લાડકી

યુવાવયે આત્મવિશ્ર્વાસનો અભાવ કેમ?

આ અભાવ તમે આમ નિવારી શકો…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

વહેલી સવારના કૂણા તડકામાં પોતાના વરંડામાં બેસી માણવા મળતી નિરાંતની ક્ષણો અમીને બહુ સુખદ લાગતી.ગરમાગરમ ચાની ચુસ્કી લેતા જે આનંદ મળે એ અમી માટે અનેરો હતો. રોજ મોબાઈલ પર કંઈક જોયા રાખતી અમીની નજર આજે હીંચકા પર પડેલા ન્યૂઝપેપર પર પડી.

ફ્રન્ટપેજ પર સફળ, આત્મવિશ્ર્વાસથી ભરપૂર યુવતીઓ વિશેના સમાચાર પર અટકી ગઈ: ક્યાંથી આવતી હશે આવી હિંમત? એણે જાતને સવાલ કર્યો. અનેકવાર એકલા પ્રવાસ પર નીકળેલી, પરિસ્થિતિઓ સામે ઝઝૂમતી, સંઘર્ષથી સફળતા સુધીની સફર ખેડતી, શૂન્યમાંથી સર્જન કરતી અને ફિનિક્સ પક્ષી માફક પોતાનીજ રાખમાંથી બેઠી થતી યુવતીઓ વિશે છાપા કે મેગેઝિનમાં વાંચતી કે ટીવી, રેડિયોના કાર્યક્રમોમાં જોતી, સાંભળતી ત્યારે અમી અચૂક વિચારતી કે આ બધી યુવતીઓ કેવી રીતે પોતાની અંદર આટલો આત્મવિશ્ર્વાસ જગાડી શકતી હશે? શી રીતે થાક્યા કે હાર્યા વગર સતત પોતાની જાતમાં સુધારો કરતી હશે?

કઈ રીતે વિષમ પરિસ્થિતિમાં સફળતા પ્રાપ્ત કરતી હશે? કદાચ આવી યુવતીઓને આ બધું પૂછવામાં આવે તો એના જવાબો કેવા હોતા હશે? અમી પોતે પણ સુંદર અને યુવાન હતી, પણ સતત લાડકોડમાં, પૈસાની રેલમછેલ અને નોકરચાકરોની હાજરીમાં ઉછરેલી અમીને જાતે કોઈ કામકાજ કરવાનો વખત આવતો નહીં, જેના લીધે ધીમે ધીમે એની અંદર ક્યારે આત્મવિશ્ર્વાસનો અભાવ ઘર કરી ગયો એનો ખ્યાલ પણ રહ્યો નહીં.

નાનપણથી જ અમીને તારે એકલું ના જવાય, એકલા બહાર નીકળાય જ નહિ ,આ કામ ના કરાય ને તે જગ્યાએ ના જવાય, કોઈ સામે વિરોધ ના કરાય, નાહક હિંમત ના કરાય. આ પ્રકારનાં અનેક વાક્ય અને વિચારોની અમલવારી થકી સતત ઘેરી રાખવામાં આવી છે. અંતે બન્યું એવું કે, ઉંમર વધતી ગઈ એમ અમીની હિંમત ઘટતી ચાલી છે અને જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે ખુદના અંતર આત્માનો અવાજ સાંભળવા જેટલો આત્મવિશ્ર્વાસ પણ એ કેળવી શકતી નથી.

આવું થવાનું કારણ શું?

જાત પરનો અવિશ્ર્વાસ તરુણોને કોઈપણ દિશામાં આગળ વધતા અટકાવી દે છે. આત્મ વિશ્ર્વાસ,આત્મસમ્માન, આત્મસંતોષ આ ત્રણ કોઈ પણ વ્યક્તિના અસ્તિત્વના અવિભાજ્ય અંગ
હોય છે.

એકબીજા સાથે વણાયેલા અને એકબીજાના આધારે ઊભેલા, જેને અલગ પાડવા અશક્ય હોય એવા આ ત્રણ શબ્દ ટીનએજમાં શીખી લેવા આવશ્યક છે.

જોકે, જીવનમાં અમુક મુદ્દા અનુસરવામાં આવે તો કોઈ પણ યુવતી માટે આત્મવિશ્ર્વાસ કેળવવો સરળ છે, જેમકે
જાતની જવાબદારી લેતા શીખો
આત્મવિશ્ર્વાસ કેળવવા માટેનું આ એક અત્યંત અગત્યનું પગથિયું છે. તમે અને માત્ર તમે જ તમારી જિંદગીમાં સુધારો કરી શકવા સક્ષમ છો. રોજિંદા જીવનની ઘણી એવી નાની – મોટી બાબતમાં જાતનું જતન કરવાથી માંડીને જાતને ટપારવા અને મઠારવા સુધીની જહેમત જાતે જ કરવી પડતી હોય છે. ધીમે ધીમે આજ આદત તમારી અંદર હિંમત ભરતી જશે.

