લાડકી

સફેદ ચહેરો(પ્રકરણ-૯)

‘જે માણસ પર તમે નજર રાખો છો, અર્થાત્ જે અઠંગ દાણચોર હોવાની આપણને સૌને શંકા છે, એ શંકા હવે વધારે મજબૂત બની છે. એક નવો જ અપરાધ થયો છે. ભારતીય દંડ વિધાનની ધારા નંબર ત્રણસો-બે એ અપરાધને લાગુ પડે છે.?’

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
સુનીલ બેહદ પરેશાન હતો.
ડેનીનો ક્યાંય પત્તો નહોતો.
વાચકો જાણે છે તે પ્રમાણે સ્મગલર્સના છેડા સુધી પહોંચવા માટે પૂર્વયોજિત પ્લાન પ્રમાણે ડેનીએ જ પોતાનું બનાવટી નામ કિરણ રાખીને દિવાકરને પોતાના પ્રેમની જાળમાં ફસાવ્યો હતો.
હા તો કિરણ એટલે કે ડેનીનો પત્તો નહોતો.
એણે દેશાઈભાઈ પર નજર રાખી હતી, પરંતુ તેની કશીએ હિલચાલ તેને શંકાસ્પદ નહોતી લાગી.
એ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પછી સનસનાટીભરી વિગતો તેને જાણવા મળી.
‘મિ. સુનીલ…!’ એને જોઈને મુંબઈ શહેરના ચીફ ઈન્સ્પેક્ટર બમનજીએ કહ્યું, ‘હું હમણાં જ તમને ફોન કરવાનો હતો.’
સુનીલે કહ્યું: ‘કેમ…’
‘જે માણસ પર તમે નજર રાખો છો, અર્થાત્ જે અઠંગ દાણચોર હોવાની આપણને સૌને શંકા છે, એ શંકા હવે વધારે મજબૂત બની છે. એક નવો જ અપરાધ થયો છે. ભારતીય દંડ વિધાનની ધારા નંબર ત્રણસો-બે એ અપરાધને લાગુ પડે છે.?’
‘ખૂન…?’
બમનજીએ હકારમાં માથું હલાવ્યું.
‘કોનું… દેશાઈભાઈનું…?’
‘ના રે ના’ બમનજી કડવા અવાજે બોલ્યો, ‘એ કમબખ્ત એમ સહેલાઈથી મરે એવો છે જ કયાં….?’
‘તો પછી તેના પાર્ટનર દિવાકરનું….?’
‘ના, દેશાઈભાઈનાં ભાઈ-બહેનનું ખૂન એક નહીં બે થયાં છે. દેશાઈભાઈનું મૂળ વતન બીલીમોરાથી લગભગ પાંચ માઈલ દૂર ખાડીના કિનારે રંગપુર નામનું એક ગામ છે. એક જમાનામાં એટલે કે વર્ષો પહેલાં ત્યાં દેશાઈભાઈનાં પૂર્વજોની હકૂમત ચાલતી હતી. રજવાડાઓ અને જમીનદારીઓ આજે તો નથી રહ્યા. પણ એમની સ્થાવર-જંગમ મિલ્કત તો છે જે….! દેશાઈભાઈ પણ ઊબડ-ખબડ જમીન ધરાવતો આવો એક જમીનદાર છે, પરંતુ વર્ષોથી એણે ઘર છોડી દીધું છે. એના ભાઈ-બહેન ત્યાં જ એના વતનમાં-એટલે કે રંગપુરમાં જ રહે છે, બાપ-દાદાની એસ્ટેટમાં જ! હા તો દેશાઈભાઈનાં ભાઈ-બહેન પરમ દિવસે રાત્રે ખાડીનાં કિનારે મૃત્યુ પામેલાં મળી આવ્યાં છે. આ ઉપરાંત ખાડીના કિનારેથી એક ખૂબ જ ઘાયલ થયેલો માનવી પણ બેહોશીની હાલતમાં મળી આવ્યો છે. અને એનું નામ-દિવાકર જોશી છે, અને ડેનીએ આ જ માણસ સાથે મિત્રાચારી વધારી હતી.’
