લગ્ન પહેલાં પત્નીનો જવાબ…
ધાર્યું ધણીનું થાય એ ઉક્તિ મને જરાપણ પસંદ નથી. હું છેક ઉપરવાળા ધણી અને બીજા ઘરવાળા ધણી એટલે કે બંને ઉપર સોએ સો ટકા વિશ્ર્વાસ રાખવાવાળી બિચારી અબળા નારી નથી
લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી
વ્હાલા….
સંબોધન બાદ ખાલી જગ્યા રાખી છે. તમારે એમાં જે નામ-ઉપનામ મૂકવું હોય તે મૂકી લેશો, કારણ કે તમારા પ્રથમ પત્રથી મને ખ્યાલ આવી ગયો છે કે તમને કાગળ અને શ્યાહીનો બગાડ ગમતો નથી. તમારો પત્ર પત્ર નહીં, પણ ગમાઅણગમાની યાદી જેવો વધુ લાગ્યો. તમે મારા પિયરનું નામ ભૂમિતિમાંથી કેમિસ્ટ્રી પાડી દીધું તેમ મને પણ તમારું નામ બદલવાનું મન થયું છે, પણ હજુ તમે વધારે સંપર્કમાં આવો અને તમારું અસલ રૂપ ખબર પડે પછી જ તમારું ઉપનામ સુપેરે નક્કી કરી શકું.
તમારી શ્રવણેન્દ્રીય ઉપર મને શંકા જેવું છે અથવા તો વચ્ચે રહેલા કારભારીએ કંઈક દાટ વાળ્યો હોય એમ લાગે છે. મારો વિષય કેમિસ્ટ્રી નથી કે નથી ભૂમિતિ. મેં ગુજરાતી સાથે એમ.એ.બી.એડ. કર્યું છે એટલે મારી સાથે ટ્યુશન કરવાનું તમે જે સપનું જોયું છે તે કાળરાત્રીનું દુ:ખદ સ્વપ્ન સમજીને ભૂલી જવું.
મને આશા છે કે, મારી લખેલી કવિતા કોઈ સાંભળે કે ન સાંભળે, પણ તમે ધ્યાનથી સાંભળીને ખરા અર્થમાં પતિ ધર્મને ઉજાળશો જ.
તમે મોસ્ટ આઈ.એમ.પી. રૂપે કેટલાંક સૂચનો પત્રમાં લખેલાં ને અંડરલાઈન પણ કરેલી. એ જોઈને ‘પતિ કરતાં પત્ની સવાઈ’ એ ઉક્તિને સાર્થક કરવાં કેટલીક જીવન અંગેની મોસ્ટ મોસ્ટ આઈ.એમ.પી. અન્ડરલાઇન કરી મોકલું છું. તમારે પણ કેટલાક નિયમ પાળવા પડશે. તમારી જેમ જ હું પણ મારા ગમા-અણગમા લખવાની તક ચૂકીશ નહીં. રામ પાછળ સીતા વનમાં એમને રસ્તે ચાલી હતી એમ હું પણ તમારે જ રસ્તે ચાલવા માગું છું. (કેમિસ્ટ્રી ભલે રિપીટ થાય.)
ગમઅણગમાનું લિસ્ટ ધ્યાનથી વાંચી ઘટતું કરવું…
૧) હું ટ્યુશન કરવામાં માનતી નથી. હું માત્ર કવિતા જ કરીશ અને એ સાંભળવાની તેમ જ બચાવવાની શક્તિ લગ્ન પહેલાં ભેગી કરી રાખશો.
૨) તમે લખેલું હતું કે, લગ્ન ધામધૂમથી ન કરીને જે પૈસા બચે એની એફ.ડી. કરવી અને ક્ધયાદાન કે કરિયાવરમાં ભેટસોગાદ નહીં, પણ ચેક કે રોકડ રકમ જ લેવી તો એના જવાબમાં સખેદ જણાવવાનું કે, મારા પપ્પા દેવામાં ગળાડૂબ છે. બેંકમાંથી લોન લઈને જમણવાર કરવાના છીએ એટલે ક્ધયાદાનમાં જે પૈસા આવશે તે બેંકની લોનના હપ્તારૂપે ભરીશું.
અર્ધાંગિનીના અડધા અંગને કહોવાતું બચાવવામાં તમે મારી પડખે ઊભા રહેશો જ એની મને ખાતરી છે. મેં તો તમારા વતી મારા પિયરમાં સૌને કહી દીધું છે કે, તમારા જમાઈ ઉત્તમ ઉમદા શિક્ષક અને તમારા સવાયા દીકરા સમાન છે. એ સાસરિયાના દુ:ખમાં હંમેશાં આગળ રહેશે. તમારા પરગજુ સ્વભાવનો મેં પરિચય આપી દીધો છે. એક ઉમદા શિક્ષક પાસે આનાથી વધારે અપેક્ષા બીજી શી હોઈ શકે? માટે તમે તમારા ટ્યુશન વધારી દેજો, જેથી મારા પપ્પાની લોન જલદી ભરી શકો.
