ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

‘પરિવાર’ પછી ‘શક્તિ’… PM મોદીએ ફરી વિપક્ષના હુમલાને પોતાનું હથિયાર બનાવી સિક્સર ફટકારી

નવી દિલ્હીઃ ‘પરિવાર’ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શક્તિ’ શબ્દ દ્વારા કરવામાં આવેલા વિપક્ષના હુમલાને હથિયાર બનાવી દીધું છે. એક દિવસ પહેલા મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં એક શક્તિ હોય છે. અમારી લડાઈ એ ‘શક્તિ’ સામે છે.

પીએમ મોદીએ કોંગ્રેસ શાસિત તેલંગાણામાંથી આના પર વળતો પ્રહાર કર્યો છે. તેલંગાણાના જગત્યાલમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે ગઈ કાલે મુંબઈમાં ‘ઈન્ડિયા’ એલાયન્સની રેલી હતી. ચૂંટણી જાહેર થયા બાદ ‘ઈન્ડિયા’ ગઠબંધનની આ પ્રથમ રેલી હતી અને તેમના માટે સૌથી મહત્વપૂર્ણ રેલી હતી.

તેમણે કહ્યું કે તે (મુંબઈ) રેલીમાં વિપક્ષી ગઠબંધને તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયા બ્લોકની લડાઈ ‘શક્તિ’ સામે છે. પીએમ મોદીએ કહ્યું કે એક તરફ એવા લોકો છે જેઓ શક્તિના વિનાશની વાત કરે છે તો બીજી તરફ એવા લોકો છે જેઓ શક્તિની પૂજા કરે છે. તેમણે કહ્યું કે કોણ શક્તિનો નાશ કરી શકે છે અને કોણ શક્તિના આશીર્વાદ મેળવી શકે છે તે જોવા માટે 4 જૂને હરીફાઈ થશે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે મારા માટે દરેક માતા શક્તિનું સ્વરૂપ છે, દરેક પુત્રી શક્તિનું સ્વરૂપ છે. હું તેમને શક્તિ તરીકે પૂજું છું અને આ શક્તિ જેવી માતાઓ અને બહેનોની રક્ષા માટે હું જાનની બાજી લગાવી દઇશ. પીએમ મોદીએ લોકોને સવાલ કરતા કહ્યું હતું કે, મને કહો, જેઓ સત્તા ખતમ કરવા માગે છે તેમને તમે તક આપશો?

પીએમ મોદીએ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધી હતી અને તેમની પર પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે પરિવારવાદીઓનો આખો ઈતિહાસ જુઓ. દેશમાં જે પણ મોટા કૌભાંડો થયા છે તેની પાછળ કોઈને કોઈ પરિવારવાદી પક્ષ જ જોવા મળશે.

નોંધનીય છે કે મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે આયોજિત રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકો એવું વિચારે છે કે આપણે બધા એક રાજકીય પક્ષ સામે લડી રહ્યા છીએ, પણ એવું નથી. આપણે એક વ્યક્તિ, ભાજપ કે મોદી સામે નથી લડી રહ્યા. હિન્દુ ધર્મમાં ‘શક્તિ’ શબ્દ છે. આપણે એ ‘શક્તિ’ સાથે લડી રહ્યા છીએ. તે ‘શક્તિ’ શું છે તે પણ તેમણે આગળ સમજાવ્યું હતું. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે રાજાનો આત્મા EVMમાં છે. રાજાની આત્મા ED-CBI-IT જેવી દરેક સંસ્થામાં છે.

વિપક્ષી પાર્ટીના મોદી પર આવા શાબ્દિક પ્રહારો હંમેશા બુમરેંગ થયા છે. અગાઉ તેમણે મોદી માટે કહ્યું હતું કે ‘ચોકીદાર ચોર હે’. પીએમ મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ સૂત્ર આપ્યું હતું અને દેશવિદેશમાં લોકો સોશિયલ મીડિયા પર તેમના નામની સાથે ‘મૈં ભી ચોકીદાર’ શબ્દ ઉમેરવા માંડ્યા હતા.

થોડા સમય પહેલા લાલુ પ્રસાદ યાદવે મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે તેમનો પરિવાર નથી એટલે તેઓ બીજા પરિવારવાળા લોકો પર નિશાન સાધે છે. આ નિવેદનના બીજા જ દિવસે મોદીજીએ તેમના ભાષણમાં કહ્યું હતું આખો દેશ મારો પરિવાર છે અને દેશભરના અગણિત લોકોએ સોશિયલ મીડિયા પર તેમના નામની સાથે ‘મોદી કા પરિવાર’ શબ્દ ઉમેરી દીધો હતો અને વિપક્ષોની પીએમ મોદી પર હુમલો કરવાની બધી મહેનત પાણીમાં ગઇ હતી. હવે રાહુલ ગાંધી ‘શક્તિ’ની વાત લઇ આવ્યા અને પીએમ મોદી પર પ્રહારો કર્યા અને પીએમ મોદીએ વિપક્ષના હુમલાને પોતાનું હથિયાર બનાવી સિક્સર ફટકારી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button