‘ઓહ…!’ સુનીલ બબડ્યો. એને લાગ્યું કે ચોક્કસ ડેની પણ તેનો પીછો કરતી હતી અથવા તેની એટલે કે દિવાકરની સાથે જ રંગપુર ગઈ હશે. પણ તો પછી એના વિષે કેમ કોઈ સમાચાર નથી?
‘તમે એ ખૂન-કેસની ફાઈલ તો તૈયાર કરી જ હશે.’ વિચારવાનું પડતું મૂકીને એણે બમનજીને સંબોધ્યો.
જવાબમાં ટેબલ પર પડેલી એક ફાઈલ એની સામે સરકાવવામાં આવી.
લગભગ અર્ધા કલાક સુધી એ ફાઈલનો અભ્યાસ કર્યાં બાદ સુનીલે માથું ઊંચું કર્યું.
એના ચહેરા પર બેહદ ગંભીરતા હતી.
બમનજીએ એક ચીરૂટ કાઢીને સળગાવી. હવામાં ધુમાડા વિખેર્યાં બાદ એ સુનીલ સામે જોતાં બોલ્યા:
‘હવે સવાલ આપણી સામે એ ઉપસ્થિત થાય છે કે શું દિવાકર તથા દેશાઈભાઈની મારફત કિરણ અને આ થઈ ગયેલાં ખૂનો વચ્ચે કોઈ કડી ગોઠવી શકાય છે? જે દિવસે દિવાકર મુંબઈથી ગુમ થઈ ગયો, અથવા એમ કહીએ કે મુંબઈથી રંગપુર માટે રવાના થઈ ગયો એ જ દિવસે કિરણ પણ ગુમ થઈ ગઈ. હું આ વાતને ‘સંજોગ’ કે ‘જોગાનુજોગ’ માનવા તૈયાર નથી ઊલટું આપણે એમજ માનીને તપાસનું પ્રાથમિક પગલું ભરવું જોઈએ કે દિવાકર તથા કિરણ એક સાથે જ મુંબઈમાંથી રવાના થયા. અથવા તો કિરણે છૂપી રીતે દિવાકરનો પીછો કર્યો. વારુ, તમે લોકો એકસાથે જ રહેતા હતા? મતલબ ડેની તથા તમે…! મિ. બમનજી!’
સુનીલ ગજવામાંથી લક્કી સ્ટ્રાઈક સિગારેટ પેકેટ કાઢી તેમાંથી એક સિગારેટ સળગાવતાં બોલ્યો, ‘દિવાકરને કોઈ જ શંકા ન આવે એટલા માટે હું નાગપાલસાહેબને મરીન લાઈન્સ ખાતે આપવામાં આવેલા ફલેટમાં રહું છું અને ડેની ફોર્ટમાં સ્થિત ‘સાગર મહાલ’ ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. ત્યાં તેણે એવી વાત ફેલાવી હતી કે પોતે કાનપુરથી અહીં ભણવા માટે આવી છે. સ્પેશિયલ ચાર્જ આપીને એણે પોતાની સેપરેટ રૂમ મેળવી હતી અને ટેલિફોન પણ વસાવ્યો હતો. આ બધી સગવડો તેને ઈરાદાપૂર્વક જ આપવામાં આવી હતી. મેં ત્યાં તપાસ કરી હતી, પરંતુ મને ત્યાંથી કહેવામાં આવ્યું કે તે ત્રણેક દિવસથી ક્યાંક કોઈને કહ્યા-કારવ્યા વગર ચાલી ગઈ છે. અને હજુ સુધી પાછી નથી ફરી. દિવાકરને આબાદ રીતે ફસાવવા માટે એનો સંપૂર્ણ વિશ્ર્વાસ મેળવવા માટે આમ કરવું જરૂરી હતું. દિવાકરની એકેએક પ્રવૃત્તિનો રોજે રોજનો રિપોર્ટ ડેની મને ક્યારેક રૂબરૂમાં તો ક્યારેક ફોન પર આપતી હતી. ડેનીને ગર્લ્સ હોસ્ટેલમાં જે યુવતી સાથે ગાઢ મિત્રાચારી હતી એને મળવાનો પ્રયાસ મેં કર્યો હતો, પરંતુ તે ચાર-પાંચ દિવસથી પૂના ગઈ છે અને આજકાલમાં પાછી આવવાની છે. એનું નામ તો મને ખબર નથી પણ તે મીસ ચૌધરી તરીકે ઓળખાય છે, મૂળ એ લોકો બંગાલનાં છે.’ સુનીલે વાત પૂરી કરી.
