લાડકી

તારી ‘ના’ એટલી જ અગત્યની છે જેટલી તારી ‘હા’ હતી!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમે કોઈનું દિલ તોડ્યું હોય છતાંય એ વ્યક્તિ તમારું સારું ઇચ્છતી હોય એવું શક્ય છે? તમારા વર્તન થકી તમે કોઈને હર્ટ કર્યા છે પણ તોય એ વ્યક્તિ તમને નફરત કરવાના બદલે સતત તમારી કેર કરતી હોય એવું બની શકે? જો હા, તો શું કરવું જોઈએ? તિરસ્કાર, ઘૃણા કે નફરતને યોગ્ય આપણી જાત પર એ સતત અમીવર્ષા કરે તો એ સંબંધને શું નામ આપી શકાય?

પ્રેમ એ ઈશ્ર્વરીય દેણ છે. જે દરેકના નસીબમાં નથી હોતી. બે હૃદય એક થઈને એકબીજા માટે ધડકતા હોય છે. એ ધબકારમાં પ્રિયજનનું નામ ગુંજતું હોય છે. ત્યાં હાથ રાખતાની સાથે જ એ કર્ણપ્રિય ધૂન આપણા કાનના રસ્તેથી મગજના છેલ્લા કોષ સુધી પહોંચતી હોય છે. ઊંઘી ગયા પછી પણ અર્ધજાગ્રત અવસ્થામાં એ પ્રિયજનની યાદો વણાયેલી હોય છે. દિવસો, મહિનાઓ કે વર્ષો સુધીનો એ સાથ એટલો આહલાદક હોય છે કે એ સમયે આપણું અસ્તિત્વ એનામાં જ જાણે વિલીન થઈ ગયું હોય એવો આભાસ થવા લાગે છે. જેના વગર જીવી જ નહીં શકાય એ સ્ટેજ સુધી આવી જવાતું હોય છે. એને કંઈક થાય ને બોજ આપણા હૃદય પર અનુભવાય છે. બ્રહ્માંડનો એક એવો અણુ જે આપણામાં ભળીને વિલીન થતો હોય એવો અહેસાસ થવા લાગે છે. ચારેકોર એના નામની ગૂંજ અને એના ખ્યાલોથી હૈયું હરખની હેલીથી તરબતર થઈ ગયું હોય છે. એકબીજા સાથે આજીવન જોડાવાના વચનો પણ આપી દીધા હોય છે. ’તું નહીં તો હુંય નહીં’ વાળી લાઈનો ખબર નહીં કેટલી વાર બોલાતી હશે. પ્રેમ એક એવી લાગણી છે જેનાથી અન્ય તમામ લાગણીઓ પરિપૂર્ણ થતી ભાસે છે. છતાં પણ પ્રેમમાં પીડારૂપી કીડો કાયમ કેમ સળવળ્યાં કરતો હોય છે?

હવે મેઈન મુદ્દો શરૂ થાય છે. આટઆટલો પ્રેમ હોવા છતાંય એક પાત્ર અન્યને કેમ ડ્રોપ કરી દે છે? આમ કરવાથી શું સામું પાત્ર એને માફ કરી દેશે? એને તિરસ્કાર, ઘૃણા કે નફરત નહિ કરે? કરશે જ. કેમ નહીં કરે? જેની સાથે જાતને અનલોક કરીને શેરિંગનો વ્યવહાર હતો એ આમ અચાનક અલવિદા કહી દે તો દુ:ખ થાય જ. ગુસ્સો પણ આવે, નફરત પણ પેદા થાય. ૯૯ ટકા કિસ્સામાં આ બધું જ શક્ય છે કારણ કે પ્રેમ માત્ર ને માત્ર ખુશી જ આપે છે એવું નથી. એ ક્યારેક પાર વગરની પીડાનું પોટલું ખોલીને પણ બેસી જાય છે. જો પ્રેમમાં પડીશું તો પીડા અને ખુશી બંને લાગણી મળશે. એ બંનેને સ્વીકારવાની હિંમત અને તાકાત હોય તો જ આગળ વધવું. આ બંનેનો સ્વીકાર કરી શકવાની ત્રેવડ હોય તો જ એ તરફ ડગ ભરવા. આનંદ અને ક્યારેક અકળામણ આ બંનેનો પર્યાય છે પ્રેમ અને આ બંનેનો વિરુદ્ધાર્થી છે પ્રેમમાં ન પડવું તે. બાકી કોઈ એક સિલેક્ટ કરી શકીએ એવો ઑપ્શન પ્રેમમાં છે જ નહીં.

પણ રેરેસ્ટ લોકો એવાય હોય છે જેનું દિલ તૂટ્યા પછીય એના માટે એનું પ્રિયજન એટલું જ ખાસ રહે છે એટલું પહેલાં હતું. આ ખાસ પ્રકારના વ્યક્તિ માટે માત્ર પ્રિયજનનો સાથ માત્ર ફિઝિકલી છૂટે છે, ઇમોશનલી બોન્ડિંગ ક્યારેય છૂટતું નથી. એની લાગણીનો અસ્ખલિત પ્રવાહ કાયમ એટલો જ વહે છે જેટલો પહેલાં વહેતો હતો. એની કેર એટલી જ થાય છે જેટલી પહેલાં થતી હતી. એના માટેની પ્રાર્થના અને શુભકામનાઓ પણ એટલી જ ઇચ્છવામાં આવે છે જેટલી પહેલાં ઇચ્છાતી હતી. ભલેને સામી વ્યક્તિએ એને ડ્રોપ કરી હોય, બહાનાબાજી કરીને સાથ છોડ્યો હોય, પણ આવી અપવાદરૂપ વ્યક્તિઓ કોઈપણ સંજોગોમાં એના પ્રિયજનને નફરત કરી શકતી નથી. એના નિર્ણયને એટલો સ્વીકારી શકે છે જેટલા એના અસ્તિત્વને…

