‘તમને કેટલી વાર કિચનમાં આવવાની ના પાડી છે છતાં તમે માનતા જ નથી. એકની એક વાત તમને કેટલી વાર કહેવાની અક્કલ છે કે નહીં?’ રોશનીએ ગુસ્સો કર્યો.
‘અરે, પણ હું તો ચા બનાવવા આવી હતી. મારે અને તારા બાપુજીને ચા પીવી હતી એટલે…’
‘એક વાર તો ચા પીધી સવારમાં હવે ઘડી ઘડી શું છે?’
‘અમને બંનેને સવારમાં બે વાર ચા પીવાની ટેવ છે. સવારે ઊઠીને તરત અને પછી નાહી-ધોઈને નાસ્તા સાથે. ગામના ઘરે અમે રોજ બે વાર ચા પીતાં હતાં.’ ઉષાબહેને કહ્યું.
‘ગામની વાત ગામમાં ગઈ. અહીં મુંબઈમાં એવું બધું ન ચાલે. જુઓ, અમે બધાં પણ એક જ વાર ચા પીએ છીએ.’
રોશની મોટા અવાજે બોલી. આવી વાત સાંભળીને ઉષાબહેનની આંખે આંસુનાં તોરણ બંધાયાં. રૂમમાં આવીને પલંગ પર આડા પડેલા પતિ સામે એ ઓશિયાળી નજરે જોઈ રહ્યાં. પતિ પડખું ફરી ગયા.
હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે ઉષાબહેનને રસોડામાં પાણી પીવા જવું હોય તોપણ ડર લાગતો. રોશની દરેક વાતમાં ટકટક કર્યા કરતી. ઉષાબહેનની બદલે જાણે પોતે સાસુ જ હોય!
ઉષાકાન્તભાઈ આ બધું જોતા હતા, પણ કશું બોલતા ન હતા. એમને લાગતું હતું કે બોલવાથી ઝઘડો થશે અને નાહક ઘરની શાંતિ ડહોળાઈ જશે. ઉષાકાન્તભાઈ સવારે – બજારે જઈને શાકભાજી, ફ્રૂટ, દૂઘ અને નાસ્તાની વિવિધ આઈટમ લઈ આવતા એ પણ પોતાના ખિસ્સાના પૈસાથી. રોશની કહેતી, પપ્પા, તમે આ બધું લઈ આવજો… પછી પૈસા આપી દઈશ, પણ એ ‘પછી’ કયારેય આવતી જ નહીં. રોશની પૈસા આપવાનું નામ ન લેતી. પપ્પા પૈસા વાપરતા હતા એટલે એનું સારું બોલતી અને ઉષાબહેનને સંભળાવતી, ‘પપ્પા કેટલા સમજુ છે, તેમની પાસેથી કાંઈક શીખો.’
ઉષાકાન્તભાઈ અને ઉષાબહેન ગામમાં શાંતિથી રહેતાં હતાં. રસેશ એમનો એકમાત્ર દીકરો. તો ભણાવી ગણાવીને એને એન્જિનિયર બનાવ્યો. મુંબઈ સારી નોકરી મળી. પોતાને ગમતી છોકરી સાથે લગ્ન કર્યાં અને લોન લઈને એક બેડરૂમનું ઘર લીધું. એક દીકરી જન્મી. હવે રોશનીને લાગતું હતું કે આ ઘર નાનું પડે છે. મોટું ઘર લેવાની જરૂર છે, પણ હમણાં વધુ લોન લેવાની શક્યતા ન હતી. તેથી એ બંનેએ ગામ જઈને માતા-પિતાને વાત કરવાનું નક્કી કર્યું. બંને પોતાની દીકરીને લઈને ગામ ગયા. જઈને મા-બાપને પગે લાગ્યાં. દીકરા રસેશે કહ્યું: ‘પપ્પા- મમ્મી, હવે તમે લોકો ૭૦ વર્ષનાં થયાં. કેટલાં વર્ષ એકલાં રહેશો? અમને પણ મુંબઈમાં તમારી ચિંતા થયા કરે છે.’
પતિની વાતમાં ટાપસી પુરાવતાં રોશની બોલી, ‘હવે, મમ્મીની પણ કાંઈ ઉંમર છે આવા ઢસરડા કરવાની? આટલા મોટા મકાનની દેખરેખ રાખવાની, રસોઈ કરવાની. હવે તો નિરાંતે ભગવાનનું નામ લેવાનો સમય છે.’
‘કોઈ વાર સાજા-માંદા થાવ તો એકલા તમે લોકો શું કરો?’ રસેશ કહેતો હતો.
‘પણ, અમારી બંનેની તબિયત હજુ સારી છે અને તારી મમ્મી પણ કામ કરી શકે છે અને મદદ કરવા શારદાબેન તો આવે જ છે ને?’ ઉષાકાન્તભાઈએ કહ્યું.
