્યારબાદ જામનગરમા સંમેલન યોજાઈ રહ્યા છે
કહેવાય છે કે, વડાપ્રધન મોદીએ પણ સ્થિતિ જોતા,જ્યાં મતદાનને અસર થઇ શકે અથવા જે લોકસભા બેઠકમાં સંભાવનાઓ છે ત્યાં જ જનસભાઓ કરી રહ્યા છે. પણ ક્ષત્રિય સમાજનું આંદોલન બહુ જ યુક્તિપૂર્વક અને જનસંઘ પેટર્નનું હોવાનું પણ કેટલાક વિશ્લેષકો માને છે. મોદીનો વિરોધ નહિ,પણ મતદાન પાર્ટી વિરુદ્ધ,અથવા 24 એપ્રિલથી શરુ થયેલી ધર્મરથ યાત્રા અને તેની પૂર્ણાહૂતિ પણ ધાર્મિક સ્થળ,શક્તિના પ્રતિક ખોડલધામમા, આ શું સૂચવે છે?
ગુરુવારે સૌરાષ્ટ્રમાં એવા વિસ્તારોમાં વડાપ્રધાનની સભાઓ છે જ્યાં કેટલાક પરિબળો નિર્ણાયક બને છે. આ ચારેય સભાઓમાં વડાપ્રધાનના સંબોધનમાં કોને ઉદ્દેશીને શું બોલાય છે ? અથવા તેમના સંભાષણમા કેવો ભાવ છે? તેના પર ન માત્ર ભાજપ,પરંતુ કોંગ્રેસ સહીત સમગ્ર ગુજરાતની નજર રહેશે.