ટીનએજર્સ કેમ બને છે સાયબર બુલિંગનો સરળ શિકાર?
આવી ઓનલાઈન ગુંડાગીરીનો સામનો કરવાના પણ ઉપાય છે
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
‘શચી, શું થયું છે, બેટા?’
‘કંઈ નહિ.’
‘રોજ તો ઘેર આવતાવેંત કેવા ઉધામા કરતી હોય છે.હમણાં બે-ચાર દિવસથી જોઉં છું તું શાંત રહે છે. મને તારી ચિંતા થાય છે.’
‘મમ્મી, દરેક વાત માટે હું તારી પાસે ના આવી શકું. મને મારી રીતે જીવવા દે.’
‘સારું, મારી કંઈ જરૂર હોય તો કહેજે’ એટલું કહી આશા પોતાના કામમાં પોરવાઈ ગઈ. હકીકતમાં શચીએ સોશિયલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ પર લોકો જાતજાતની ટિપ્પણીઓ કરી રહ્યા હતા. શચીએ સ્ત્રીઓને વર્કપ્લેસ પર થતી જાતીય સતામણીના અનુસંધાને પોતાના વિચારો વ્યક્ત કરેલા. એને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે, આવાં કૃત્ય કરનારા અજાણી વ્યક્તિઓની વકીલાત પણ લોકો સરળતાથી કરી શકતા હશે.
છેલ્લા બે દિવસથી સખ્ત નારાજગી હોવા છતા શચી શાંતચિતે શાબ્દિક લડાઈ લડી રહી હતી. એ દરેક અભદ્ર ટિપ્પણી સામે સચોટ તર્ક અને તથ્યો રજૂ કરતી, પણ એનું મગજ ભયંકર ગોથે ચડ્યું હતું, કારણ કે ધીમે ધીમે વિરોધીઓનો આખો મોરચો પોસ્ટના બદલે હવે શચી તરફ ફંટાયો હતો. અમુક વ્યક્તિગત અપમાન અને ચારિત્ર્યહનન પર ઊતરી આવેલા ત્યારે મનફાવે એવા શબ્દપ્રયોગ અને ઉશ્કેરણીજનક મેસેજિસનો શું જવાબ આપવો એમ વિચારી મોબાઈલમાં એકીનજરે તાકી રહેલી શચીની આંખોમાંથી આંસુઓ છલકાય રહ્યા. હવે આશાથી ના રહેવાયું. એને હળવેથી શચીના ખભ્ભે હાથ મૂકી કહ્યું, ‘શચી, કંઈક તો થયું જ છે તારી સાથે. મને તારી મદદ કરવા દે બેટા, પ્લીઝ….’ આટલું સાંભળતા જ શચી આશાના ખોળામાં ફસડાય પડી.
‘મમ્મા, આ દુનિયા બહુ ખરાબ છે’ કહી શચીએ મોબાઈલ એના હાથમાં મૂકી દીધો.
શચીની પોસ્ટ જોઈ આશાને એના પર માન થઈ આવ્યું. દીકરી કેટલી સમજદાર છે. શચીના વિચારોની સ્પષ્ટતા અને તેને અભિવ્યક્ત કરવાની આવડત જોઈ એ ઓવારી ગઈ, પણ, નીચે કમેન્ટ બોક્સ તરફ ધ્યાન પડતાં જ છળી ઉઠી. શચીએ મુકેલી પોસ્ટ નીચે અજાણ્યા લોકોના ગુસ્સો, ધાક-ધમકી, નફરતભર્યા જવાબ – શચી વિશે લખેલી ખરાબ-ખોટી ટિપ્પણીઓ -એલફેલ શબ્દો, મનફાવે એવા ઈમોજીસથી કમેન્ટ બોક્સ છલકાય રહ્યું હતું. બસ, એનાથી આગળ એ જોઈ ના શકી. એકીઝાટકે સ્ક્રીન બંધ કરતી એ શચીને
ભેટી પડી.
થોડીવાર બાદ સ્વસ્થ થયે એ શચીના માથે હાથ ફેરવતાં બોલી, ‘બેટા, આનો કોઈ અંત નથી. અમુક લોકો બીજાના મનમાં ઉદ્વેગ ઊભો કરી મજા લેવાના આદી હોય છે. તું આખો દિવસ આમાં બગાડીશ, વિચારીને દરેકને જવાબ આપીશ છતાં પણ સામે તને હીનતાભર્યું વલણ જ જોવા મળશે… પછી શું કરીશ?’
આશાના આ પ્રશ્ર્ને રુચિ એકધારી મા સામે જોઈ રહી :
‘તો મારે હવે શું કરવું? જે મને સતત નિશાન બનાવી રહ્યા છે એને જીતી જવા દઉં? ઝઘડાખોરો સામે ઝૂકી જઉં?’
ના ઝૂકવાનું નથી. તું બહુ સ્પષ્ટતાપૂર્વક જે માને છે એ મુજબ જવાબ આપી શકે, પણ, એક વખત તારો પોઇન્ટ રજૂ કરી દીધા બાદ દર વખતે સામે જવાબ આપવાની દરકાર કરવી નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તું લોકોને તારી વાત સમજાવી શકે, પણ એમની વિચારસરણી બદલી નહીં શકે. જો કોઈ તારી સાથે સહમત ના થાય તો તું તારા વિચારો માત્ર વહેંચી શકે છે. તેને કોઈ ઉપર થોપી નહીં શકે, ભલે એ ગમે તેટલા સાચા કે સારા કેમ ના હોય.’ આશાએ ભારપૂર્વક કહ્યું.