‘હં.’ બમનજીએ કહ્યું, ‘ડેની તરફથી છેલ્લો રિપોર્ટ તમને ક્યારે મળ્યો હતો?’
‘ચારેક દિવસ પહેલાં…! બપોરે ત્રણ વાગ્યે એનો ફોન આવ્યો હતો. એ કહેતી હતી કે આજે રાત્રે મેટ્રોમાં નાઈટ શો જોવા જવાનું દિવાકર સાથે નક્કી કર્યું છે. બસ ત્યાર પછી કોઈ જ સમાચાર મને નથી મળ્યા.’
‘વારું, રંગપુર વિષે ત્યાં થઈ ગયેલા કાંડ વિષે તું શું માને છે?’
‘ઈન્સ્પેક્ટર, અત્યારે તો મારું દિમાગ ડેનીને શોધવામાં જ અટવાયું છે. પહેલાં તો હું દાતે ગર્લ્સ સ્કૂલમાં ભણતી ડેનીની ફ્રેન્ડ મીસ ચૌધરીને મળવા માગું છું. એને મળ્યા પછી જ કંઈક સૂઝ પડશે. ઓ. કે. મિ. બમનજી!’
-અને સુનીલ ઊભો થઈને બહાર નીકળ્યો. નાગપાલે તેને એક સરસ ફિયાટ કારની વ્યવસ્થા કરી આપી હતી.
એણે કારને ફોર્ટ વિસ્તાર તરફ દોડાવી.
*** ***
-દાતે ગર્લ્સ હોસ્ટેલ…!
-પૂછપરછ…!
‘-જી સાહેબ, મીસ ચૌધરી હમણાં જ થોડીવાર પહેલાં પાછી આવી છે.’
‘-થેંક્યુ… રૂમ નંબર….?’
-એકસો બે, થર્ડ ફલોર !
સુનીલ લિફ્ટ મારફત થર્ડ ફલોરમાં પહોંચ્યો.
-રૂમ નંબર એકસો બે…!
-દ્વાર પર ટકોરા…!
વળતી જ પળે દ્વાર ઊઘડ્યું.
-એક બેહદ ખૂબસૂરત, કોમળ અને ગુલાબના ફૂલ જેવો તાજગીભર્યો ચહેરો!
એ ખૂબસૂરત યુવતીની આંખોમાં પોતાની સામે એક અપરિચિત માનવીને જોઈને અચકચાટમાં ચિહ્નો ઊપસી આવ્યાં. તે પ્રશ્ર્નાર્થ દૃષ્ટિએ એની સામે તાકી રહી.
‘મારું નામ સુનીલકુમાર છે.’ એ બોલ્યો, ‘અને હું ન ભૂલતો હોઉ તો તમે જ મીસ ચૌધરી છો.’
યુવતીએ સ્વીકારાત્મક ઢબે માથું હલાવ્યું. એની આંખોમાં હજુ પણ શંકાનાં કુંડાળાં ફેલાતાં હતાં.
‘વાસ્તવમાં અહીં હું કિરણ મલહોત્રાની તપાસ કરવા આવ્યો હતો.’
મીસ ચૌધરીએ પૂછ્યું:
‘શું તપાસ કરવી છે તમારે?’
વાત એમ છે મીસ ચૌધરી! કે તે મારી ફ્રેન્ડ છે. છેલ્લા ચાર દિવસથી તેનો કોઈ જ તો કે કશાએ સમાચાર નથી. તે મને ઘણી વખત તમારું નામ આપીને કહેતી હતી કે મીસ ચૌધરી મારી ખાસ ફ્રેન્ડ છે. કદાચ તમારી પાસેથી કંઈક જાણવા મળશે એમ માનીને હું અહીં બે-ત્રણ વખત આવી ગયો, પરંતુ મને સમાચાર મળ્યા કે તમે પૂના ગયા છો…!
‘ઓહ!’ એકાએક મીસ ચૌધરીની આંખોમાંથી શંકાનાં કુંડાળાં દૂર થઈ ગયાં તેમ તેનો અવાજ પણ બદલાઈ ગયો. હવે એ અવાજ શંકા વગરનો હતો.
‘આવો.’ એ દ્વાર તરફથી ખસી ગઈ.