૩) તમે લખ્યું હતું કે, તારા પપ્પાનો બિઝનેસ ધમધોકાર ચાલતો હશે, પણ ‘પીળું એટલું સોનું નહીં.’ દીકરીના લગ્ન માટે ગરીબ બાપે નછૂટકે કારસા ઘડવા પડે છે માટે ‘જે જે નથી તે તે છે અને જે જે છે તે તે નથી.’ વિજ્ઞાનના શિક્ષક છો એટલે ‘લાકડાનો લાડુ એટલે શું?’ એ વહેલું સમજી જશો અને મન પર કાબૂ પ્રાપ્ત કરી લેશો. વિજ્ઞાનના શિક્ષકનો આજ તો ફાયદો!
૪) વિજ્ઞાન અને ગુજરાતી ભલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ સમાન છે, પણ બે વિરુદ્ધ ધ્રુવ વચ્ચે હંમેશાં આકર્ષણ રહે જ છે. આશા છે કે આ આકર્ષણ નાના-મોટા ખટરાગ વચ્ચે પણ ટકેલું રહે.
૫) તમને ફિલ્મ, બાગબગીચા, ખાનપાન, નાટકચેટક, પ્રવાસ, હનીમૂન વગેરેમાં રસ નથી, પણ હું સુખચેન અને નાટકચેટકનાં રસિક સોપાનો સર કરવામાં માનું છું. જેમ મીરાંની લાજ કૃષ્ણના હાથમાં હતી તેમ મારા તમામ સુખ-દુ:ખમાં તમે જ મારા કૃષ્ણ અને તમે જ મારા રામ.
અંતે, ‘પતિ મોરે અવગુણ ચિત્ત ન ધરો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો.’
મેં તમને કૃષ્ણ અને રામને તોલે મૂક્યા છે, એટલે તમે તમારા આ ઉત્તમ વિશેષણો અને ગુણોને ધ્યાનમાં રાખીને મારી કવિતાસર્જન પ્રક્રિયા, મારી રસિકતા તેમજ શોખને સંવર્ધક વાતાવરણ તેમજ બળ પૂરું પાડી તમારી નીતિમત્તા અને ઉદારતાને ઉચ્ચકક્ષાએ અવશ્ય લઈ જશો.
એમ પણ ધાર્યું ધણીનું થાય એ ઉક્તિ મને જરાપણ પસંદ નથી. હું છેક ઉપરવાળા ધણી અને બીજા ઘરવાળા ધણી એટલે કે બંને ઉપર સોએ સો ટકા વિશ્ર્વાસ રાખવાવાળી બિચારી અબળા નારી નથી. તમે વિજ્ઞાન ભણેલા છો પણ હું વિજ્ઞાન ગણેલી છું. તમે પ્લાનર છો તો હું એની આયોજક તેમ જ સંચાલક છું. જેમ તમારી વૈજ્ઞાનિક વાતો સાંભળીને હું મ્હોં બગાડીશ નહિ તેમ તમે મારી ગમે તેવી (ફાલતુમાં ફાલતુ) કવિતા સાંભળીને પણ બગાસાં ખાશો નહિ કે પછી ભૂલમાં પણ મારી કવિતાનો સાચો કે ખોટો અર્થ જાણવાની કોશિશ કરશો નહિ. તમને એમ પણ ગુજરાતી વિષયવાળી શિક્ષિકા ઉપર અહોભાવ નથી માટે હું ટ્યુશન કે પછી નોકરી સુધ્ધાં કરવાની નથી. હા, તમે જે કમાશો એ મૂડીનું મેનેજમેન્ટ હું બરાબર પ્લાનિંગ કરીને યોગ્ય ઠેકાણે ઠેકાણે પાડીશ. તમારા પત્ર પરથી તમે પુષ્કળ કરકસરિયા હો એમ લાગે છે એટલે તમે એક વાત નહિ જાણતા હો તો જણાવી દઉં કે જેટલી લક્ષ્મી વાપરશો એટલી લક્ષ્મી વધુ આવશે અને ઘરની લક્ષ્મી (ધર્મપત્ની) જેટલી સાચવશો (ખુશ રાખશો) એટલી ઘરની તેમજ તમારા તન-મન-ધનની જાહોજલાલીમાં ચારચાંદ લાગી જશે. (ઉપરોક્ત મારી શિખામણો અને મોસ્ટ આઈએમપી જેવાં સૂચનોના હું કોઈ ચાર્જ લઈશ નહિ.
(પહેલીવાર છે એટલે ફ્રીમાં આપું છું. હવે
પછીથી ચાર્જ લાગશે.)
લિ.
તમારી ખાલી જગ્યા પૂરો.