કોણ કોને ઠેકાણે પાડે શું ખબર?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
મને હમણાં છેલ્લાં બે વર્ષના ગાળામાં અનેક ફાયદા થયા છે એટલે મને થયું કે મારે મારી ખુશાલી તમારી સાથે શેર કરવી જોઈએ, જેથી તમે મારી ખુશાલીના ભાગીદાર બનો.
હા, તો સાંભળો. છેલ્લાં બે વર્ષમાં હું વીસેક જગ્યાએ ટ્રસ્ટી બની ગયો છું અને મારી આ કારકિર્દીની સુવાસ એટલી ઝડપથી ચોમેર પ્રસરી ગઈ છે કે રોજે રોજ સવાર પડે કે કોઈ ને કોઈ નાની-મોટી સંસ્થાના કારોબારી સભ્યો તેમ જ પ્રમુખ, મંત્રી મને એમની સંસ્થામાં ટ્રસ્ટી બનાવવા માટે આવે છે અને યુ નો, મને કોઈને ના કહેતાં આવડતું નથી. આખરે આપણે સેવા નહીં કરીશું તો સમાજની રખેવાળી બીજું કોણ કરશે? એમ મન મનાવીને સામાન્ય લોકોના પ્રશ્ર્નો હલ કરવા હું ઘરનાં કામકાજ છોડી સમાજનાં, શિક્ષણનાં, નારી ઉદ્ધાર અને બાળવિકાસ જેવાં કાર્યો માટે રખડતો રહું છું.
આમ એક સંસ્થામાં પોસ્ટ લીધાં બાદ મારે બીજી સંસ્થામાં જોડાવું નહોતું, પણ મારી અર્ધાંગિનીએ વારંવાર સમજાવ્યું કે, લોકો ટ્રસ્ટી બનવા, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી બનવા થનગને છે ને એમને ખુરશી મળતી નથી. જ્યારે તમને એક પછી એક, મોટી મોટી સંસ્થાઓમાં ટ્રસ્ટી બનાવવા માટે લોકો તમારી પાછળ પડ્યા છે ને તમે મોં ધોવા જાવ છો!
Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ
એણે તો મોટિવેશન સ્પિકરની જેમ વ્યક્તિએ કઈ રીતે નવી નવી ઊંચાઈઓ સર કરવી જોઈએ એ અંગે કલાકનું ભાષણ જ ઠપકારી દીધું. ‘તમારી ઉચ્ચ પોસ્ટ જોઈને તમે જોજો, એક દિવસ આપણા આ બજારમાં નહીં ચાલતા અભણ સિક્કાઓ, ખનાખન ચાલવા માંડશે. હજી તમે એક પોસ્ટ લીધી તેમાં આપણી આ ઊભાં હાડકાંની હેડંબા માટે માગાં
આવવા માંડ્યાં છે. થોડી વધારે પોસ્ટ લેશો તો તો ત્રણે ત્રણ નફકરાં અને
બાપના મફત રોટલા તોડતા નબીરાઓનું માર્કેટ ઊંચકાઈ
જશે. સમજ્યા?’
ખરેખર! એ સાંભળ્યા પછી મને ખુરશી ઉપર બેઠાં બેઠાં જ, એક પછી એક અલૌકિક એવાં અનેક સપનાંઓ આવ્યાં. એક પાર્ટી દસ લાખ ને સો તોલા સોનું મારી હેડંબાને પહેરાવીને વાજતે ગાજતે લઈ ગઈ!
આઠમીમાં આઠ વાર નાપાસ થયેલા એવા વિદ્યાધરને પીએચ.ડી. છોકરી મળી! કે જે યુનિવર્સિટીમાં પ્રોફેસર ને લટકામાં લાખ રૂપિયાની પગારદાર અને ઉપરથી ગરીબ ગાય જેવી. બોલો! જાતને અમિતાભ બચ્ચન માનતા અમારા ત્રીજા નંબરના અમિતને તો કરોડપતિને ત્યાં સીધા ઘરજમાઈ બની ખાટલેથી પાટલે થવાની ઑફર આવી છે! મારી પત્ની હજી અમિતને ઘરજમાઈ બનવા રવાના કરે ત્યાં તો હું ચોંકીને ઊભો થઈ ગયો..
સપનામાં જેટલું ઐશ્ર્વર્ય અને જાહોજલાલી જોઈ એનું અડધું પણ મળી જાય તો પછી આખી જિંદગી લીલાલહેર! એમ વિચારીને સપનું ખંખેરી, અમે એક પછી એક વીસેક સંસ્થામાં ટ્રસ્ટી બનીને મજબૂત બનતા ગયા. જેમ કોઈ મજૂર સવારે રોટલો ને મરચું લઈને મજૂરીએ નીકળી પડે અને બળદિયાની જેમ તલનું તેલ કાઢતો હોય, તેમ ગોળ ગોળ ચાકને ફેરવતો રહે અને રાતે થાક્યોપાક્યો આવીને ઘરને ખૂણે ટૂંટિયું વળીને સૂઈ જાય છે, બરાબર એમ જ. પોસ્ટ લેવાતાં તો લેવાઈ ગઈ, પણ હવે ગળે ટ્રસ્ટી, પ્રમુખ જેવી ઘૂઘરીઓ બાંધીને, જુદી જુદી સંસ્થામાં એક પછી એક મિટિંગોમાં હાજર રહીને મારાં ઉત્કૃષ્ટ મંતવ્યો (એમના માટે) વહેંચતો રહું છું. સાંજ સુધીમાં ફક્ત દસ-બાર ચા, કૉફી, લસ્સી, કોકો, કોલ્ડ્રિંક્સ અને સાથે સાથે ટ્રસ્ટી અનુરૂપ નાસ્તાઓ ફાંકતો રહું છું.