‘ના, પણ હવે અમનેય એમ થાય કે માતા-પિતાનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલાં વર્ષો એમની છત્રછાયા નીચે રહીએ. મારી દીકરીને પણ દાદા-દાદીનો પ્રેમ મળે.’ રસેશે વાતને આગળ વધારતાં કહ્યું: ‘મમ્મીને પણ પૌત્રી સાથે સમય પસાર કરવાનું ગમશે.’
‘પણ તારે ત્યાં ઘર નાનું છે. એક બેડરૂમના ઘરમાં બધાનો સમાવેશ ક્યાંથી થશે? અત્યાર સુધી ચૂપ બેઠેલાં ઉષાબહેન બોલ્યાં .
‘હા, એ મુશ્કેલી તો છે જ. હું વિચારું છું કે બે બેડરૂમનું ઘર લઈ લઈએ તો એક રૂમ તમને ફાળવી શકાય, પણ હમણાં સગવડ નથી. જો આ ઘર વેચી નાખીએ તો મુંબઈમાં મોટું ઘર લઈને સાથે રહી શકાય!’
આવી આવી વાતો કરીને આખરે પુત્ર-પુત્રવધૂએ માતા-પિતાને ગામનું ઘર વેચવા મનાવી લીધાં. ગામનું ખેતર વિશ્ર્વાસુ માણસને ખેડવા આપી દીધું અને મુંબઈ આવી ગયા. ઉષાકાન્તભાઈ શિક્ષક હતા તેથી રિટાયર્ડ થયા પછી પેન્શન પણ આવતું હતું. મુંબઈ આવ્યા પછી બે બેડરૂમમાં થોડો સમય તો ઠીક ચાલતું હતું, પણ પછી રોશનીનું અસ્સલ સ્વરૂપ પ્રગટ થવા માંડ્યું. બહારથી લાવવા-મૂકવાનું બધું કામ સસરા પાસે કરાવતી એમાં એમના જ પૈસા પણ વપરાતા. ઉષાબહેન સાથે વાતવાતમાં કચકચ કરતી. આ દંપતી ગામમાં મજેથી રહેતું હતું. સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક ખાવાનું ખાતા, મંદિરે જતા, ચાલવા જતા, ગામના લોકો મળવા આવતા, જ્યારે અહીં તો રૂમમાં પુરાઈ ગયા હતા. રોશની કચકચ કરે તેમાં રસેશ પણ સાથ પુરાવે: ‘શું મમ્મી, તું પણ નાની નાની વાતમાં રોશની સાથે ઝઘડા કરે છે.’
ઉષાબેન ચેંકી જતાં: ‘હું ઝઘડો કરું છું? હું તો કાંઈ બોલતી પણ નથી…’ એમાંય ઉષાકાન્તભાઈની ચુપ્પી ઉષાબેનને મુંઝવતી હતી.
એક દિવસ ઉષાબહેન રસોડામાં ગયાં અને મિક્સચરમાં કોથમીરની ચટણી બનાવવા લાગ્યાં. રોશની રસોડામાં આવીને પૂછ્યું: ‘શું કરો છો તમે?’
‘ચટણી બનાવું છું. તારા પપ્પાને ચટણી વગર જમવાની મજા આવતી નથી.’
‘હવે આ ઉંમરે વળી ચટાકા કેવા?’ બોલીને રોશનીએ ઉષાબહેનને ઘક્કો મારીને મિક્સચર બંધ કરી દીધું. ઉષાબેન પડતાં પડતાં બચ્યાં. ઉષાકાન્તભાઈએ આ જોયું અને આટલા વખતથી દબાવી રાખેલો ગુસ્સો સ્પ્રિંગની માફક ઊછળ્યો:
‘આ શું કરો છો વહુ તમે? હું કાંઈ બોલતો નથી એનો અર્થ મને કાંઈ ખબર નથી એવો નથી. આ તો ઘરની શાંતિ જોખમાય નહીં એટલે ચૂપ છું….’ પછી ઉષાબહેન તરફ ફરીને બોલ્યા:
‘ચાલો, આપણો સામાન પેક કરો. આપણે વૃદ્ધાશ્રમમાં રહેવા જઈશું, ત્યાં મેં રૂમ બુક કરાવી લીધો છે. આ લોકોનું નાટક હું ઘણા વખતથી જોતો હતો એટલે મારા એક મિત્રની મદદથી મેં આ વ્યવસ્થા કરી લીધી છે!’
Also Read – નિખારઃ રાઈસ વૉટરના ફાયદાઓ ખબર છે?
વાચકમિત્ર, તમને કદચ થશે આ વાર્તા છે. ના, આ વાર્તા નથી. આ સાવ સત્યકથા છે. વૃદ્ધાશ્રમમાં રહેતાં ઉષાકાંતભાઈ-ઉષાબહેને એમની જીવન-કથની અમને સંભળાવી એની આ ઝલક છે.
પોતાના જ અંશ પારકા થાય
ત્યારે કમનસીબે આવી ‘વાર્તા’ સર્જાતી
હોય છે.