લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અમેઠી અને રાયબરેલીથી કોને ઉતારશે?
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ બેઠકો પરથી ચૂંટણી લડવા નનૈયો ભણી દીધો હોવાથી બીજા વિકલ્પો પર વિચાર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો આમ તો ગાંધી પરિવાર માટેની બેઠકો માનવામાં આવે છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેએ આ બેઠકો પરથી ચૂંટણી લડવા માટે નનૈયો ભણી દીધો હોવાથી હવે આ બેઠકો પરથી કોને ઉમેદવારી આપવી એનું ધર્મસંકટ કૉંગ્રેસ સામે આવી ગયું છે. હવે આ બંને બેઠકો માટેના સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે.
કૉંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૉંગ્રેસ અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની સામે પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને ઉતારવાની રણનીતિ બનાવવામાં આવી હતી, પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ બેઠક પરથી કૉંગ્રેસ વિધાયક દળની નેતા આરાધના મિશ્રાના નામ પર વિચાર કરવામાં આવવી રહ્યો છે. જોકે, કેટલાક લોકો આરાધનાનું નામ રાયબરેલીથી ચલાવી રહ્યા છે.
સૂત્રોએ એવો દાવો કયોર્ર્ છે કે ભૂતપૂર્વ એમએલસી દીપક સિંહ અને વિધાનસભાના ઉમેદવાર વિજય પાસીનું નામ અમેઠી બેઠક પરથી રેસમાં છે. બીજી તરફ રાયબરેલી બેઠક પરથી સ્વામી પ્રસાદ મૌર્યને ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
આવી જ રીતે વારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કૉંગ્રેસ પોતાના આક્રમક પ્રવક્તા પવન ખેડાને ઉતારવા પર વિચાર કરી રહી છે. પવન ખેડાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો નથી. જોકે, વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા માટે યુપી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અજય રાય પણ ઉત્સુક છે. આ બેઠકોનો અંતિમ નિર્ણય હાઈ કમાન્ડ લેશે.
બીજેપીએ વારાણસી અને અમેઠીના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વડા પ્રધાન મોદી વારાણસીથી લડવાના છે જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી લડશે. 2019માં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી જીત્યા હતા, પરંતુ આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભા પર જતા રહ્યા છે. રાયબરેલીની બેઠક પરથી એટલે કૉંગ્રેસ નવા ઉમેદવારની શોધમાં છે.