નાનકડા કાર્યમાં મળેલી સફળતા મોટાં જોખમો ઉઠાવતા કરી દેશે અને તમને ખ્યાલ પણ નહીં આવે. યાદ રાખો કે, આત્મવિશ્ર્વાસ તરફ જવાને રસ્તે માત્ર એકલા ચાલવાની છૂટ હોય છે. કોઈ બીજાના સંગાથે કે અન્યોના પ્રયત્નોથી આત્મવિશ્ર્વાસના દ્વારે પહોંચી શકાતું નથી.

જીવનમાં જોખમ લેતા શીખો
અમી માફક હંમેશાં સગવડતામાં જીવનારી જાતને અગવડભરી પરિસ્થિતિમાં લઇ જતા શીખો, જેમકે ક્યારેક એકલા જ ક્યાંક જમવા કે પછી મુવી જોવા જતા રહ્યા કે કોઈ સાવ અજાણ્યા જ વિષયને શીખવાનું શરૂ કર્યું. ઘરમાં કોઈ એવું કામ કે જે કોઈ બીજાની મદદથી જ હંમેશાં કર્યું હોય એ જાતે કરો. પોતાની જાતને વિષમ પરિસ્થિતિમાં ચકાસવી અને તેમાં પાસ થવું એ અનુભવ અદભુત હોય છે. ધીમે ધીમે આવાં કાર્યો જાતે કરવાથી વિશ્ર્વાસ આવશે કે તમે જાત પર ભરોસો મૂકી શકો એમ છો.

જાતને જીવનનું નાવીન્ય શીખવો
કોઈ એક એવું ક્ષેત્ર એ પછી અંગત જીવનમાં હોય કે જાહેર જેના વિષે હંમેશાંથી લાગ્યું હોય કે એ તમારાથી થઇ શકે એવું નથી એમાંજ આગળ વધવાનું નક્કી કરો. ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધતા જવામાં શાણપણ છે, પરંતુ ના ગમતું કે તમારી હથોટીથી તદન વિરુદ્ધ પ્રકૃતિનું કામ હોવાને કારણે સફળતા જલ્દીથી નહીં મળે તો એના માટે ધીરજપૂર્વક સતત પ્રયત્નશીલ રહેવાથી આત્મવિશ્ર્વાસમાં જરૂરથી વધારો થશે.

જાતને વફાદાર રહો
દરેક નવા ઊપડેલા પગલા સાથે આત્મવિશ્વાસ નહીં વધે, એવું પણ બનશે કે એક
ખોટું પગલું અને તમે ફરી ઝીરો પર આવી જાઓ, પણ આત્મવિશ્ર્વાસમાં સાચો વધારો ત્યારેજ આવે જયારે તમે જાત સાથે ઈમાનદારી રાખી આગળ વધતા રહો.

‘આત્મવિશ્ર્વાસ વગરનું અસ્તિત્વ આત્મવિનાશ નોતરે છે ’ એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. કોઈપણ વ્યક્તિ આત્મવિશ્ર્વાસ સાથે લઈને જન્મતું નથી. જેમ આપણે બીજી અનેક વસ્તુઓ ઉંમર વધવાની સાથોસાથ શીખતા જઈએ તેવીજ રીતે આત્મવિશ્ર્વાસને પણ ધીમે ધીમે આપણા જીવનમાં કેળવતો જવો પડે છે. આત્મવિશ્ર્વાસ એ કોઈ જન્મજાત શીખીને આવનારી ક્રિયા નથી કે નથી એ તમારી સાથે જ રહેશે એવો વાયદો કરનાર સાથીદાર.

જોકે, ‘તું કશું જ નહિ શીખી શકે’ એવું બોલનારી વ્યક્તિઓના મોં બંધ કરાવી જાણનારા તરુણ ધારે તો કઈ પણ કરી શકે છે, પરંતુ તમારી આ ઉંમરનો માત્ર અને માત્ર તોજ હકારાત્મક રીતે સારી રીતે ઉપયોગ કરી શકનારા તમે જે છો, જેવા છો એને સ્વીકારીને આગળ વધતા રહેશો. આત્મવિશ્ર્વાસના અભાવે ટીનએજમાં મુસીબત ઊભી થવાની સંભાવના વધી જાય છે અને એજ આત્મવિશ્ર્વાસમાં જો વધારો કરવામાં આવે તો તરુણાવસ્થા તરવરાટભરી અચૂક બની શકે છે.

-તો શરૂ કરી દો, આજથી જ આત્મવિશ્ર્વાસ તરફની સફર!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