‘પણ મમ્મી, અમુક વસ્તુ બદલાવવી જોઈએ અને હું નહિ બોલું તો એનો મતલબ એવો થશે કે લોકો જે કહે છે એની સાથે હું સહમત છું.’
ના બેટા, ગુસ્સાને પાંખો આપવી ખૂબ સહેલી છે. કદાચ એવું પણ બને કે તારા દ્વારા અપાતા આવેશપૂર્ણ જવાબો જોઈ વધુ લોકો આ ચર્ચામાં જોડાય. અત્યારે તો તું એકાદ-બે વ્યક્તિ સાથે લડી રહી છો. પછી કદાચ એવું બને કે તારી સામે રણસંગ્રામ ઊભું થઈ જાય!’
‘અચ્છા, તો તું એવું કહે છે કે, હું શાંત રહીને મારી હિંમત બતાવું? આ કઈ રીતે શક્ય છે જરા મને કહીશ?’ શચી થોડી ચિડાય.
‘જો, તેં તારો મુદ્દો શિષ્ટતાપૂર્વક રજૂ કરી દીધો. હવે એના પર લોકોના જે વિચારો આવે એની સાથે તારે શી લેવાદેવા? તું અન્યોના વિચારોથી અપસેટ થઈ તારી ઉપર સાયબર બુલિંગ થાય એવી સ્થિતિ ઊભી જ શા માટે કરે છે? બીજું, દરેક વખતે જવાબ આપીશ તો આવા લોકોને અટેન્શન મળશે. એ લખે છે એની તારા પર અસર થાય છે એ ખ્યાલ આવતાં જ એમને મજા પડશે. સાયબર બુલિંગ કરનારાઓને આ જ જોઈતું હોય છે. એને સમાજમાં કોઈ બદલાવ નથી જોઈતો, કોઈ વાત પર ગંભીર વિચાર કરવો નથી. બસ, અન્યોને નબળા પાડી વિકૃત આનંદ લેવો હોય છે. આવા લોકો પેરાસાઇટ જેવા હોય છે. તમારી પોસ્ટનો ઉપયોગ કરી ઝેર ફેલાવે, જીતવાનો ખોટો આનંદ લે, તમારી પર વારંવાર ઓનલાઈન એટેક કરે, પોતાના ફોલોઅર્સ વધારે અને સાથોસાથ તમને માનસિક ઇજાઓ પહોંચાડતા જાય. આવા લોકો સામે સોશિયલ મીડિયા ટુલ્સનો ઉપયોગ શરૂ કર. અમુક તોફાની તત્ત્વોને બ્લોક કે રિસ્ટ્રીક્ટ કરી શકે. હું એમ નથી કહેતી કે અન્યાય તેમજ અરાજકતા ફેલાવતા લોકોનો વિરોધ ના કરવો, પણ ઘણી વખત કંઈ ના કરુવું એ પણ ઘણું કર્યા સમાન હોય છે એ ભૂલવું નહીં. ક્યારેક કડવું સત્ય બોલ્યા બાદ જરૂર પડ્યે ચૂપ રહેવું આવશ્યક હોય છે. બીજું, આજકાલ સોશ્યલ મીડિયા પર જે રીતે ચારેકોર નફરતનું ઝેર ઓકાય રહ્યું છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરવી એ પણ એક પ્રકારે સામાજિક સત્કાર્ય જ ગણાય એટલે તું કોઈ વાતે ખોટી નથી….’
આશાની વાતો હળવે હળવે શચીના દિમાગમાં ઊતરતી હોય એમ એ શાંતિથી એને સાંભળી રહી. ‘તારી વાત સાચી તો છે, મમ્મા.. હું આવી નેગેટિવ કમેન્ટ્સને ધ્યાન પર ના લઉં તો ઈન્ટરનેટની દૂનિયમાંથી કશુંક શીખી અન્યોને શીખવાડી શકું એ નક્કી. આમ પણ મારે જિંદગીમાં ઘણું કરવાનું છે. આ જો, હમણાં મારા બે-ચાર દિવસ તો આવી બિનજરૂરી ભેજામારીમાં જતા રહ્યા, પણ મમ્મા, આજ પછી જાતને આવા સાયબર બુલિંગનો શિકાર નહીં બનવા દઉં. હું સોશિયલ અવેરનેસ પોસ્ટ લખવાનું મુકીશ નહીં. હું લખીશ પણ આવા લોકોથી મારી જાતને હેરાન નહીં થવા દઉં. હું મારા વિચારો થકી પોઝિટીવ બદલાવ લાવવાનો પ્રયત્ન કરીશ. લોકોની માન્યતાઓને ખોટી સાબિત કરવાના વ્યર્થ પ્રયત્નો આજથી બંધ….!’ આટલું બોલી શચી આશાને વળગી પડી ત્યારે એની પીઠ પસવારતી આશા સંતોષના શ્ર્વાસ સાથે મલકાય ઊઠી.