‘થેંક્યુ’ સુનીલ અંદર પ્રવેશ્યો.
મીસ ચૌધરી તેને સોફા સુધી દોરી ગઈ. બન્ને જણ સામ-સામે ગોઠવાયાં.
‘ફરમાવો, તમારે શું જાણવું છે? એક વાત કહી દઉં…! હું જ્યારે પૂના ગઈ ત્યારે તો તે અહીં જ હોસ્ટેલમાં જ હતી.’
‘તો તો ચોક્કસ જ તે તમને મળી હશે?’ સુનીલે કહ્યું.
‘હા, મને થયું કે હું પૂના જઉં છું તે વાત તેને કહેતી જાઉં. હું ઉપર સીડી ચડવા લાગી. ને એ ચોથા માળની રૂમ નંબર એકસો છવીસમાં રહે છે. એની રૂમનું દ્વાર ઉઘાડું હતું. હું જ્યારે લોબીમાં પહોંચી ત્યારે તેનો અવાજ મારે કાને સંભળાયો કદાચ એ કોઈની સાથે ફોનમાં વાતો કરતી હતી.’
સુનીલે પૂછયું : ‘શું સાંભળ્યું તમે?’
‘એ કોઈકને ફોન કરી રહી હતી-એ વખતે જોકે બરાબર મને યાદ નથી. પણ સાંજના લગભગ સાત વાગ્યા હતા.’ મીસ ચૌધરીએ પોતાની વાત આગળ ચલાવી, ‘હા, તો એ ફોન પર કોઈકને ઊંચા અવાજે કહેતી હતી, ‘ઓહ! તો એજ તારી જૂની વાતો… અને બહાનાંઓ… દિવાકર! આ રીતે તે કેટલીયેવાર વચનનો ભંગ કર્યો છે. અગાઉ પણ તેં ઘણા બધા પ્રોગ્રામો રખડાવ્યા છે. હવે પછી હું ક્યારેય તારી સાથે ક્યાંય નહીં આવું.’
મીસ ચૌધરીએ વાત પૂરી કરતાં જણાવ્યું, ‘સુનીલસાહેબ, કોઈની વાતચીત છુપાઈને ન જ સાંભળવી જોઈએ, એવો મારો સિદ્ધાંત છે. એટલે જ એને મળ્યા વગર હું ત્યાંથી પાછી ફરી ગમે. એમ માનીને કે મારે પૂના જવાને હજુ બે કલાકની વાર છે પછી મળી લઈશ. પછી હું મારી રૂમમાં ચાલી ગઈ ને પૂના જવાની તૈયારી કરવા લાગી. લગભગ એક કલાક પછી જ્યારે હું ફરીથી તેને મળવા ગઈ ત્યારે તેની રૂમ પર તાળું લટકતું હતું. મેં મારી બેચાર સખીઓ તથા હોસ્ટેલના સંચાલિકાને તેના માટે પૂછપરછ કરી જોઈ, પરંતુ એને કોઈએ બહાર જતા જોઈ નહોતી. એ ક્યારે તાળું મારીને હોસ્ટેલ છોડી ગઈ એનો ખ્યાલ કોઈને નથી. હવે તમારે વાતથી ઊલટું મન એની ફિકર થવા લાગી છે.’
‘તમે ચિંતા કરશો નહીં મીસ ચૌધરી!’ સુનીલ આવતાં બોલ્યો, ‘હું અને ગમે ત્યાથી શોધી કાઢીશ.’
‘પ્લીઝ… એ મારી સાથે ખૂબ જ હળીમળી ગઈ હતી.’
‘તો હવે હું રજા લઈશ, આભાર!’
સુનીલ ઊભો થયો.
‘સોરી, હું ચા-કોફી વિષે તો ભૂલી જ.’ મીસ ચૌધરી ચમકી ગયેલા અવાજે બોલી, ‘થોભો… હું હમણાં જ તૈયાર કરી લાવું છું.’
‘તકલીફ રહવા દો, ફરી કોઈક વાર!’
‘પણ…’
‘મારી કોફી તમારા પર ઉધાર રહી, બસ ને? ક્યારેક ચોક્કસ આવીશ.’ ચૌધરીએ સ્મિત ફરકાવ્યું.
(વધુ આવતી કાલે)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…