ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર મળે તેવી શક્યતા જણાઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન બાદ ભાજપ માટે ચૂંટણી જંગ આસાન રહ્યો નથી. જેમ કે ગુજરાતની પોરબંદર બેઠક પરની સ્પર્ધા રસપ્રદ લાગી રહી છે કારણ કે ભાજપે અહીંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે, તેમની સામે કોંગ્રેસના લલિત વસોયા છે. આ બેઠક પર બંને નેતાઓ વચ્ચેની ટક્કર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્થિતીમાં અમે તમને જણાવીશું કે આ બેઠક પર કોણ બાજી મારી જશે?
પોરબંદર લોકસભા મતવિસ્તાર એ ગુજરાત રાજ્યના 26 લોકસભા (સંસદીય) મતવિસ્તારો પૈકીનો એક છે. આ સામાન્ય શ્રેણી (જનરલ)ની સંસદીય બેઠક છે. પોરબંદર લોકસભા મતવિસ્તારનો સાક્ષરતા દર 69.11 ટકા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ લવજીભાઈ ધડુક 2,28,128 મતોની સરસાઈથી જીત્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા લલિત વસોયા બીજા ક્રમે હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં આ મતવિસ્તારમાં 56.79 ટકા મતદાન થયું હતું. છેલ્લી સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પરથી કુલ 18 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ભાજપ પોરબંદરની લોકસભા બેઠકને પાંચ લાખ મતની લીડથી જીતવાનું આંતરિક લક્ષ્યાંક રાખે છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન આ બેઠક પર 16 લાખ 61 હજાર જેટલા મતદાર નોંધાયેલા હતા.
પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પોરબંદર જિલ્લાના માત્ર બે જ વિધાનસભા મત ક્ષેત્રો પોરબંદર અને કુતિયાણાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ જિલ્લાના 3 વિધાનસભા મતક્ષેત્રો ગોંડલ, જેતપુર અને ધોરાજીનો તથા જૂનાગઢ જિલ્લાના બે વિધાનસભા મતક્ષેત્રો માણાવદર અને કેશોદનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર સૌથી વધુ લેઉવા અને કડવા પટેલો મળી અંદાજે 4 લાખ પાટીદાર મતદારો છે. પરિણામે આ બેઠક પર હંમેશા પાટીદાર મતદારો નિર્ણાયક રહ્યા છે.
આ પણ વાચો….
શું ભરૂચ સીટ ભાજપના મનસુબા પર પાણી ફેરવશે? જાણો ચૈતર અને મનસુખ વસાવામાંથી કોનું પલડું ભારે?
આ બેઠકના જ્ઞાતિ સમીકરણો પર નજર કરીએ તો પોરબંદર જિલ્લામાં મેર અને ખારવા સમાજ ઉપરાંત અહીં લેઉવા પટેલ, કડવા પટેલ, કોળી , ક્ષત્રિય, ખાંટ ,લોહાણા, બ્રાહ્મણ, રબારી, કુંભાર દલિત, મુસ્લીમ, આહિર ની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે. પરંતુ પોરબંદર લોકસભા બેઠકનું માળખું અન્ય જિલ્લા કરતા અલગ છે. આ પોરબંદર બેઠકમાં જૂનાગઢ જિલ્લાના રાજકોટ જિલ્લાના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. તેથી, આ સીમાંકનને કારણે, અહીં બહુમતી વસ્તી છે. મત ખારવા અને મેરનો નથી પણ પાટીદાર સમાજનો છે. અને ભાજપની પાટીદાર સમાજ પર સારી પકડ છે, જ્યારે ખારવા અને મેર સમાજમાં ભાજપ અને કોંગ્રેસ પાસે 50-50% વોટ બેંક છે. પરંતુ પાટીદાર સમાજની વધારાની પકડને કારણે અહીં ભાજપનું માર્જીન જંગી રહે છે.
પોરબંદર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા માટે આ વખતે પણ જીતવા માટે બહુ મહેનત કરવી પડશે, કારણ કે પોરબંદરના કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. બીજી બાજુ પોરબંદરમાં કોંગ્રેસના બધા જ કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનમાં આપી દેતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. આ કારણોથી કોંગ્રેસને પોરબંદર બેઠક જીતવા માટે લોઢાના ચણા જેવી સ્થિતિ છે.
કોણ છે મનસુખ માંડવિયા?
મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ 1972ના રોજ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો. તેમના પિતા સીમાંત ખેડૂત હતા. મનસુખ માંડવિયા પાટીદાર સમાજના લેઉઆ પટેલ સમુદાયમાંથી આવે છે. મધ્યમ-વર્ગીય ખેડૂત પરિવાર (પાટીદાર જાતિ)માંથી આવતા મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. તેમણે પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું, ત્યાર બાદ તેમણે સોનગઢ ગુરુકુળમાંથી હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. મનસુખ માંડવિયા પ્રથમ વખત 2012માં રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2018માં ફરી ચૂંટાયા હતા. માંડવિયાના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ પશુ ચિકિત્સા વિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થયા છે. હાલમાં તેઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે.
કોણ છે લલિત વસોયા?
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના અગ્રણી નેતા ગણાતા લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ જસમતભાઈ વસોયા છે. રાજકીય કારકિર્દી ઉપરાંત તે પોતે એક ખેડૂત પણ છે. તેમનો પરિવાર વારસાગત રીતે ખેતી સાથે જોડાયેલો છે. લલિત વસોયાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ વાય બી.કોમનો અભ્યાસ કર્યો હતો. લલિત વસોયાની પાટીદારો અને ખેડૂતો પર મજબુત પકડ છે, તેઓ ખેડૂતોના પ્રશ્નો, સડકથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવી ચુક્યા છે. લલિત વસોયાને રાજકારણ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતિ સાથે જીત મળી હતી. લલિત વસોયાએ 2019માં ભાજપ નેતા રમેશ ધડૂક સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેઓની હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમને 2022ની ગુજરાત વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી, જોકે તેમાં પણ તેઓને હારનો સામનો જ કરવો પડ્યો હતો.