નારી શક્તિ જ છે, તો સશક્તિકરણની ચર્ચા કેમ કરવી પડે છે?
વિશેષ -કવિતા યાજ્ઞિક
ભારતમાં સ્ત્રીને શક્તિ તરીકે, માતા તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં એ સર્વવિદિત છે કે સ્ત્રીઓની સદીઓથી સ્થિતિ એવી નથી જેવી હોવી જોઈએ. જોકે, એક હકીકત એ પણ છે કે, આપણા સમાજમાં સ્ત્રીને બીજા દરજ્જાના નાગરિક જેવી ગણવાનું ધોરણ પહેલેથી જ નહોતું. આપણા પુરાંત શાસ્ત્રોમાં નારી મહિમા ન માત્ર ગવાયો છે, પરંતુ ઠેરઠેર તેના જીવંત ઉદાહરણો પણ જોવા મળે છે.
ઋગ્વેદિક યુગમાં સ્ત્રીઓની સ્થિતિ આદરણીય હતી. તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર હતો. ઋષિ પુરુષો જેટલીજ વિદુષી ઋષિ નારીઓની ઇતિહાસ આપણી પાસે છે જ. ક્ષત્રિય સમાજમાં સ્વયંવર પરંપરા પ્રચલિત હતી, ક્ધયાને જીવનસાથી પસંદ કરવાની વિશેષ સ્વતંત્રતા હતી. અર્થાત કે તેને પોતાના નિર્ણયો સ્વયં લેવાની સ્વતંત્રતા હતી અને એ તેને કોઈએ કાયદો બનાવીને આપેલી નહોતી, એ તેનો સ્વયંનો અધિકાર ગણાયો હતો. આ યુગમાં દહેજ પ્રથા પ્રચલિત નહોતી. સમાજ પિતૃસત્તાક હતો. આ કારણથી વંશ ચાલુ રાખવા માટે પુત્રનો જન્મ પણ જરૂરી માનવામાં આવતો હતો. પરંતુ પુત્રી જન્મને અશુભ મનાયો નહોતો અને તેનું ગૌરવ ગાન કરાતું હતું. સીતા અને દ્રૌપદી તેના ઉદાહરણો છે કે કઈ રીતે પુત્રીઓનો ઉછેર કરવામાં આવતો હતો. વિધવા પુનર્લગ્ન ચોક્કસ સંજોગોમાં સ્વીકારવામાં આવ્યા હતા. સતી થવું એ પ્રથા નહોતી કે તેનું પ્રચલન પણ નહોતું, તે સ્ત્રીનો પોતાનો નિર્ણય હતો.
પરંતુ, એ જ મહાકાવ્ય સમયગાળામાં સમાજ અને કુટુંબ બંનેમાં મહિલાઓની સ્થિતિમાં પતન જોવા મળ્યું. મહાભારતનું ઉદાહરણ આપણા સૌની સામે છે. જેમાં દ્રૌપદીને જુગારની રમતમાં દાવ પર લગાવવામાં આવી હતી. ઉપરોક્ત ઉદાહરણો દ્વારા આપણે ફક્ત ઉચ્ચ વર્ગની સ્ત્રીઓની સામાજિક સ્થિતિથી વાકેફ થઈએ છીએ. સમાજની સામાન્ય મહિલાઓની શું હાલત હશે તેની માહિતી આપણે મેળવી શકતા નથી.
