લાડકી

તરુણાવસ્થાએ અકળામણભરી અદેખાઈ કેમ?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

હાશ! પહોંચી ગઈ. ઘણા સમયે સિયાને આજે મળવાનું થશે એ વિચારે મનોમન ખુશ થતી નિયાએ શહેરના પોશ વિસ્તારમાં આવેલા પોતાના ફેવરિટ કાફેના દરવાજો ઉઘાડતાં જ મનોમન એ સીધી પ્લે -હાઉસના બગીચામાં પહોચી ગઈ કે જ્યાંથી એણે ઘર બહારની દુનિયામાં ડગ માંડવાની શરૂઆત કરેલી. ડાબી તરફ ખૂણામાં ગોઠવેલા આરામદાયક સોફાને બેસવા માટે સહેજ હડસેલતા જ જાણે અગાઉના કેટલાંય વર્ષો પણ સાથોસાથ પાછળ હડસેલાય ગયાં . એનું મન એનો હાથ ખેંચીને પ્લે -હાઉસની બેન્ચ સુધી લઇ ગયું, જ્યાં એ અને સિયા પહેલી વખત મળેલા. નાની- નાની બે હથેળી ક્યારે મજબૂત રીતે ઝલાઈ ગઈ અને ક્યારે બંને બહેનપણી વચ્ચે બે સગી બહેન કરતાં પણ વધુ મનમેળ થઇ ગયો એનો ખ્યાલ જ ના રહ્યો. એ નિર્દોષતાભર્યાં વર્ષોથી લઈને આજના અવનવા અનુભવોને રોમાંચથી તરબતર ઉમર સુધી કોઈ એવી વાત કે વસ્તુ નહિ હોય જે બંનેએ એકબીજા સાથે વહેંચી ન હોય. સ્ટડી પ્રોબ્લેમ હોય કે લાઈફ સિક્રેટ્સ, શોપિંગ કરવાની હોય કે ટ્રાવેલિંગ, ટ્યુશનમાં જવાનું હોય કે પિકનિક પર… મનમાં આવતી દરેક લાગણી- ઈચ્છા- અનુભવો – પ્રસંગો, ઘટનાઓ, ખુશીઓ અને દુ:ખોની હારમાળા એ બંને વચ્ચેથી પસાર થયા વગર આગળ વધી જ ના શકતી.

પ્લે-હાઉસના પહેલા દિવસે મળેલાં નિયા અને સિયાની જિંદગીનાં વર્ષો વિતતા ગયા- ઉંમર ઉંમરનું કામ કરતી રહી, પરંતુ એક પણ પ્રસંગ એવો નહોતો બન્યો કે જેના લીધે ક્યારેય કોઈ પ્રકારનો ઝગડો થયો હોય- કોઈ એકબીજા વિશે ઘસાતું બોલ્યું હોય કે કોઈ વાત કે વિચાર પર એકબીજાની સાથે લાંબી ઉગ્ર ચર્ચાઓ કરી હોય….

એમનાં મન વર્ષો વીતવાની સાથે વધુ ઊંડાણપૂર્વક એકબીજામાં ભળતાં ગયાં. એ બંનેની દરેક પસંદગી હંમેશાં એકસરખી રહેતી ને એકની પસંદગી બીજાને ચોક્કસપણે ગમતી. આજે પણ પોતે પહેરેલું વાઈન કલરનું ક્રોપ ટોપ એકદમ મસ્ત લાગે છે અને સિયા તો આવતાવેંત કહેવાની: ‘વાહ! તારી પસંદગી વિષે તો કઈ પૂછવું જ ના પડે ને!’ એમ મનમાં હરખાતી નિયા કોલ્ડ કોફીના ઘૂંટડા માણી રહી હતી. અંદરના શાંત- ઠંડકભર્યા વાતાવરણ અને આછા પેસ્ટલ કલરના ઇન્ટીરિયરે એના આનંદિત મનમાં ખુશીના બે પીંછા વધુ પસાર્યા ત્યાંજ એની નજર સામેથી આવતી સિયા પર પડી. જુહીના વેલાથી આચ્છાદિત નાનકડી પગદંડી પર ચાલતી એ હજુ તો અંદર પ્રવેશે તે પહેલાં નિયા પોતાની જગ્યાએથી ઉછળીને ઊભી થઇ ને એ નાની એવી જગ્યા વચ્ચે રસ્તો કરતી રીતસર દોડીને એને વળગી પડી. એકબીજાના હાલચાલ પૂછ્યાના ત્રીજા જ વાક્યે નિયાએ સવાલ કર્યો: વાઈન સારો લાગે છે ને?’ તો સિયાએ કહ્યું: ‘ઠીક છે,’

