લાડકી

અવ્યવસ્થિત અવસ્થા જ કેમ ‘વ્યવસ્થિત’ લાગે છે તરુણોને?

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

બહાર મે મહિનાની કાળઝાળ ગરમી ભલે હોય પણ ભરબપોરે ઘરમાં એકલી એવી ધાની પોતાની જાતને કોઈ પ્રિન્સેસથી ઓછી આંકી રહી નહોતી. એયને મસ્ત સોફા પર પગ લંબાવી મોબાઈલ પર ફ્રેન્ડ્સ સાથે ગ્રુપ કોલમાં વાતોના તડાકા મારતી ધાનીના રૂમમાં એસીની ઠંડક ચારેકોર પ્રસરેલી હતી. આમ ઘરમાં એકલા હોવાનો અહેસાસ એને સખત રોમાંચ આપી રહ્યો હતો ને ફોનમાં એના ફ્રેન્ડ્સ ધાની માફક એકલા રહેવાની મોજ માણી શકતા નથી એ મતલબની મજાક -મસ્તી કરી રહ્યા હતા. પોતાની પ્રાયવસીને માણતી મનોમન હરખાતી રહેલી ધાનીના રંગમાં અચાનક ભંગ પડ્યો. કર્કશ અવાજે ડોરબેલ રણકી ઊઠી. ધાનીએ રીતસર એ અવાજ અવગણ્યો કે કોઈક જવાબ નહિ મળે એટલે જતું રહેશે. પણ, ના ટીંગ.. ટોંગ ટીંગ.. ટોંગ ટીંગ.. ટોંગ સતત બેલનો ધમધમાટ ચાલુ રહ્યો એટલે ફોનને હોલ્ડ પર રાખી એ પરાણે ઊભી થઇ. દરવાજો ખોલતા જ સામે મમ્મીને ઊભેલી જોઇને ધાનીના મોતિયા મરી ગયા.

‘મમ્મીને ઓફિસથી આવવામાં હજુ પૂરા ચાર કલાકની વાર હતી. સવારે એ ઘરનું જે કોઈ કામ સોંપીને ગયેલી તે બધું જેમનું તેમ રખડતું પડ્યું હતું, ઘર આખું જાણે કબૂતરખાનું હોય તેમ અસ્તવ્યસ્ત હતું, કારણકે સરખું કરવાનું તો ઠીક – ધાનીએ તો ઘરમાં રહી તેને વધુ બગાડી મુક્યું હતું. વેકેશન હોમવર્ક કરવાનું કહીને ગયેલી એ પણ બાકી જ રાખી ધાનીએ માત્ર ટીવી જોવાનું અને ફ્રેન્ડસ સાથે ગપ્પા મારવાનું કામ કરેલું. રસોડાની બારી બંધ કરવાનું વારંવાર યાદ આપેલું એ પણ ખુલ્લી જ હતી.’ ક્ષણભરમાં મણભર વિચારો ધાનીના મનમાં રમણ ભમણ કરવા લાગ્યા.

વૃંદાએ ઘરમાં પગ મૂકતાવેંત ધાનીને જેનો ડર હતો એ જ થયું. મમ્મીનું બોઈલર ફાટ્યું. એને થોડી નબળાઈ જેવું લાગતું હતું એટલે એ આવા તડામાર તડકામાં ઓફિસથી વહેલી ઘેર આવી હતી, પણ ઘરની આ હાલત અને ધાનીની બેફિકરાઈ જોઇને ગુસ્સો, રીસ, થાક બધાએ એકસાથે વૃંદાના માનસ પર હુમલો કર્યો. એમાં વળી દીકરીને કઈક સરખું ના શીખવાડી શકવાની ગીલ્ટ પણ ભળી, જે ‘ધાની’ નામની ત્રાડમાં પલટાઈ ગઈ. ડરના માર્યા દરવાજા પાસે જડવત્ત ઊભી રહી ગયેલી ધાનીને પણ આ બધાં કામ નહોતા કરવા એવું નહોતું , પણ ખબર નહીં કેમ રહી ગયા? ધાનીને એ સમજાતું નહોતું કે વારંવાર કહેવાતી એકને એક વાત એના મગજમાં જલ્દી ઊતરતી કેમ નહોતી?

