લાડકી

જેના વગર સઘળું સૂમસામ છે એ સંબંધમાં સંજીવની બનીએ…!

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

રિલેશનશિપમાં વ્યક્તિને સૌથી વધુ તકલીફ ક્યારે થાય છે? વધારે પડતું પેઈન માણસ ક્યારે ફિલ કરે છે? સંબંધને ચારેકોરથી સાચવીને રાખ્યા બાદ પણ માણસ ક્યારે હારે છે? સંબંધનો થાક એને ક્યારે પીડા આપવા લાગે છે?

કદાચ એ રિલેશન તૂટે ત્યારે? બિલકુલ નહીં. આનાથી પણ ક્યાંય વધુ તકલીફ ત્યારે થાય છે જ્યારે સંબંધ ડગમગી રહ્યો હોવાની જાણ હોય અને એને બચાવવા માટે સામેવાળાની પહેલની રાહ જોતાં હોઈએ. આપણું ગમતું પાત્ર પહેલ કરશે, એ સામેથી દોડીને ગળે વળગાડશે, એ પ્રિયજન આવીને જોરથી ભેટી પડશે. આવું કેટકેટલુંય મનમાં વિચારીને રાખ્યું હોય અને એ પ્રમાણે ન થાય ત્યારે અનહદ દુ:ખ લાગે છે. પણ આપણે ક્યારેય એ વિચાર્યું કે આપણું પ્રિયજન પણ આપણે જે એની પાસેથી ઇચ્છીએ છીએ એ આપણી પાસેથી ઇચ્છતું હોય તો? એના મનમાં પણ સેમ વિચારો આવતા હોય જે આપણા મનમાં આવી રહ્યાં છે? આપણે માત્ર આપણી જાતનું અહીં વિચારીએ છીએ. પણ જેને આપણે જીવથીય વિશેષ માનતા હોઈએ એના તરફથી વિચારવાનું ભૂલી જતા હોઈએ છીએ.

ખરેખર કેટલાંક સંબંધો પહેલ કરવાના અભાવમાં તૂટતાં હોય છે. અને જ્યારે રિયલાઈઝ થાય ત્યારે બહુ મોડું થઈ ગયેલું હોય છે. ‘હું શું કામ સામેથી એને કોલ કરું?’, ‘મારે થોડી એની ગરજ છે?’, ‘જો એને મારી ફિકર હશે તો સામેથી પૂછશે.’, ‘કાયમ હું જ સામેથી મેસેજ કરું, એને મારી જરૂર હશે તો દોડીને આવશે.’, ‘હું ઈચ્છું છું કે આ વખતે એ સોરી બોલે, યાર મારી પણ કોઈ વેલ્યુ હોય ને?’, ‘આ વખતે હું જરાય ઢીલી/ઢીલો નથી પડવાની/પડવાનો.’, ‘બસ, બહુ થઈ ગયું, પ્રેમ હશે એને તો એ મનાવશે નહીંતર કાંઈ નહીં.’ આવી અનેકાનેક ઈચ્છાઓ મનમાં રાખીને આપણે સંબંધમાં સામા પક્ષની પહેલ ઇચ્છતા હોઈએ છીએ. અને એ તરફથી પણ પહેલના અભાવે સંબંધ મરી જવાની કગાર પર આવી જાય છે. આવી સ્થિતિમાં સંબંધને બચાવવા માટે કોઈ એક પક્ષે માત્ર પહેલની જ જરૂર છે. આપણું પ્રિયજન શુ પ્રતિભાવ આપશે એ વિચાર્યા વગર એક નાનકડી શરૂઆતની જરૂર હોય છે. જેટલો સમય આપણે રિલેશનશિપમાં રહ્યાં હોય એના માન માટે થઈને એકાદ કોલ કે મેસેજની જરૂર હોય છે. એ કોલ, મેસેજ કે મુલાકાત સંબંધમાં સંજીવનીનું કામ કરી જાય છે.

‘તું ઠીક છે ને?’ માત્ર પાંચ અક્ષરનું આ વાક્ય વેન્ટિલેટર પાર આવી ગયેલ સંબંધમાં નવો પ્રાણ ફૂંકવા સક્ષમ છે. કદાચ એમ પણ બને કે આ પાંચ અક્ષરો જ આપણા પ્રેમનું કબૂલાતનામું બની જાય…! જે પીડામાં આપણે દિવસો અને મહિનાઓ કાઢી નાખ્યા, એ પીડા પર મલમ એટલે આ પાંચ અક્ષરો… જે રાહ જોવામાં અન્ય સઘળું ભૂલાતું રહ્યું, એ રાહનો અંત એટલે આ પાંચ અક્ષરો… જે પ્રેમ માટે થઈને અત્યારે અક્કડ વલણ દાખવી રહ્યાં છીએ, એ અક્કડતાનું પડી ભાંગવું એટલે આ પાંચ અક્ષરો… જાતને ખપાવી નાખવાની વાતો કરતાં હતાં, એ પ્રેમનું પરમેનન્ટ એફિડેવિટ એટલે આ પાંચ અક્ષરો… ‘આઈ લવ યુ’ થી પણ ક્યાંય વધુ રાહત આપનાર, હોર્મોન્સનું બેલેન્સ વેરવિખેર કરી નાખનાર છે આ પાંચ અક્ષરો… આ માત્ર પાંચ અક્ષરો જ નથી, પણ આપણા જીવનમાં વગર પરમિશને ઘૂંસીને, ત્યાં અડ્ડો જમાવીને બેઠેલા પ્રિયજનની આપણા પ્રત્યેના સમર્પણની એક એવી સાબિતી છે જે સાયલેન્ટલી કહે છે કે, ‘તું ઠીક હોય એ મારી પહેલી પ્રાથમિકતા છે અને તને ઠીક રાખવા માટે હું એક કાફી છું.’