મને લાગે કે કદાચ મર્જન્ટા વધુ સારો લાગત.જો મેં પહેર્યું છે એ કલર્સ આજકાલ ઈન-થિંગ છે તારા વ્હીટીશ સ્કીન ટોન સાથે એમ પણ આવા ડાર્ક કલર્સ બહુ સારા નહી લાગતા….’ સિયાએ સહજ રીતે બોલી નાખેલાં આ બે વાક્યથી નિયાના મનમાં આટલાં વર્ષોમાં નહોતું થયું એ પહેલી વાર થયું. એક અજીબ પ્રકારની અદેખાઈ જેવી લાગણી એના મનમાં ઉઠી આવી : એનું મારાથી સારું કેમ?’ એ સવાલ સાથે અદેખાઈના ભાવ અચાનક જ ઉભરાઈ આવ્યા. યુવાન થઈ રહેલી એ બે સુપરકુલ ટીનએજર પછી વાતોએ તો વળગી, પણ નિયાના મનમાં ઉદ્ભવેલા સવાલે એનો પીછો ના છોડયો.

શા માટે તરુણાવસ્થાએ આવી નાની નાની વાતમાં પોતાના નજીકની વ્યક્તિઓથી અદેખાઈનો ભાવ સહજપણે જ ઉદ્ભવી જતો હોય છે? તેર-ચૌદ વર્ષે જ્યારે તરુણાવસ્થા શરૂ થાય ત્યારે શરીરમાં થતા આંતરિક ફેરફારો તરુણોની અંદર આવા અનિચ્છનીય ભાવ ઉત્પત્ન કરી દે છે. આવા નકારાત્મક ભાવ પાછા એવા કે જેને ટીનએજર્સ સમજી ના શકે એટલે થોડા પરેશાન રહ્યા કરે. અંદર અંદરથી એ મનમાં સળગ્યા કરે, પણ ખુલ્લા મને કંઈજ ના બોલી શકે.

તરુણોમાં આવી અદેખાઈ અલગ અલગ રીતે પ્રવેશ લેતી હોય છે, જેમકે ક્યારેક કોઈને પોતાની સરખામણી અન્ય બાળકો સાથે થાય તો એની અદેખાઈ આવે તો કોઈના મનમાં પોતાની પ્રગતિ અન્ય કરતાં ઓછી છે એ વિચારી અદેખાઈ ઉભરી આવે. કોઈ છોકરીને પોતે દેખાવમાં બીજા કરતાં સામાન્ય છે એની અકળામણભરી અદેખાઈ હોય તો કોઈને વળી પોતાના ફ્રેન્ડ્સ વધુ મોજમજા કરે છે એ જોઈ અદેખાઈભર્યો ઉત્પાત શરૂ થઈ આવતો હોય. કોઈ પણ તરુણ ઈચ્છે તો પણ આવા અદેખાઈભર્યા ભાવને જીવનમાંથી જાકારો આપી શકતો નથી. બાળપણમાંથી યુવાની તરફ ડગ માંડતા ટીનએજર્સ માટે અદેખાઈના આ અણધાર્યા આક્રમણને નાથવું ખરેખર ઘણું અઘરું હોય છે.

આમ પણ આપણા સમાજમાં બાળસહજ ઈર્ષ્યા કે જીદ્દ હજુ પણ ચલાવી લેવામાં આવે છે, પરંતુ તરુણોના સ્વભાવમાં વણાતા આવા ભાવને સ્વીકાર મળતો નથી, કારણક અદેખાઈનો સ્વીકાર આગળ જતાં જીવનભર એમને ઈર્ષ્યાના વમળમાં વલોવ્યા રાખે એ નક્કી. અદેખાઈ એ ઈર્ષ્યાનું નાનું સ્વરૂપ છે. અદેખાઈ શબ્દની અંદર ક્યાંકને ક્યાંક ઈર્ષ્યા પણ છુપાયેલી છે. આમ તો રાગ-દ્વેષ, રોષ, અદેખાઈ, આ બધા ભાવનો સરવાળો એટલે જ ઈર્ષ્યા. જેને સહજતાથી લેવામાં આવે તો સરળતાભર્યું જીવન જીવવું અઘરું બની જાય. આવી નકારાત્મક ભાવના આજીવન પરેશાન કરે એના કરતાં તરુણાવસ્થામાં જ અદેખાઈના આવા એટેકને નાથી આગળ વધવું ઉચિત અને અનિવાર્ય પણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…