ભારતમાં મુસ્લિમ આક્રમણકારોના આગમન પછી મહિલાઓની સ્થિતિમાં ભારે તફાવત આવ્યો હતો. આ સમયગાળામાં કેટલાક ઉદાહરણો પણ જોવા મળે છે જે મહિલા સશક્તિકરણના પ્રતિક છે. આ સમયગાળા દરમિયાન રાજકીય અને સામાજિક સ્તરે મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત જણાય છે. સલ્તનત સમયગાળા દરમિયાન પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન હતી. જે સ્ત્રી શક્તિ અને બહાદુરીનું પ્રતિક હતી, પરંતુ પુરુષ વર્ચસ્વ તેને અહીં પણ સ્વીકારી શક્યું નહીં. તે માત્ર ટૂંકા ગાળા માટે જ શાસન કરી શકી હતી. શિક્ષિત સ્ત્રીનું ઉદાહરણ ગુલબદન બેગમના રૂપમાં જોઈ શકાય છે, જે હુમાયુની બહેન હતી, જેણે હુમાયુ-નામા લખી હતી. જહાંઆરા, નૂરજહાં, મુમતાઝ, ચાંદબીબી, તારાબાઈ, અહલ્યાબાઈ હોલકર, જીજાબાઈ, ઝેબુન્નિસા વગેરે જેવી સ્ત્રીઓનો જન્મ આ સમયગાળામાં થયો હતો. આ એ નારીઓ હતી જેમણે રૂઢિગત પરંપરાથી ઉફરા જઈને વ્યક્તિગત અને સામાજિક ક્ષેત્રે સશક્ત કાર્ય કરી બતાવ્યું. તેમણે સાબિત કર્યું કે સ્ત્રી અબળા ક્યારેય હતી જ નહીં. પણ આ એ જ સમયગાળો છે જે દરમિયાન, સમાજની સામાન્ય મહિલાઓની સ્થિતિ વિપરીત થઇ રહી હતી. પરદા પ્રથા, લગ્નની ઓછી ઉંમર, શિક્ષણ ન મેળવી શકવું, આ બધાને કારણે સ્ત્રીઓની સ્થિતિ બગડવા લાગી હતી.
બ્રિટિશ કાળમાં સ્ત્રીઓની સ્થિતિ સર્વકાલીન નિમ્ન હતી. પરદા પ્રથા, દેવદાસી પ્રથા, સતી પ્રથા જેવા સામાજિક દુષણો પ્રચલિત હતા. બ્રિટિશ સરકાર અને રાજારામ મોહન રોય, ઈશ્વરચંદ્ર વિદ્યા સાગર અને જ્યોતિબા રાવ ફુલે જેવા ભારતીય સમાજ સુધારકોએ પણ આ દુષણોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પંડિતા રમાબાઈ, તારાબાઈ શિંદે જેવા મહિલા સમાજ સુધારકોએ પણ આ સામાજિક સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને તેમના માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરીને તેમને સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ કાર્ય કર્યું. તેમ છતાં શિક્ષણનો અભાવ અને પુરુષોના મનમાં ઠસાવી દેવાયેલ ભાવનાઓને કારણે તેને સમાજમાં જોઈએ તેવો આવકાર કે સ્વીકાર મળતો નહોતો.
ભારતમાં અંગ્રેજોના આગમન પછીના સમયને ‘વસાહતી કાળ’ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓએ આઝાદીની ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પરિષદોમાં ભાગ લેવા માટે વપરાય છે. ગાંધીજીની સાથે આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહિલાઓમાં સરોજિની નાયડુ, પ્રભાવતી દેવી, કસ્તુરબા ગાંધી, કમલા નેહરુ, લતિકા ઘોષ, નલિની, સેનગુપ્તા, કેપ્ટન લક્ષ્મી સાંહગલ અને અરુણા અસફ અલીની ભૂમિકા મહત્વની છે. પણ ફરીથી વાત એ જ છે કે, કેટલાક નાનકડા સમૂહમાં પુરુષોના માનસ પરિવર્તન સાથે, સ્ત્રીઓના શિક્ષણ સાથે, સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં થોડું પરિવર્તન ભલે આવ્યું હોય, પરંતુ જમીન પર લાખો, કરોડો સ્ત્રીઓની સ્થિતિમાં ખરેખર કોઈ પરિવર્તન નજરે પડતું હતું ખરું? પુરુષ પ્રધાન વ્યવસ્થામાં સ્ત્રીઓના શિક્ષણ અને તેના પગભર થવાની જ સમસ્યા નહોતી, દહેજ, સ્ત્રીભ્રૂણ હત્યા, બળાત્કાર, સામાજિક-રાજકીય ક્ષેત્રે લગભગ શૂન્ય કહી શકાય તેવું પ્રતિનિધિત્વ, વગેરે સમસ્યાઓ હજી વિકરાળ હતી જ અને મહદંશે આજે પણ આપણે તેમાં બહુ મોટું પરિવર્તન આવ્યું તેમ કહી શકવાની સ્થિતિમાં છીએ કે નહિ, તે એક મોટો પ્રશ્ર્ન છે.