ઘણીવાર એવો વિચાર આવે કે ક્યાંથી આવે છે આટલી હિંમત…! કુદરતે નવરાશમાં આવી વ્યક્તિને કંડારી હોય શકે જેની કલ્પના સામાન્ય માણસ કરી જ ન શકે. અરે ખાલી મેસેજના રિપ્લાય ન આપવાથી પણ ધૂંઆપૂંઆ થઈ જતું આજનું યંગ જનરેશન આટલું બ્રોડ હાર્ટ કેવી રીતે હોય શકે જે સામા માણસના દરેક નિર્ણયને સ્વીકારતું હોય. માત્ર સ્વીકારતું નહીં પણ સન્માન સાથે સ્વીકારતું હોય. રિલેશનના ધી એન્ડ પછી વર્ષો બાદ મળ્યાં હોય તોય નિખાલસતા અને સહજતાથી વાત કરી શકે છે. જે તે સમયે થયેલાં દુ:ખને એ જ ક્ષણે અલવિદા કહીને વર્તમાન જીવન બાબતે પૃચ્છા કરી શકે છે. એની પ્રગતિ જોઈને હૈયે ઠંડક અનુભવે છે. એના પાર્ટનર સાથેના પિકમાં લવ રિએક્ટ થઈ જાય છે. એના ફેમિલી પ્રત્યે પણ એટલો જ સ્નેહ હોય છે જેટલો એ વ્યક્તિ પ્રત્યે છે. એની આંખોમાં આંખ મિલાવી શકવાની ગજબની તાકાત હોય છે કારણ કે પોતાની કોઈ જ ભૂલ ન હોવા છતાંય પ્રિયજનના નિર્ણયને સ્વીકાર્યો હતો. કદાચ એના રાજીપા માટે થઈને, કદાચ એની સ્વતંત્રતા માટે કે પછી કદાચ એના માન ખાતર…

જે આંખોમાં તિરસ્કાર, નફરત કે દુ:ખની તકીર દેખાવી જોઈએ એ અહીં દેખાતી નથી. ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ર્ન ઉદભવે કે આ સંબંધને શું નામ આપી શકાય? પોતાના જીવથીય વ્હાલું એ અર્ધાંગ હજીએ આપણને એનું અર્ધાંગ જ માને છે એ વાત જાણીને આપણી હાલત કેવી થાય એની તો કલ્પના કરવી રહી. જાણે દુનિયાનું મોટામાં મોટું ખરાબ કૃત્ય થઈ ગયું હોય એવી ફિલિંગ આવવા લાગે છે. એના પગ પકડીને હૈયું ખાલી કરી દેવાની ઈચ્છા થઈ આવે છે પણ એ ઈચ્છા અંદર જ રહી જાય છે. કદાચ કાપો તો લોહીય ન નીકળે એવી હાલત થાય છે. એની આંખમાં આપણી આંખો મેળવી શકતા હોઈએ ને તો માનવું કે આપણા જેટલું સ્વાર્થી આ દુનિયામાં બીજું કોઈ નથી.

કારણ કે કોઈને આપેલા પ્રોમિસ તોડવા એ એના આત્મા પર પ્રહાર કરવા સમાન છે. આપણા વર્તન કે વચન થકી જેની લાગણી દુભાવી જોઈએ એ નથી દુભાતી તો સમજવું કે એ સંબંધ આત્મીય છે. આપણી પીછેહઠ પછી પણ એ વ્યક્તિ આપણી ફિકર કર્યા કરતી હોય, આપણી કાળજી રાખતી હોય તો એના માટે આપણે સઘળું જ હતાં. એને કશું જ ગુમાવ્યું નથી, પરંતુ આપણે કદાચ એ સઘળું ગુમાવ્યું છે જેના હકદાર આપણે એકમાત્ર હતાં. શરૂઆતમાં એ વ્યક્તિ આપણને મનાવવાના ઢગલો પ્રયાસ કરશે, પોતાનો વાંક કે ભૂલ શું છે એ શોધ્યા કરશે, એ ન મળવા છતાંય માફી માંગ્યા કરશે. એમ વિચારીને કે આપણે માની જઈશું. પણ જ્યારે એને સમજાઈ જાય કે અહીં કશો જ ફરક પડવાનો નથી એટલે એના તરફથી એ લાગણી જતાવવાનું બંધ કરી દેશે. જે થયું એમાં એનું નસીબ હશે એમ માનીને સ્વીકાર કરી મનોમન આપણા સારા ભવિષ્યની કામના કરશે. અને જ્યારે એ વ્યક્તિના આપણા પ્રત્યેના ભાવો જરાય બદલાયા નથી એની જાણ થતાં આજીવન એ પીડાથી કણસવું પડશે એ પાક્કું…

ક્લાઈમેક્સ: તને પ્રેમ કરીને સમજાઈ ગયું કે હવે તને નફરત કરી શકું એટલી હિંમત પણ નથી બચી…!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button