યુવાવસ્થાએ સ્વાર્થના સગા સહુ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
રાતના દસેક વાગ્યે થાકેલી પાકેલી નેહલ ઘરે પહોંચી ત્યાં નાની ભાભીએ છણકા સાથે કહ્યું. તમારા માટે જમવાનું રાખેલું છે. ગરમ કરવું હોય તો એ કરીને ખાઈ લેજો. નેહલે હકારમાં માથું ધુણાવ્યું. કપડાં બદલવા પોતાના રૂમમાં જતી રહેલી નેહલ હાથ-મોં ધોઈ જેવી જમવા માટે બહાર આવે છે ત્યાં તો ભાભીની વાતો એના કાને પડ્યા વિના રહેતી નથી. હવે તો હદ થઈ ગઈ રોજ રાત્રે મોડી આવે. ક્યારેક જમ્યું તો ઠીક બાકી જમવાનું પડી રહે. આ તો સાવ મારા માથાનો દુખાવો બની બેસી છે. આડોશ-પાડોશમાં પણ બધા કાનાફૂસી કરતા હોય છે. આ તમારી બેન વિષે આડી-અવળી વાતો સાંભળીને તો હવે મારા કાન પાકી ગયા છે. ખબર નહિ શું કામ કર્યા રાખે છે તે આટલું મોડું થતું હશે? ક્યાં સુધી આ સાપનો ભારો વેંઢારવાનો છે? ભાભી આ બધું ભાઈને કહી રહી હતી, પણ સામે ભાઈના મોઢેથી એક શબ્દ પણ ના નીકળ્યો એટલે નેહલ પર બગડેલી ભાભી ચિડાયેલા શ્ર્વરે બોલી. ‘અરે કંઈક તો બોલો તમારી મોટી બહેન છે, પણ આમ ભાઈને માથે ભાર કરતી જાય એ કેમ ચાલે?
“એના માટે કોઈ સારું ઠેકાણું શોધવાનું શરૂ કરીશું. ભાભીની ઉગ્રતા વચ્ચે ભાઈએ કંઈક ધીમા અવાજે બબડાટ કર્યો ત્યાં તો એ ફરી વિફરી. અરે આવું તો કરતા જ નહીં. એની કમાણીથી તો આપણું ઘર ચાલે છે. થોડું સમજીને નિર્ણય લેજો. નહીંતર તો પછી પસ્તાયા કરજો જીવનભર. ભૂલી ગયા એ પાછલા વર્ષે હોસ્ટેલમાં રહેવા જતી રહેલી? ઘરમાં ખાવાના પણ વાંધા પડી ગયેલા. કેટલી મુશ્કેલીથી આપણે એને બોલાવી પડેલી યાદ કરો.’
નેહલને આ બધી વાતો કાંટાની જેમ વાગતી. હવે તો ભાભીની આ કચકચ લગભગ દરરોજની થઈ ગયેલી, પણ નેહલ દરેક વખતે અપમાન અને તિરસ્કારનો કડવો ઘૂંટડો પી જતી. આજે પણ એ મનમાં સમસમી રહી. ભૂખ તો ક્યારનીય પૂરી થઈ ગયેલી એટલે એ પથારી કરી આડે પડખે થઈ, પણ નીંદર હજુ આંખોથી જોજનો દૂર હતી. સવારે એને જલદી જવાનું હતું. આખો દિવસ ટ્રેન કે બસની સફર કરી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચવું એ એની દિનચર્યાનો ભાગ હતો. નેહા એક યોગ શિક્ષક હતી. પોતાના દર્દીઓના ઘરે જઈ તેઓને યોગ પ્રશિક્ષણ આપતી. નેહલનું સારું એવું નામ થઈ ગયેલું. એની પ્રેક્ટિસ પણ સારી ચાલી રહી હતી, પણ આ મુકામ પર પહોંચવા માટે એણે ભારે મહેનત કરેલી. જિંદગીના અમૂલ્ય વર્ષો તેણે આમાં ઘસી નાખેલા.