   આવું શા માટે થાય છે? રાડ પાડ્યા પછી માથું પકડીને બેસેલી વૃંદાને પોતે જોયેલો એક યુટ્યૂબ વીડિયો યાદ આવ્યો : ટીનએજમાં પ્રવેશ્યા બાદ થતાં હોર્મોનલ ફેરફારોને કારણે મગજ સાથે જોડાયેલા ચેતાતંતુઓ ટીનએજર બ્રેનમાં અમુક એવા સિગ્નલ પહોચાડતા હોય છે કે જે સ્વચ્છતા-ચોખ્ખાઈ- ચોક્કસાઈ, વગેરે વિષયોમાં એમને નિષ્ફિકર બનાવે. દેખાવ-કદમાં  ભલે એ એડલ્ટ જેવા થવા લાગતા  હોય પણ માનસિકરુપે હજુ પૂરા યુવાન  નથી થયા હોતા એ કારણે ધાની જેવું વર્તન કરી બેસે છે.. ઘરમાં કચરાના ઢગલાં હોય પણ એને ખાસ ફર્ક પડતો ના હોય, વસ્તુઓ ઠેબે ચડાવે પણ ઉઠાવીને વ્યવસ્થિત મૂકે નહીં આવું વર્તન એડલ્ટ-વ્યસક માટે એકદમ એબનોર્મલ છે , પણ તરુણો માટે સખત નોર્મલ. જે કામ આપણને એડલ્ટ તરીકે એકદમ જરુરી લાગે એ તરફ ટીનએઈજ દિમાગ કામ  ના કરતું હોય એવું પણ બને. 

   એકદંરે ધાની અને એની મમ્મી માફક બન્ને પક્ષ મૂંઝાય ત્યારે  વૃંદા માફક રાડો પણ પડે. આવાં  દ્રશ્યો યોગ્ય સમજણના અભાવે ઘરે ઘરે જોવા મળતા હોય છે. ટીનએજમાં પોતાનો રૂમ સાફ ના રાખતા તરુણોની આખી એક જમાત  છે. ઘર કે રૂમ ચોખ્ખા હોવા જોઈએ એવું ના માનતા લાખો ટીનએજર છે. ગંદકી પર એમનું ધ્યાન ક્યારેય ના પડતું હોય, ઘરકામ કરવાની દરકાર કે દાનત  ના હોય એ વાત ટીનએજર્સ માટે તદ્દન સ્વાભાવિક છે. પોતાની મરજી પડશે એ જ રીતે ઘરમાં રહેશે, પોતાના રૂમમાં મન પડશે એમ જ વસ્તુઓ રખડતી રાખશે એ પ્રકારની જીદ્દ આ ઉંમરે જોવા મળે એ  સામાન્ય છે.

તમે ગમે તેટલા બૂમ-બરાડા પાડો, પણ એમના મગજ પર અસર નહીં કરે. એના કરતાં કળપૂર્વક તમે શીખામણ આપી રહ્યા છો એવું ના લાગે તેમ આડકતરી રીતે અમુક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે વૃંદાએ પણ એમ જ કર્યું. ધાનીને જોઈ બોલી:

આ રૂમના દરવાજા પાછળ કે પલંગ નીચેના કચરા કે કપડાના ઢગલાને મારાથી છુપાવી શકીશ પણ યાર, તેમાં વંદા જેવી જીવાત ફરશે એનું શું કરીશ? અરર, આ રૂમમાં એંઠી પડેલી ડિશની ગંદકીથી માંદી પડીશ તો? આ તારી ફ્રેન્ડ વિહા અચાનક ઘરે આવશે તો તારી છાપ કેવી પડશે?

ધાનીને નવાઈ લાગી: મમ્મી ગુસ્સો કરવાની બદલે આવું કેમ બોલે છે? પણ હવે એને વૃંદાને બદલે વંદા- વિહા- વાઈરસ ત્રણેયનો ડર લાગ્યો એટલે ચૂપચાપ કામે લાગી ગઈ. આ જોઈ વૃંદાએ પણ રાહતનો શ્ર્વાસ લીધો, પણ દીકરીમાં આ ડહાપણ કેટલા દિવસ ટકી રહેશે એ વિચારે ટીનએજર્સનો ‘ગંદકીપ્રેમ’ કઈ રીતે દૂર કરી શકાય એ માટે વૃદા ફરી ફોનમાં કંઈક સર્ચ કરવા લાગી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