મેં જે ધોળે દિવસે દિવાસ્વપ્ન જોયું હતું કે ટ્રસ્ટી પદ લીધા પછી મારા ત્રણે નબીરા ઠેકાણે પડી જશે, પણ હવે એ સપનું સાકાર થાય એવું મને લાગી રહ્યું છે. એમાં વળી એકવાર હું વહેલો ઘરે આવી ગયો. મારાં સગાં પત્ની ફોન પર વાત કરતાં હતાં:
‘રમલી, તારા જેવી હું મૂરખ નથી. મેં તો અમારા એ જેવા રિટાયર્ડ થયા, કે તરત જ કામે લગાવી દીધા.’
રમલી: ‘એટલે? હું સમજી નહીં. તે તારા પતિને આ ઉંમરે નોકરી પર લગાવી દીધા?’
‘ના હવે. મેં એમને શહેરની વીસેક સંસ્થામાં ટ્રસ્ટી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી જેવા ઉચ્ચ હોદ્દા ઉપર આરૂઢ કરી દીધા. એ.. માથા ઉપરની કટ કટ પણ ટળી અને સાંજ સુધીમાં ચાર ટાઈમ જેટલાં ચા-નાસ્તા કરીને આવે છે. મારા માથે એને ખવડાવવાનું ટેન્શન જ નહીં! થાકીને એવા લુસપસ થઈ ગયેલા હોય કે એ રાતે આઠથી સવારે આઠ સુધી ઊંઘતા રહે છે અને સવારે ઊઠી ફરી મીટિંગ ચિટિંગમાં જવા રેડી… અને હું રેડી થઈને શોપિંગ મોલ, સેલ, કીટી પાર્ટી, ફિલ્મ અને મહિલા ક્લબો ઝિંદાબાદ! જો રમલી, આપણે આપણા પાર્ટનરને એમને ગમતાં કે નહીં ગમતાં (કોઈ પણ પ્રકારનાં) કાર્યોની ધૂંસરીમાં નહીં બાંધીએ, અને ઘરમાં જ પંપાળ્યા કરીએ, તો દયાની માને ડાકણ ખાય!’ એટલે કે એ લોકો આપણા ઉપર હાવી થાય, થાય ને થાય જ… ચાર ટાઈમ નવું નવું ગરમાગરમ ખાવાનું માગે. સાથે ચા-કૉફી લસ્સી, ને પાછું એ લોકો દર કલાકે આપણા કામનો હિસાબ માગે અને સાંજને છેડે વખાણ કરવાની જગ્યાએ કહે: આખો દિવસ ઘરમાં ને ઘરમાં, પણ એક આઇટમ ઢંગની બનાવતી નથી, કે નથી એમાં વેરાઇટી લાવતી. બાજુવાળાં સુશીલાબેનને જો…. બહાર પણ ઍક્ટિવ અને ઘરમાં પણ ઍક્ટિવ! પતિને પણ ખુશ રાખે અને છોકરાં પણ ઠેકાણે રાખે. ભણાવે-ગણાવે અને ફિગર પણ કેવું સાચવીને ખુદ પૂરા ઠસ્સાથી જીવે છે!
Also read: ૮૬ વર્ષે પણ હું એક નવા સંબંધમાં પ્રવેશવા- પ્રેમની સાચી અનુભૂતિ વિશે જાણવા ઉત્સુક છું
જો રમલી, આપણી લાઇફ આપણે જાતે જ સુગંધી બનાવવી પડે છે. બાકી એ લોકો આપણા વિશે વિચારવાના નથી. તારે પણ સુખી થવું હોય તો મેં જે યુક્તિ વાપરી છે, એ યુક્તિ ઉપર ધ્યાન આપી તારા હસબન્ડને પણ આખો દિવસ ચકરાવે ચડેલા રહે એવાં કામે લગાડ. જેને સેવા કરવી જ છે એવા માટે તો આજકાલ અનેક સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ખૂલી ગઈ છે. આ સંસ્થાઓમાં નવરાઓને ઠેકાણે પાડવાની જુદી-જુદી પોસ્ટ તૈયાર જ હોય છે. કીટી પાર્ટીમાં સુખેથી બપોરે રમવા આવવું હોય તો વહેલી તકે પતિદેવને માનદ પદવીઓ ઉપર કામે લગાડ. આમ પણ ચોવીસ કલાક સામસામે એક જ ઘરમાં રહેવાથી બે ડબ્બા અથડાયા કરે. એના કરતાં… અને હા, તારાં છોકરાઓ હો વહેલાં ઠેકાણે પડશે. સમજી?’
‘પહેલાં તારા તો ઠેકાણે પાડ પ્રિયે! પછી રમલીના પાડજે.’ ‘હેં…? તમે ક્યારે આવ્યા?!’