નેહલને યાદ આવ્યા એ દિવસો જ્યારે પોતે નાની હતી. પપ્પા એની બધી ફરમાઈશ પૂરી કરતા. હંમેશાં મમ્મીને કહેતા કે, નેહલ મોટી થઈને ખૂબ ભણશે. ખૂબ આગળ વધશે. દેખાવમાં પણ સુંદર છે એના માટે તો કોઈ સારો છોકરો શોધીશું. એ વખતે મમ્મી પણ પપ્પાની વાતોનું સમર્થન કરતી, પણ પિતાનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું ત્યારે માત્ર દસમા ધોરણમાં ભણતી નેહલ પર ઘરની જવાબદારી આવી પડી. મા એ પણ થોડાં વર્ષો પછી ખાટલો પકડ્યો. પોતાનું ભણતર, ઘર ચલાવવાની જવાબદારી, માતાની સંભાળ, નાનો પણ વંઠેલો ભાઈ આ બધા સામે એકલાહાથે લડતી નેહલ પોતાના ભવિષ્ય અંગે શું વિચાર કરે? માત્ર પંદર વર્ષની ઉંમરે નાની એવી નોકરી શરૂ કરી દેનારી નેહલ માટે ના તો કોઈ મોજ- મજા હતી, ના કોઈ આનંદ અને ના મિત્રો સાથે જલસા કરવાના હતા. એને તો બસ જવાબદારી નિભાવવાની હતી. ભાઈ ખોટી સંગતમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ કરવા બેઠો હતો એટલે એની મદદ ઘરમાં મળે એવી શક્યતાઓ શૂન્ય થઈ ચૂકેલી.
તરુણાવસ્થામાં જ પીઢ બની જતા આવા નેહલ જેવા અનેક ટીનએજર્સની મનોસ્થિતિ અંગે આપણા સમાજમાં કોઈને વિચાર પણ નથી આવતો હોતો. એમનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરતા વડીલો અચકાતા નથી હોતા. અહીં પણ હવે, નેહલની ઉંમર વધતી ચાલેલી. ક્યારેક કોઈ એના માટે સંબંધની વાત લઈને આવે, પણ જો લગ્ન થાય તો ઘરની જવાબદારી કોણ સંભાળે એ હિસાબે મા હંમેશાં ના પાડતી. નેહલની કમાણી પર નભતા ભાઈના લગ્ન થઈ ગયા. ભાભી શરૂમાં સારી રહેતી પણ પછી એને પોતાના અસલ રંગ બતાવવાના શરૂ કર્યા. હા, એણે પણ પૈસા માટે તો નેહલ વગર ચાલતું નહીં. હાલતા-ચાલતા એની પાસે નેહલ માટે કામ રહેતું. આજે એક ફી ભરવાની છે તો કાલે કપડા માટે પૈસા જોઈએ છે. આજે સાઈકલ લઇ આવવી છે તો કાલે કંઈક પ્રસંગ છે. બસ ઘરનો ખર્ચો વધતો રહેતો અને નેહલના ડૂબતા ખભ્ભા પર સહુ તરી જતાં.
નેહલ મા ને કંઈ વાત કરે તો એનું રોવા-ધોવાનું ચાલુ થઈ જતું કે મારો તો કોઈ વિચાર નથી કરતું. આજે તારા પપ્પા હોત તો મારી આવી હાલત ના હોત. હું તો હવે અપંગ થઈ ચૂકી છું. તારા ટુકડા પર જીવી રહી છું. મને હવે મૃત્યુ કેમ નથી આવતું. આવું સાંભળીને નેહાના કાનમાં કીડા ખરતા.
યુવાનીમાં નેહલને જાણે ઘડપણ ખાઈ રહ્યું હોય એમ સાવ નિશ્ર્ચેત જાત, આંખો ઊંડી ઊતરેલી, ઉદાસ – થાકેલો ચહેરો. લોકોને સ્વાસ્થયસભર બનાવવાના વ્યવસાયમાં રહેલી નેહલ પોતેજ અસ્વસ્થ રહેતી.
એવામાં એને એક પેશન્ટને ત્યાં સુરભીનો ભેટો થયો. ટીનએજ કાઉન્સિલર એવી સુરભી નેહાની હાલત જાણી થોડામાં ઘણું સમજી ગઈ. સૌ પ્રથમ તો નેહલને પોતે ઘરની પરિસ્થિતિ માટે જવાબદાર નથી એવું સમજાવતા જ પંદરેક દિવસ લાગ્યા. ત્યારબાદ નેહલ પોતે આર્થિક રીતે સ્વતંત્ર છે. હજુ યુવાન છે. જાત માટે જીવી શકે છે. પોતાના ભવિષ્ય અંગે વિચારી શકે છે એ પ્રકારના કંઈક કેટલા કાઉન્સિલિંગ સેશન કર્યા બાદ નેહલની અંદર એક નવી જ નેહલનો સંચાર કરવામાં એ સફળ રહી. થોડા વધુ દિવસો, વધુ હિંમતના ડોઝ અને અંતે એ દિવસ આવ્યો જ્યારે સુરભી સંગાથે પોતાનો સામાન ભરી માત્ર એટલું જ કહી ને એ ચાલી નીકળી કે, મારી જવાબદારી અહીં પૂર્ણ થાય છે. એની મકક્મ, ટટ્ટાર પીઠને એક જર્જરિત, સ્વાર્થી પરિવાર એકીટશે જોઈ રહ્યો.