પણ આપણે તો રહ્યાં જિદ્દી અને ડઠ્ઠર. એટલે એ પાંચ અક્ષરો ગળા સુધી આવ્યા પછીય અંદર ગળી જઈને ફરીથી અપેક્ષાઓનું પોટલું તૈયાર કરીને બેસી જઈએ છીએ. કદાચ એવા છૂપા ડર સાથે કે પહેલ કરવા છતાંય આપણું ગમતું પાત્ર પીછેહઠ માટે તૈયાર રહેશે તો? તો શું, અનહદ તકલીફ થશે, દુ:ખ લાગશે, અફસોસ થશે કે ખોટા માણસ પાસે લાગણીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ સમય જતાં એ વાતનો બેહદ સંતોષ થશે કે એટલિસ્ટ આપણે એક ચાન્સ તો આપ્યો, આપણે એક પ્રયાસ તો કરી જોયો. છોડને માત્ર પાણીની જ જરૂર નથી હોતી. પાણીની સાથોસાથ પુષ્કળ માવજત સાથે ઉછરીને ઘટાટોપ વૃક્ષ બને છે. એમ સંબંધમાં માત્ર પ્રેમ જ નહીં, એકબીજા પ્રત્યેની લાગણીથી એ સંબંધ મજબૂત બને છે. જે પાત્ર વધુ લાગણીશીલ હશે એ નમશે, જે પાત્ર સામેની વ્યક્તિને ખોવા ન ઇચ્છતું હોય એ ઝૂકશે, જે પાત્ર માટે સંબંધ સૌથી વધુ અગત્યનો હશે એ પહેલ કરશે. એટલે રુઠ્યા પછી મનાવવાની શરૂઆત કરનાર, અબોલાના અંત માટેની પહેલ કરનાર, સોરી બોલીને સઘળું જતું કરનાર, આપણી હરપળે ચિંતા કરનાર, આપણા સારા માટે વિચારનાર, આપણી કુટેવને છોડાવવા બધું જ કરી છૂટનાર અને છતાંય આપણામાં કોઈ ફેર ન પડે તોય સાથ ન છોડનાર વ્યક્તિ પાસે તમામ જીદ અને ગુસ્સાનો ત્યાગ કરીને, નવેસરથી શુભ શરૂઆત કરવી જોઈએ.

એટલે ડગુમગુ થતો સંબંધ અને એમાં સામું માણસ આવીને દોડીને ગળે વળગાડી લેશે એમ વિચારતા જ રહી જઈએ એના કરતાં ક્યાંય બેટર છે કે આપણે સામેથી જ જઈને એને ભેટી પડીએ. કેટકેટલીય ફરિયાદો જે મનમાં ભરેલી છે એ આંસુરૂપે એના ખભે વહાવી દઈએ. વિના કારણે જેની સાથે કલાકો વાતો કરતાં હતાં એ વ્યક્તિ સાથે વાત કરવા માટેનું બહાનું શોધવું પડે અને છતાંય રિસ્પોન્સ ન મળે. તો સંબંધમાં એનાથી વિશેષ અધોગતિ અન્ય મોટી અન્ય કોઈ ન હોય શકે. એ સમય ન આવે એ માટે થઈને સમજદાર માણસે સંબંધને ફરી બેઠો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એમાં પ્રાણ ફૂંકીને સજીવન કરવાનું શ્રેય ઈશ્ર્વર દરેકના ભાગે નથી લખતો. એ તો નસીબદાર હોય એના ભાગે જ સંબંધ સજીવન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ હુન્નર છે, કળા છે જેમાં લાગણીશીલ માણસ જીતી જાય છે.

અને કદાચ સુધારવાની કોશિશ કર્યા બાદ પણ હારી જઈએ તો આત્મસંતોષ સાથે જીવવાની મજા આવશે કે આપણા પક્ષે તો પહેલ થઈ જ હતી. ભૂલ થયા બદલ સુધારવાની કોશિશ આપણે કરી જ હતી. એટલે આજીવન પીડાતા રહેવા કરતાં બેટર છે કે એકવાર એ અતિ ગમતી વ્યક્તિને મળીને માફી માંગી લેવી કે આપી દેવી. સામેથી કોલ મેસેજની રાહ જોયા વગર આપણે જ એકવાર કોલ મેસેજ કરી લેવો. બની શકે કે ચાર આંખો ભેગી થઈને હૈયાનો ભાર ઓછો કરી લે. પર્સનલ ઈગો અને મોટપને સાઈડમાં રાખી થોડીવાર માટે એ જ વ્યક્તિની છબી નજર સામે લાવીને વિચારવાનું કે, ‘એ માણસ મારા માટે મહત્ત્વનો છે કે મારો ઈગો.’ બસ, તો પછી બધું જ ભૂલીને પ્રિયજનના ખોળે ખાલી થવામાં સહેજ પણ વિચાર ન કરવો જોઈએ.

ક્લાઈમેક્સ:
હાર તો મારી ત્યારે જ થઈ હતી જ્યારે તને મળી હતી એટલે તારી પીછેહઠની પીડાનો તો સવાલ જ નથી…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button